કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
કબીર ભરમ ન ભાજિયા, બહુ વિધિ ધરિયા ભેખ,
સાંઈ કે પરચે બિના, અન્તર રહી ગઈ રેખ !
અનેક પ્રકાર વેષ ધારણ કરવાથી પણ ભ્રમ ભાંગતો નથી ને છૂટકારો થતો નથી. કબીર સાહેબ કહે છે કે જ્યાં સુધી પરમાત્માનો પરિચય થતો નથી ત્યાં સુધી ગમે તે પ્રયત્નો કરો પણ અંતરમાં વાસના રહી જ જાય છે.
નોંધ : પરમ સુખની પ્રાપ્તિ માટે ઘર છોડીને જંગલમાં જનાર ઘણા ભ્રમિત જીવો સંસારમાં ભટકે છે. મનમાં તો વાસના ભરેલી જ હોય છે. છતાં તેઓ જુદાજુદા વેષ બદલીને સાધના કરવા પ્રયત્ન કરે છે. કોઈ યોગી બને છે, કોઈ ત્યાગી બને છે તો કોઈ સન્યાસી બને છે. સન્યાસના પણ પાછા દસ પ્રકાર. તો પણ તેવા જીવોનું કલ્યાણ થતું નથી કારણ કે પરમાત્માનો પરિચય તેમને થયેલો નથી હોતો. પરમાત્માનો પરિચય થાય તો તેની સાથે પ્રીતિ જન્મે ને લગની લાગે. તો જ તે સાચી ભક્તિ કરી શકે.