કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
બાબૂ ઐસો હૈ સંસાર તિહારો, ઈ હૈ કલિ બેવહારો
કો અબ અનુખ સહૈ પ્રતિ દિનકો, નાહિન રહનિ હમારો  - ૧
સુમ્રિતિ સુહાય સભૈ કોઈ જાનૈ, હૃદયા તતુ ન બૂઝૈ
નિરજીવ આગે સરજીવ થાપૈ, લોચન કછુ ન સૂઝૈ  - ૨
તજિ અમ્રિત વિષ કાહે કો અંચવે, ગાંઠિ બાંધૈ ખોટા
ચોરન દિન્હૌ પાટ સિંધાસન, સાધુ ન સે ભૌ ઓટા  - ૩
કહંહિ કબીર જૂઠે મિલિ જૂઠા, ઠગ હિ ઠગ બેવહારા
તીનિ લોક ભરપૂરિ રહો હૈ, નાહિન હૈ પતિયારા  - ૪
સમજૂતી
હે ભાઈ, તારો સંસાર તો એવો છે કે જેમાં કલિની પ્રેરણાથી જ બધા વ્યવહારો ચાલે છે. એ દ્વારા ઉભા થતા રોજ ને રોજ કોણ સહન કરે ? અમારે અહીં રહેવાની ઈચ્છા નથી. - ૧
સ્મૃતિ શાસ્ત્રોની અહીં તો બોલબાલા છે કારણ કે સૌને તે પસંદ છે. પરંતુ તેમાં છૂપાયલું રહસ્ય કોઈનું હૃદય તો જાણતું નથી. તેથી જ તો જડ પથ્થરની મૂર્તિને સજીવ પ્રાણીઓની હિંસા કરી તેઓ બલિ ચઢાવે છે ! (એમાં રહેલી નિરર્થકતા) કોઈની આંખે સ્હેજ પણ ચઢતી નથી. - ૨
એ સાચું ન હોય તો શા માટે તેઓ અમૃતને છોડીને ઝેર પીવે છે ? શા માટે તેઓ કુકર્મોની પોટલી બાંધ્યા કરે છે ? ચોરી કરનારને રાજગાદીના સિંહાસન પર શા માટે બેસાડે છે ? તેઓ સાધુ-સજ્જનોથી શા માટે પોતાનું મ્હોં છૂપાવો છે ? - ૩
કબીર કહે છે કે આ સંસારમાં જુઠા સાથે જૂઠો મળે છે ખરાબ વ્યવહારના વખાણ થાય છે. (લોકોને એવા વ્યવહારમાં વિશ્વાસ બેસે છે) પણ પરમાત્મા ત્રણે લોકને વ્યાપીને કણકણમાં રહેલો છે એમ કહેવામાં આવે તો વિશ્વાસ બેસતો નથી. - ૪
ટિપ્પણી
“કો અબ અનખ....રહનિ હમારો” - વિવેકી માનવને સદ્દવ્યવહારો જ ગમતા હોય છે. ખરાબ વ્યવહારોથી તે અકળાય જાય છે. જ્યાં સદ્દવ્યવહારનો અભાવ હોય ત્યાં તેને રહેવું ગમતું જ નથી. આવો કળીયુગનો પ્રભાવ તેને મૂંઝવે છે, અકળાવે છે. આપણો સમય કળીયુગણો જ છે. દરેક માનવ પોતાનું મનમાન્યું કરે છે ત્યાં સુધી તો સહ્ય છે પણ જ્યારે બીજા પાસે પણ તેવું જ કરાવવા શામ, દામ, દંડ ને ભેદનીતિ અખત્યાર કરી દાબદબાણ કરવામાં આવે છે ત્યારે તે દુઃખદ બની જાય છે ને તેથી વાંધાજનક પણ ગણાય. સમજુ ને સારા માણસોનું આવું ગમતું નથી હોતું.
