કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
કો અલ કરૈ નગર કોટવલિયા, માંસુ ફેલાય ગીધ રખવરિયા - ૧
મુસ ભૌ નાવ મજાર કડિહરિયા, સોવૈ દાદુર સરપ પહરિયા - ૨
બૈલ બિયાય ગાય ભૈ બંઝા, બછવહિ દૂહહિં તિનિતિનિ સંઝા - ૩
નિતિ ઉઠિ સિંધ સિયારસા જૂઝૈ, કબિર કા પદ જનબિરલા બૂઝૈ - ૪
સમજૂતી
અહીં એવો કોણ સમર્થ પહેરેગીર છે કે સંસારરૂપી નગરનું રક્ષણ કરી શકે ? ત્યાં તો માંસ ખુલ્લામાં ભરપટ્ટે મૂક્યું છે ને તેની સાચવણી કરવાનું કાર્ય ગીધને સોંપ્યું છે ! - ૧
ત્યાં તો ઉંદર (અજ્ઞાની જીવ) હોડી બને છે ને બિલાડી (ઢોંગી ગુરૂ) નાવિક બને છે ! દેડકો (મોહ તથા અવિદ્યા) સુઈ રહે ને (અભિમાની રૂપી) સાપ પહેરા ભરે ! - ૨
ત્યાં તો બળદ (મન) વિયાય છે ને ગાય (બુદ્ધિ) વાંઝણી થઈ જાય છે ! વાછરડા (ઈન્દ્રિયો) દોહવામાં આવે છે સવાર, બપોર ને સાંજ એમ ત્રણ વાર ! - ૩
ત્યાં તો સિંહ (જીવ) શિયાળ (વાસના-તૃષ્ણા) સાથે દરરોજ સવારે ઉઠીને યુદ્ધ કરે છે. કબીર કહે છે કે આ પદનો અર્થ કોઈ વિરલ પુરુષ જ જાણી શકે ! - ૪
ટિપ્પણી
આ અવળવાણીનું પદ પ્રતીકાત્મક ગણાય. જો કલ્યાણના માર્ગે આગળ વધવું હોય તો સમુચિત વ્યવહાર અનિવાર્ય ગણાય. વિપરીત વ્યવહાર કામ નહિ આવે. ઈન્દ્રિયો, મન ને બુદ્ધિને સંયમિત કરવાથી જ કલ્યાણ સાધી શકાય. તેને વિષયોથી દૂર રાખવામાં નહિ આવે તો સંયમ અશક્ય બને. તેવી સ્થિતિમાં ઢોંગી ગુરુઓની વાણી મનબુદ્ધિને વિચલિત કરી મૂકે. જીવ માત્ર કાલ્પનિક ક્ષણિક સુખોમાં રાચતો થઈ જાય. જીવ પોતાનું સ્વરૂપ ભૂલી મનને વાયે લાગે તો સર્વનાશ થાય. આ સાર ગર્ભિત વાત કબીર સાહેબે પ્રતીકોના ઉપયોગથી અવળવાણીનાં પદમાં સરસ રીતે અભિવ્યક્ત કરી છે. તેથી પ્રતીકોનો અર્થ આ રીતે સમજવું જરૂરી છે.
માંસ = વિષયભોગ
ગીધ = વિષયી મન
ઉંદર = અજ્ઞાની જીવ
બિલાડી = ઢોંગી ગુરુ
દેડકો = અંધવિશ્વાસમાં ડૂબેલો જીવ
સાપ = અભિમાન
બળદ = અવિવેક જો કામ, ક્રોધ, મદ, લોભ વિગેરેને જન્મ આપે
ગાય = સદ્દબુદ્ધિ
વાછરડો = સંકલ્પ-વિકલ્પ
ત્રણ વાર દોહવું = હર સમય કાલ્પનિક સુખમાં રહેવું
શિયાળ = મન
સિંહ = જીવાત્મા
 
																										
				
Add comment