Kabir Shabda Sudha

કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

અપનો કર્મ ન મેટો જાઈ
કર્મકા લિખા મિટૈ ધૌં કૈસે, જો યુગ કોટિ સિરાઈ  - ૧

ગુરુ વસિષ્ઠ મિલિ લગન સુધાયો, સુરજ મંત્ર એક દીન્હા
જો સીતા રઘુનાથ બિયાહી, પલ એક સંચ ન કીન્હા  - ૨

તીનિ લોક કે કર્તા કહિયે, બાલિ બધો બરિયાઈ
એક સમય એસી બની આઈ, ઉનહૂં અવસર પાઈ  - ૩

નારદમુનિકો બદન છિપાયો, કીન્હો કપિ કો રૂપા
સિસુપાલકી ભુજા ઉપારી, આપ ભયો હરિ ઠૂઠા  - ૪

પરવતી કો બાંઝ ન કહિયો, ઈસર ન કહિયે ભિખારી
કહંહિ કબીર કર્તાકી બાટેતેં, કર્મકી બાત નિનારી  - ૫

સમજૂતી

પોતે કરેલાં કર્મને કદી પણ મટાડી શકાતા નથી. ભલે કરોડો યુગ વીતી જાય પણ કર્મનાં લખેલાં લેખ કેવી રીતે મટી શકે ?  - ૧

વિસિષ્ઠ જેવા ગુરુએ લગ્નનું મુહૂર્ત શોધ્યું અને વિઘ્નો દૂર કરવા સૂર્યનો મંત્ર આપ્યો. સીતા સાથે રામનાં લગ્ન તો થયાં પરંતુ સીતાને એક ક્ષણ પણ સુખ મળ્યું નહિ.  - ૨

ત્રણે લોકના કર્તા ગણાતા રામે વાલીને કપટપૂર્વક માર્યો હતો તેથી એક એવો સમય આવ્યો કે (બીજા જન્મમાં) પારઘી બનીને વાલિએ તેનો બદલો લીધો.  - ૩

વિષ્ણુ ભગવાને નારદને પોતાનું સુંદર રૂપ તો આપ્યું હતું પરંતુ મોઢું તો વાનરનું જ બનાવ્યું હતું !  શિશુપાલની બે ભુજાઓ જેણે ઉખેડેલી તે હરિને ઠૂઠા બનવું પડ્યું હતું !  - ૪

શું પાર્વતીને વંધ્યા ન કહેવાય ?  શું મહાદેવને ભિખારી ન કહેવાય ?  કબીર કહે છે કે આ તો કર્તાની વાતો થઈ. પરંતુ કર્મના ફળના વાત તો ન્યારી જ છે !  -  ૫

ટિપ્પણી

“અપનો કર્મ ન મેટો જાઈ” - વિદ્વદ્વર્ય પંડિત હજારીપ્રસાદ દ્વિવેદીજી કબીર સાહેબને અલમસ્ત મનમૌજી ગણાવતા ‘કબીર વચનાવલી’ની પ્રસ્તાવનામાં પૃ - ૯ પર કહે છે કે “એવા મસ્તરામ કે જૂનાં કર્મોનો હિસાબ જ ન રાખે, વર્તમાન કર્મોને સર્વસ્વ ન માને અને એવું બધું વાળીઝૂડીને ભવિષ્યમાં આગળ ચાલ્યા જાય.”  આ કઠન આ પદ સમજ્યા પછી સાવ એકાંગી લાગ્યા વિના રહેતું નથી. કબીર સાહેબ કર્મ માટે બેપરવાહી જણાતા જ નથી.

