કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
જૂઠે જનિ પતિયાઉ હો, સુનુ સંત સુજાના
તેર ઘટમેં હિ ઠગ પૂર હૈ, મતિ ખોવહુ અપાના - ૧
જૂઠે કી મંડાન હૈ, ધરતી અસમાના
દસહી દિસા વાકિ ફંડ હૈ, જીવ ઘેરે આના - ૨
જોગ જપ તપ સંજમા, તીરથ બ્રત દાના
નૌધા બેદ કિતેબ હૈ, જૂઠે કા બાના - ૩
કાહુકે બચન હિ ફુરૈ, કાહુ કરમાતી
માન બડાઈ લે રહે, હિન્દુ તુરુક જાતી - ૪
બાત બ્યોંતે અસમાનકી, મુદતી નિયરાની
બહુત ખુદી દિલ રાખતે, બૂડે બિનુ પાની - ૫
કહંહિ કબીર કાસૈ કહૌ, સકલો જગ અંધા
સાંચા સો ભાગા ફિરૈ, જૂઠેકા બંદા - ૬
સમજૂતી
હે જ્ઞાની સ્નાતો, સાંભળો ! જૂઠી વાતો પર વિશ્વાસ કરશો નહીં. તમારા શરીરમાં જ મન રૂપી ચોર બેઠો છે. તેની સાથે ભોળવાઈને તમે બુદ્ધિ ભ્રષ્ટ કરશો નહિ ને સ્વરૂપને ભૂલશો નહિ. - ૧
આ ધરતીથી આકાશ સુધી સર્વત્ર મન રૂપી ચોરે ફેલાવેલ જૂઠાણાની જ બોલબોલા છે. દશે દિશાઓમાં ફેલાયેલી મનની પ્રપંચ જાળથી જીવ પણ ઘેરાયેલો છે. - ૨
યોગ, જપ, તપ, સંયમ, તીર્થ, વ્રત, દાન, નવધા ભક્તિ, વેદ ને કુરાન આદિ ગ્રંથો પાર પણ જૂથનું જ આદિપત્ય છે. - ૩
કોઈના વચનો સત્ય બનતા જણાય છે તો કોઈની કરામતો આકર્ષણ જમાવતી જણાય છે. હિન્દુ અને મુસલમાન સૌ પોતપોતાની રીતે માન ને મોટાઈ મેળવી રહ્યા જણાય છે. - ૪
હૃદયમાં સિદ્ધિઓનું અભિમાન રાખીને તે લોકો આકાશ જેવી મોટી મોટી વાતો કર્યા કરતા હોય છે. તેઓ પોતાનો અંતકાળ નજીક આવી રહ્યો હોવા છતાં તેને ખ્યાલમાં રાખતા નથી ને પરિણામે પાણી વિનાના કૂવામાં બૂડી મરે તેવી દશા થઈ જાય છે ! - ૫
કબીર કહે છે કે આ બધું કોણે કહી સંભળાઉં ? વિવેક વિના આખું જગત આંધળું બની ગયું છે. પોતાના શરીરમાં રહેલા રામને સત્ય ન માનતાં તેઓ કાલ્પનિક પ્રપંચી રામના ભક્ત થઈને ફરતા હોય છે ! - ૬
ટિપ્પણી
આ શબ્દમાં પણ મનનું મહત્વ અને સત્ય વચનનો આગ્રહ વ્યક્ત થાય છે. સર્વને ઉપયોગી એવો સર્વકાલીન સંદેશ અહીં આપી દીધો છે. છેલ્લી પંક્તિમાં કરવામાં આવેલી દર્દ ભરેલી અપીલ સૌને વિચાર કરતા કરી મૂકે છે.
 
																										
				
Add comment