Kabir Shabda Sudha

કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

દેખિ દેખિ જિય અચરજ હોઈ, ઈ પદ બૂઝૈ બિરલા કોઈ - ૧
ધરતી ઉલટિ અકાસ હિં જાય, ચિઉંટી કે હસ્તિ સમાય - ૨
બિનુ પવને જો પરબત ઊડે, જિયા જંતુ સબ બિરછા બૂડે - ૩
સૂખે સરવર ઉઠે હિલોર, બિનુ જલ ચકવા કરૈ કિલોલ - ૪
બૈઠા પંડિત પઢૈ કુરાન, બિનુ દેખ કા કરે બખાન - ૫
કહંહિ કબીર યહ પદ કો જાન, સોઈ સંત સદ પરવાન - ૬

સમજૂતી

જોઈ જોઈને તો જીવને આશ્ચર્ય થઈ રહ્યું છે !  આ પદ કોઈ વિરલા જ સમજી શકશે.  - ૧

ધરતી ઉલટી ગતિએ આકાશમાં જાય છે (અર્થાત્ દેવ, ઈશ્વર, સ્વર્ગ વિગેરે કાલ્પનિક વાતોને જીવ સત્ય માની લે છે ને તેને પ્રાપ્ત કરવા આકાશમાં ઉડવા લાગ્યો) કીડીના મોઢામાં હાથી સમાય જાય છે (અર્થાત્ ધાર્મિક ગુરુઓની મોટી મોટી વાતો ખોટી હોવા છતાં મનમાં સાચી બનીને સમાય જાય છે.)  - ૨

પવન નથી છતાં પર્વતો ઉડવા લાગ્યા ને જીવજંતુઓ પોતાનું રક્ષણ શોધવા ઝાડની ઘટામાં ડૂબી ગયા !  (અર્થાત્ વિચાર કર્યા વિના મોટા ગણાતા માણસો પણ હવાઈ મહેલ ચણવા લાગ્યા ને ગરીબ માણસો તેનાથી ડરી જઈને દેવી દવતા, ભૂત ને પ્રેતની વાતોને વળગી પડયા)  - ૩

સૂકાયલા તળાવમાં તરંગો ઉડવા લાગ્યા અને પાણી વિના ચક્રવાક પક્ષી કિલ્લોલ કરવા લાગ્યા (અર્થાત્ સંસારમાં સુખ નથી છતાં વિષયોના સેવનથી સુખ છે એવું મનાવા લાગ્યું ને જીવો ઉન્મત્ત થઈ આનંદ માણવા લાગ્યા.) - ૪

આ તમામ પ્રવૃત્તિના મૂળમાં જે પંડિતો છે તે વ્યાસપીઠ પર બૈસીને કથા કરે છે ને પોતે જેને જોયું નથી તેનાં મિથ્યા વખાણ કર્યા કરે છે !  - ૫

કબીર કહે છે કે પોતાના સ્વરૂપને જાણે છે તે જ સંત છે ને તેની વાણી જ પ્રમાણભૂત છે !  - ૬

ટિપ્પણી

આ અલંકાર પ્રધાન અવળવાણીનું પદ કહેવાય. અસંભવને સંભવ તરીકે વર્ણવી લોકોની ગેબી પ્રવૃત્તિઓની નિરર્થકતા વ્યક્ત કરી છે. માનવ જન્મ ધારણ કરનારે તો સ્વરૂપને ઓળખવાની જ પ્રવૃત્તિ કરવી જોઈએ. સ્વર્ગની વાતો વ્યર્થ ગણાય. સ્વર્ગની પ્રાપ્તિ કોઈએ કરી નથી. કોઈએ જોયું નથી. છતાં સ્વર્ગ મેળવવા વૃથા મહેનત કરવી ન જોઈએ. આત્મસ્વરૂપથી ભિન્ન કોઈ પરમાત્મા નથી. છતાં તેવા પરમાત્મા છે એવું શા માટે કહેવું જોઈએ ?  પરમાત્મા તો કોઈએ જોયા નથી. પરમાત્માનો અનુભવ કર્યા વિના માત્ર પુસ્તક વાંચીને પરમાત્માની વાતો કરનારા પંડિતો માટે અહીં ભારી કટાક્ષ કરવામાં આવ્યો છે.