“ગુરુ વસિષ્ઠ .... સંચુ ન કીન્હા” - કબીર સાહેબે અહીં સામાન્ય જન સમુદાયમાં ખૂબ જ પ્રચલિત કથાઓમાંથી દૃષ્ટાંતો આપીને કર્મનું મહત્વ પ્રતિપાદિત કર્યું લાગે છે. લોકો જેને ભગવાન માને છે તેવા ભગવાન પણ કર્મનાં ફળ ભોગવ્યાં વિના મૃત્યુને ભેટી શકતા નથી એ હકીકત ભક્તિ તત્વને સમજવા માટે પણ લક્ષમાં લેવી જોઈએ. એવી રજૂઆત પાછળ પણ છૂપો વ્યંગ રહેલો જણાય છે. ત્રણે લોકનો જે કર્તા ગણાતો હોય તેણે શા માટે કપટ કરવું જોઈએ ?  જગદંબા ગણાતી પાર્વતી શા માટે ગર્ભથી બાળક જણી શકતી નથી ?  શું એ કર્મના પરિણામો નથી ?

“નારદમુનિ કો બદન છિપાયો ....” - નારદમુનિને એકવાર અહંકાર થયો. પોતે કામ પર  વિજય પ્રાપ્ત કર્યો છે તેથી બ્રહ્મા અને શંકરથી મહાન છે એવો દાવો વિષ્ણુ પાસે જઈ તેમણે કર્યો. એટલે વિષ્ણુએ તેની કસોટી કરવા એક માયાવી નગરી, તેનો એક રાજા, તેની સ્વરૂપવાન એક કન્યા અને તેના સ્વયંવરની રચના કરી. નારદને તે નગરમાં પસાર થવાનું બને છે ત્યારે પેલી સ્વરૂપવાન કન્યાને જોઈ મોહ પેદા થાય છે. પોતે કામથી વિહ્વવળ બની જાય છે. તેઓ વિષ્ણુની પાસે જઈ પોતાને સૌંદર્યવાન બનાવી દેવાની માંગણી કરે છે. વિષ્ણુએ તેમ કર્યું પણ મોઢું તો  વાંદરાનું જ રહેવા દીધું. તેથી સ્વયંસરમાં નારદ નિષ્ફળતા મેળવે છે ત્યારે વિષ્ણુનું કપટ તે જાણી જાય છે. માટે નારદે વિષ્ણુને શાપ આપ્યો હતો કે તું પણ નારી વિરહથી દુઃખી થશે. આ રીતે સીતાના વિરહથી રામ પીડિત થયેલા તે કર્મનો જ બદલો હતો.

“સિસુપાલહીકી ભુજા ઉપારી ....” - ચેદી દેશના રાજાનો પુત્ર શિશુપાલ ત્રણ આંખ અને ચાર હાથો લઈને જન્મ્યો હતો. તે સમયે આકાશવાણી થયેલી કે જેના ખોળામાં બેસાડવાથી આ બાળકની ત્રીજી આંખ અને બે હાથો વિલીન થશે તે વ્યક્તિને હાથે જ શિશુપાલનું મૃત્યુ પણ થશે. શ્રીકૃષ્ણના ખોળામાં શિશુપાલને મૂકવાથી ત્રીજી આંખ ને વધારાના બે હાથો વિલીન થયેલા. તેનો બદલો શ્રીકૃષ્ણને જગન્નાથપુરીમાં ભોગવવો પડ્યો હતો !  જગન્નાથપુરીના મંદિરમાં હાથપગ ઠૂંઠા કરી શ્રીકૃષ્ણને બેસવું પડેલું તે આજે પણ જોઈ શકાય છે.

“કરમકી બાત નિનારી” - ગહના કર્મણો ગતિઃ એ ગીતાનું વચન અહીં યાદ આવે છે. આપણાં સુખદુઃખો આપણાં કર્મો પર જ આધારિત છે. આ સત્ય જ્ઞાન સરખી રીતે નથી. સમજાતું તેથી તે ગહન કહેવાય છે. ‘નિનારી’ એટલે ન્યારી. ન્યારી શબ્દ દ્વારા કર્મની ગહન ગતિનો જ ઉલ્લેખ છે.