કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
સંતો એસી ભૂલ જગ માંહી, જાતે જીવ મિથ્યામેં જાહી - ૧
પહિલે ભૂલે બ્રહ્મ અખંડિત, સાંઈ આપુહિ માની
સાંઈમેં ભૂલત ઈચ્છા કીન્હી, ઈચ્છા તે અભિમાની - ૨
અભિમાની કરતા હો બૈઠે, નાના ગ્રંથ ચલાયા
વોહિ ભૂલમેં સબ જગ ભૂલા, ભૂલકા મરમ ન પાયા - ૩
લાખ ચૌરાસી ભૂલ તે કહિયે, ભૂલ તે જગ બિરમાયા
જા હૈ સનાતન સોઈ ભૂલા, અબ સો ભૂલ હિ ખાયા - ૪
ભૂલ મિટૈ ગુરુ મિલૈ પારખી, પારખ દેહિ લખાઈ
કહંહિ કબીર ભૂલકી ઔષધ, પારખ સબકી ભાઈ - ૫
સમજૂતી
હે સંતો, જગતમાં જીવ મિથ્યા પદાર્થોના મોહમાં ફસાયને પોતાના સ્વરૂપને ભૂલી જવાની ભૂલ કરે છે ! - ૧
સૌ પ્રથમ ભૂલ અખંડિત ગણાતા બ્રહ્મે કરી. તેને માયા સ્વરૂપી પોતાના પડછાયાને સત્ય માની (હું સૃષ્ટિ કરું) એવી ઈચ્છાઓ કર્યા કીધી, જેને કારણે તેને અભિમાન ઉત્પન્ન થયું. - ૨
એ રીતે તે પોતે સૃષ્ટિને કર્તા છે એવું માની બેઠો અને અભિમાનમાં ગરકાવ થઈને તેને અનેક ગ્રંથો રચ્યા ને પંથો ચલાવ્યા. તેણે કરેલી પ્રથમ ભૂલના મર્મને ન જાણી શકવાને કારણે આખું જગત ભૂલને માર્ગે ચાલે છે. - ૩
ચોર્યાસી લાખ યોનિઓ ભૂલથી ઉત્પન્ન થઈ એમ કહેવું જોઈએ ને આખું જગત એ ભૂલની ભ્રમણામાં ફસાયું છે એમ કહેવું જોઈએ ને આખું જગત એ ભૂલની ભ્રમણામાં ફસાયું છે એમ માનવું જોઈએ. સનાતન ગણાતા તે બ્રહ્મે જ ભૂલ કરી છે તો ત્યારથી તે ભૂલ તેને ખાય રહી છે ! - ૪
કબીર કહે છે કે હે ભાઈઓ, જ્ઞાની ગુરુ મળે તો જ એ ભૂલ સુધરી શકે ! જ્ઞાની ગુરુ સત્ય ઉપદેશ આપીને સ્વરૂપના જ્ઞાનની પરખ જ સર્વ ભૂલોમાંથી બચવા માટેની ઔષધિ છે એનું ભાન કરાવે છે. - ૫
ટિપ્પણી
“કહંહિ કબીર ..... સબકી ભાઈ” - જીવની ભૂલ કઈ ? તો કહેવામાં આવે છે કે પાર્થિવ પદાર્થોની વિષયવાસનાની મોહિનીમાં ફસાઈને પોતાનાથી અલગ કોઈ ભગવાન છે એવી કલ્પના કરી તથા તે આધારે ભ્રમણાને માર્ગ કંડાર્યો. તે પોતાની ભૂલનું ભાન થવું અને પોતાનું આત્મસ્વરૂપ જ ઈશ્વર છે એવું જ્ઞાન થવું તે પારખ. તે જ્ઞાનને જ ગીતામાં પવિત્ર કહીને નવાજ્યું છે :
જ્ઞાનસમું કૈં યે નથી પવિત્ર આ જગમાંહ્ય,
સમય જતાં મેળવે જ્ઞાની અંતરમાંહ્ય. (સરળ ગીતા - ૪/૩૮)
અર્થાત્ જ્ઞાનથી કોઈ વિશેષ પવિત્ર વસ્તુ બીજી આ જગતમાં નથી. વળી આ જ્ઞાન બહારથી પ્રાપ્ત થતું નથી પણ અંતરમાંથી જ પ્રાપ્ત થાય છે એ એની વિશેષતા.
 
																										
				
Add comment