“હૃદયા તત્વ ન બૂજૈ” - શાસ્ત્રોના બે પ્રકાર છે : શ્રુતિ ને સ્મૃતિ. ચારે વેદોની ગણના શ્રુતિમાં થાય છે. કારણ કે ઋષિમુનીઓને સાધના કરતાં કરતાં જ દિવ્યવાણી સંભળાયેલી તેનો સંગ્રહ વેદોમાં કરવામાં આવ્યો છે. ત્યારે પછી તે વાણીના આધારે યાદદાસ્ત અનુસાર ઋષિમુનિઓએ જે શાસ્ત્રગ્રંથોની રચના કરી છે તે સ્મૃતિ કહેવાય. પંડિતો શાસ્ત્રગ્રંથોના પ્રમાણ આપણે દુષ્ટ વ્યવહારોને પોષે છે ત્યારે શાસ્ત્રગ્રંથોનું ગૌરવ હણાય છે. અબુધ ને અજ્ઞાન લોકોને આ વિશે કાંઈ સમાજ તો હોતી નથી. ઢોંગી ગુરુઓએ તેઓને શિષ્ય બનાવી તેઓની અજ્ઞાનતાણો પૂરેપૂરો લાભ લીધો હતો. દુષ્ટ વ્યવહારો પાર ધાર્મિકતાનું કવચ ચઢાવી સમાજ જીવનની ઉન્નતિના બહાના હેઠળ ઢોંગી ગુરુઓએ જડ મૂર્તિને જીવતા બલિ ચઢાવવાની પ્રથા ચાલુ કરાવી હતી. ઢોંગી ગુરુઓ આ રીતે આજ દિન લગી શાસ્ત્રવચનોના અવળા અર્થ કરીને અજ્ઞાની ભોળા શિષ્યોને છેતરતા જ આવ્યા છે. “હૃદયા તત્વ ન બૂજૈ” એટલે હૃદયથી શાસ્ત્રના મર્મન જાણ્યો નહિ. બીજી રીતે પણ અર્થ કરી શકાય. હૃદયમાં જે તત્વરૂપે પ્રભુ રહેલા છે તે જાણ્યું નહિ તેથી જ પશુવધની ઘાતકી ક્રિયા થઈ શકી. ગીતા શાખ પૂરે છે :
ઈશ્વર સૌના હૃદયમાં અર્જુન વાસ કરે
તેના બળથી કર્મ સૌ આ સંસાર કરે. (સરળ ગીતા અ-૧૮)
દરેકના હૃદયમાં ભગવાન રહેલા છે તેવું જાણનાર કદી પર હિંસા આચરી શકતો નથી.
“સાધુ ન સે ભયા ઓટા” - ઓટા એટલે ઓટ આવવી. સાધુને મળવાનું દુષ્ટ માણસે બંધ કીધું. પોતે કુકર્મો કરે છે તેથી તેનો જીવ ડંખે છે. સાધુ પાસે જવા માટે હિમ્મત થતી નથી. સંતોના પ્રભાવ હેઠળ આવી જવાથી તે ઉઘાડો પડી જશે એવી જાણે કે બ્હીક રહે છે. ઝેરને અમૃત માનીને પીવાની પ્રથા, કુકર્મો તે જ સત્કર્મો છે એવું માની મનાવી પાપો વધારવાની રીત, રાક્ષસોને પણ લજાવે તેવા દુષ્ટ નરાધમોને વખાણવાની ટેવ અને સાધુથી સદાય દૂર રહેવાની પદ્ધતિ કળીયુગના પ્રભાવનું જ પરિણામ છે.
“તીનિ લોક ભરપૂર રહો હૈ, નાહીં હૈ પતિયારા” - બધા ઠગ જ ભેગા થયા હોય ત્યાં સત્યવચનની કિંમત કોણ કરે ? સત્યવચનમાં વિશ્વાસ કોણ મૂકે ? ઢોંગી ગુરુઓ સત્ય વચનમાં વિશ્વાસ પેદા થવા દેતા જ નથી. છેલ્લી કડીમાં કબીર સાહેબે જે વેદના વ્યક્ત કરી છે તે ભાગવતમાં પણ વ્યક્ત થઈ છે. વેદવ્યાસ નિરાશ થઈને બેઠા છે ત્યારે નારદ તેમને ઠપકો આપતા હોય તેમ કહે છે :
જુગુપ્સિતં ધર્મક્રતેડનુશાસત:
  સ્વભાવરકતસ્ય મહાન વ્યક્તિક્રમ:  |
યદ્વાક્યતો ધર્મ ઈતીતર:
  સ્થિતો ન મન્યતે તસ્યનિવારણં જન:  ||
અર્થાત્ સંસારીઓ સ્વભાવથી જ વિષયોમાં આસક્ત થઈને ફસાયા છે. તમે ધર્મના બહાના હેઠળ સકામ કર્મની તેઓને આજ્ઞા કરી છે. તેનો ઉલટો અર્થ કરી મૂર્ખ લોકો નિંદિત કર્મને જ ધર્મ માનવા લાગ્યા એ જ મૂખ્ય ધર્મ છે એવું મનાવવા લાગ્યા. મતલબ કે તમારા એવા વચનો ન કહેવા.
 
																										
				
Add comment