કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
જાગ્રત રૂપી જીવ હૈ, શબ્દ સોહાગા ૧સેત
૨જરદ બુન્દ જલ ૩ફૂકુહી, કહહિં કબીર કોઈ દેખ
૧=સફેદ, ૨=વરસાદના, ૩=પરપોટા
જીવ તો પ્રકાશ સ્વરૂપ (જાગ્રત રૂપી) છે. પરંતુ અવિદ્યા રૂપી મૂઢ અવસ્થામાં તેનાં પર મળના થરો જામી જાય છે. તે મલિનતા ગુરુના ઉપદેશથી દૂર થઇ જાય છે ને જીવનું અસલ સ્વરૂપ (સેત)નો પરિચય થાય છે. જે રીતે વરસાદનું પાણી વરસે ત્યારે તળાવના પાણીમાં પરપોટા પેદા થાય છે. ને તે પરપોટા તળાવના પાણીથી જુદા જ લાગે છે. હકીકતે તે પણ પાણી જ હોવાથી જુદા નથી. તે રીતે ગુરુના શરણાગતને જીવના શુદ્ધ સ્વરૂપનો પરિચય થઈ જાય છે. પરંતુ કબીર સાહેબ તો કહે છે કે એવા શિષ્ય તો વિરલ જ હોય છે.
Add comment