કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
અલ્લાહ રામ જિયો તેરી નાંઈ, જિન પર મહેર હોહુ તુમ સાંઈ - ૧
કા મુંડી સિર નાયે ભૂમિ, કા જલ દેહ નહાયે
ખૂન કરૈ મિસ્કીન કહાવૈ, અવગુન રહૈ છિપાયે  - ૨
કા વુજૂ જાપ મંજન કીન્હે, કા મહજિદ સિર નાયે
હૃદયા કપટ નિમાજ ગુજારૈ, કા હજ મકકા જાયે  - ૩
હિન્દુ એકાદસિ કરૈ ચૌબીસો, રોજા મુસલમાના
ગ્યારહ માસ કહો દિન ટારે, એક હિ માન નિયાના  - ૪
જો ખુદાય મહજિદ બસતુ હૈ, અવર મુલુક કેહિ કેરા
તીરથ મૂરત રામ નિવાસી, દુઈમેં કિનહું ન હેરા  - ૫
પૂરબ દિસા હરિકો બાસા, પચ્છિમ અલહ મુકમા
દિલમેં ખોજિ દિલહીમેં ખોજો, ઈહૈ કરીમા રામા  - ૬
બેડ કિતેબ કહો કીન જૂઠા, જૂઠા જો ન બિચારૈ
સભ ઘટ એક એક કરિ જાનૈ, વૈ દૂજા કેહિ મારૈ  - ૭
જેતે ઔરત મરદ ઉપાને, જો સભ રુપ તુમ્હારા
કબીર પોંગારા અલ્લહ રામકા, ઓસ ગુરુ પીર હમારા  - ૮
સમજૂતી
હે સ્વામી, આ બધા (અજ્ઞાની) જીવ તમારી સમાન જ છે તો તેમના પર દયા કરો ! - ૧
માત્ર જમીન પર માથું ટેકવવાથી શું વળે ? માત્ર સ્નાન કરવાથી પણ શું ? ખૂન કરીને ફકીર કહેવરાવો છો અને અવગુણોને તો છૂપાવો છો ! - ૨
(હિંસક કૃત્યો કરતા રહીને) નમાજ પડતા પહેલા હાથ પગ ધોઈ નામ જપ કરવાથી શું વળે ? મસ્જિદમાં જઈ માથુ નમાવી નમન કર્યાથી પણ શો ફાયદો ? હૃદયમાં કપટ રાખી નમાજ પઢવાથી લાભ થાય ખરો ? તેવી સ્થિતિમાં મકકા જઈને હજ કરવાથી પણ શું ? - ૩
હિન્દુઓ બાર મહિનામાં ચોવીસ એકાદશી કર છે અને મુસલમાનો રમઝાન માસમાં રોજ કરે છે. બાકીના અગિયાર માસ શા માટે તાળી દીધા ? એક જ માસ કેમ નક્કી રાખ્યો ? - ૪
જો ખુદા માત્ર મસ્જિદમાં જ વસતા હોય તો બાકીના સ્થળે કોણ રહે છે ? માત્ર તીર્થ સ્થળોમાં જ અને મૂર્તિઓમાં જ રામનો નિવાસ હોય તો બીજા સ્થળોનું શું ? ખરેખર બંને લોકોએ પરમાત્માને જાણ્યા જ નથી. - ૫
માત્ર પૂર્વ દિશામાં જ પ્રભુનો વાસ છે અને અલ્લાહનો પશ્ચિમ દિશામાં જ છે તો હે ભાઈઓ, પોતપોતાના દિલમાં હૃદયપૂર્વક સંશોધન કરી જુઓ કે એ પરમાત્મા સ્વરૂપ રામ અને રહીમ ખરેખર ક્યાં છે ? - ૬
કોણે કહ્યું કે વેદ અને કુરાન જુદા જૂઠા છે? જૂઠા ખરેખર તો તે જ કહેવાય કે જે તેમાં રહેલ તત્વજ્ઞાનને વિચારતા નથી ! પ્રત્યેક શરીરમાં તે એક જ સ્વરૂપે રહેલ છે તે જાણી લેવામાં આવે તો કોણ બીજાને (જીવને) મારી શકે ! - ૭
સંસારમાં જેટલા સ્ત્રી પુરુષો ઉત્પન્ન થયા છે તે સૌ પ્રભુમાં જ સ્વરૂપો છે. તેથી કબીર કહે છે કે તે સૌ રામ ને અલ્લાહના બાળકો જ છે. જે આ રહસ્ય બરાબર જાણે છે તે અમારો ગુરુ અને પીર છે. - ૮
ટિપ્પણી
“જિન પર મહેર હોહુ તુમ સાંઈ” - જિસસને જીવતા જ ખીલા ઠોકીને સજા કરવામાં આવી હતી ત્યારે તેનાં મુખમાંથી કરૂણાણી વાણી વહેલી : હે પ્રભુ, આ લોકોને ક્ષમા કર કારણ કે તેઓ શું કરી રહ્યા છે તેની તેઓને ખબર નથી ! તે જ પ્રકારે આ પદમાં કબીર સાહેબે લોકોની અજ્ઞાનતાને લક્ષમાં લઈ કરૂણાપૂર્વક કહ્યું છે કે હે પ્રભુ, આ સૌ તમારાં જ સ્વરૂપો છે પણ તેઓ જાણતા નથી માટે ક્ષમા કરો !
