કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
અબ કહાં ચલેહુ અકેલે મીતા, ઉઠહૂ ન કરહુ ઘરહુકી ચિંતા - ૧
ખીરે ખાંડ ધ્રિંત પિંડ સંવારા, સો તન લૈ બાહરિ કરિ ડારા - ૨
જિહિ સિર રચિ બાંધેઉ પાગા, સો સિર રતન બિડારત કાગા - ૩
હાડ જરૈં જસ લકરી ઝૂરી, કેસ જરૈં જસ ઘાસકી પૂરી - ૪
આવત સંગ ન જાત સંગાતી, કાહ ભયે દલ બાંધલ હાથી - ૫
માયાકે રસ લેન ન પાયા, અંતર જમુ બિલારિ હોય ધાયા - ૬
કહંહિ કબીર નર અજહુ ન જાગા, જમકા મુદગર સિર બિચ લાગ - ૭
સમજૂતી
હે જીવ મિત્ર, તું એકલો ક્યાં જઈ રહ્યો છે ? તું જાગ ને તારા અસલી ઘરની ચિંતા કર ! - ૧
જે શરીરનું તું ખીર ને ખાંડ ખવડાવી લાલન પાલન કરી રહ્યો છે તેને તો તારા સગાંઓ (મરી જશે ત્યારે) ઉંચકીને સ્મશાનમાં નાંખી દેશે ! - ૨
જે માથાંને સંભાળી સંભાળી તું પાઘડી બાંધતો હતો તેને તો સ્મશાનમાં કાગડાઓ ચાંચ મારી મારીને ફોડી ખાશે - ૩
સ્મશાનમાં તારા હાડકાંઓ સુકાયલાં લાકડાંની ભારીની માફક સળગી જાય છે ને વાળ તો ઘાસની પૂળીની માફક બળીને રાખ થાય છે ! - ૪
(સંસારમાં) આવ્યો ત્યારે તારી સાથે કોઈ નહતું ને જાય ત્યારે પણ કોઈ સંગાથી હોતું નથી. તો પછી આ હાથી ઘોડાનું લશ્કર (સંપત્તિ) સંઘરવાથી તને શું મળ્યું ? - ૫
માયાનો પૂરેપૂરો આનંદ તું લઈ શક્યો નહીં અને અચાનક યમ રૂપી બિલાડી તારા જીવ રૂપી ઉંદરને ગળી જવા દોડી આવી ! - ૬
તેથી કબીર કહે છે કે હે જીવ તું વૃદ્ધ થયો તો પણ હજી જાગ્યો નથી ? તારા માથા પર યમરાજની ગદાનો પ્રહાર તો થશે જ ! - ૭
 
																										
				
Add comment