કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
ઝગરા એક બઢો રાજા રામ, જો નિરુબારૈ સો નિરબાન - ૧
બ્રહ્મ બડા કી જહાં સે આયા, બેદ બડા કી જિન ઉપજાયા ? - ૨
ઈ મન બડા કી જેહિ મન માના, રામ બડા કી રામહિ જાના ? - ૩
ભ્રમિ ભ્રમિ કબિરા ફિરૈ ઉદાસ, તીરથ બડા કી તીરથ દાસ ? - ૪
સમજૂતી
હે રાજા રામ !  એક મોટો ઝગડો ઊભો થયો છે. જે એનું નિવારણ કરશે તે મોક્ષની પ્રાપ્તિ કરશે.  - ૧
બ્રહ્મ મહાન કે જેવી કલ્પનાથી બ્રહ્મનું સ્વરૂપ નિર્માણ પામ્યું તે મનુષ્ય મહાન ?  વેદ મહાન કે વેદોના રચયિતા ઋષિઓ મહાન ?  - ૨
આ મન મોટું કે મનને માનવાવાળો જીવ મોટો ?  રામ મહાન કે રામના ભક્ત મહાન ?  - ૩
કબીર કહે છે કે તીર્થોમાં ભટકી ભટકી સ્વરૂપને ભૂલીને દુઃખી થતા હે જીવ, કહે તો ખરો કે તીર્થનું મહત્વ વધારે કે તીર્થને બનાવનાર સંતોનું મહત્વ વધારે ?  - ૪
ટિપ્પણી
“ઈ મન બડા કી જેહિ મન માના” - કબીર સાહેબ માનવતાના પૂજક હતા. તેમની વિચારણામાં માનવ કેન્દ્રસ્થાને જ રહે છે. સામાજિક, રાજકીય, ધાર્મિક કે આધ્યાત્મિક ચર્ચા કરતા હોય તો પણ કબીર માનવને જ કેન્દ્રમાં રાખી વિચારણા કરતા હોય છે. માનવનું કલ્યાણ એ દ્વારા થાય છે કે નહીં તેની ઊંડી જાણે કે તપાસ કરતા હોય છે. અહીં પણ બ્રહ્મનું મૂલ્યાંકન કરતી વખતે માનવનો મહિમા ગાયા વિના રહી શકતા નથી. કોણ મહાન ? તીર્થ કે તીર્થને બનાવનાર માનવ ? મન મહાન કે મન જેની કલ્પના કરે છે તે ઈશ્વર મહાન ? ઉપનિષદ્દ પણ આવી જ તપાસ પરે છે :
યન્મસા ન મનુતે યેનહુર્મનો મતમ્ 
ત્વદેવ બ્રહ્મત્વં વિદ્ધિ નેદં યદિદમુપાસતે
અર્થાત્ જેનું મનથી મનન થઈ શકતું નથી પરંતુ જેના વડે મનન કરી શકે છે તેને તું શ્રેષ્ઠ સમજ, નહીં કે તેને જેની તું મનથી કલ્પના કરીને ઉપાસના કરે છે !
 
																										
				
Add comment