“હૃદયા કપટ નિમાજ ગુજારૈ” = ધાર્મિક ગ્રંથોમાં બતાવેલ બાહ્યાચારોથી તન ને મનની શુદ્ધિ થવી જોઈએ. ન થાય તો નથી તીર્થયાત્રાનો અર્થ કે નથી ભક્તિનો કોઈ લાભ ! હૃદયમાં દુર્ગુણો વધતા રહે તો નમાજ કે નમનથી શો ફાયદો ? અહીં માત્ર બાહ્યાચારનો વિરોધ નથી પણ બાહ્યાચાર પાછળ જે સુધારણાની દૃષ્ટિ છે તેની અવગણના કરવામાં આવે છે તે પ્રત્યેનો વિરોધ વ્યક્ત થતો જણાય છે. ઉપવાસો પાછળ પણ તનમનની શુદ્ધિનો હેતુ છે. તે ન જળવાય તો ઉપવાસો પણ વ્યર્થ જ છે.
“હેરા” એટલે જોયા અથવા જાણ્યા. પરમાત્માના સ્વરૂપનો ખ્યાલ નથી હિન્દુઓને કે નથી મુસલમાનોને !
“પૂરબ દિસા હરી કોબાસા” - ક્ષીરરસાગરમાં ભગવાન વિષ્ણુ પોઢ્યા છે તો મકકામાં અલ્લાહનો મુકામ છે. ક્ષીરસાગર પૂર્વમાં ગણાય ને મકકા પશ્ચિમમાં !
“વેદ કિતેબ ....ન વિચારૈ” - શાસ્ત્રગ્રંથો પ્રત્યેની કબીર સાહેબની દૃષ્ટિ અહીં સ્પષ્ટ થાય છે. કબીર સાહેબ માત્ર નકારાત્મક ટીકા કરતા નથી. શાસ્ત્રગ્રંથોમાં જે રહસ્ય ગુપ્તપણે રહેલું છે તે અવગત કરવા માટે સાધનાત્મક પુરુષાર્થની આવશ્યકતા પર કબીર સાહેબ ખાસ ભાર મૂકે છે.
“જે તે ઓરતિ.... પીર હમારા” - અહીં ઉત્તમ પ્રકારના માનવધર્મનું મંડન છે. પ્રત્યેક આત્મા પ્રભુનું જ સ્વરૂપ હોય તો માનવ વચ્ચે ભેદ કેવા ? ન્યાત, જાત, ધર્મ ને સંપ્રદાયના ભેદોથી માનવ માનવ જ બની શક્યો નથી. તેવી સ્થિતિમાં માનવતાનો વિકાસ તો થાય જ કેવી રીતે ? ભેદો મટે તો માનવ માનવ વચ્ચેનું અંતર ઘટે ને માનવતાને પૂર્ણ વિકાસ થઈ શકે. એકવીસમી સદીમાં માનવ સમાજને કબીર સાહેબનો આ વિચાર અંતય્ત ઉપકારક થઈ પડશે તેમાં બે મત નથી.
 
																										
				
Add comment