કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
૧દોહરા તો નૂતન ભયા, ૨પદહિં ન ૩ચિન્હૈ કોય
જિન યહ શબ્દ વિવેકિયા, ૪છત્ર ધની હૈ સોય !
૧=દોહા છંદ, ૨=એમાં વપરાયલા શબ્દો, ૩=સમજે નહીં, ૪=રાજા (છત્રપતિ)
દોહા છંદમાં રચેલી મારી આ સાખી કવિતા તો હંમેશ નવી જ લાગશે. પરંતુ એમાં વપરાયેલ શબ્દાવલિ વિષે કોઈ વિચારતું પણ નથી ને સમજતું પણ નથી. જેણે એમાં રહેલ ગુપ્ત જ્ઞાન (શબ્દ) ને પારખ્યું છે તે ખરેખર રાજા જેવો ધનવાન બની જાય છે.
નોંધ : કબીર સાહેબે સહુ પ્રથમ સાખીની રચના કરી હતી. રચના પાછળનો ઉદ્દેશ લોકોને સાચા રસ્તે દોરવાનો જ હતો. તેથી તેમણે સાચા જ્ઞાનની જ વાતો કરી. જે રીતે ગુજરાતમાં નરસિંહ મહેતાએ ગાયું હતું : “જ્યાં લગી આતમા તત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી.” તે રીતે કબીર સાહેબે પણ ગાયું હતું કે “આતમ તત્વ ચીને બિના સબ હૈ જૂઠી સેવ.” નરસિંહ મહેતાથી કબીર સાહેબ પંદેરક વર્ષ ઉંમરમાં મોટા હતા એવું હિંદી સાહિત્યના વિદ્વાનો અનુમાન કરે છે. જૂનાગઢમાં કબીર સાહેબ ગયા હતા અને નરસિંહ મહેતાને આત્મતત્વનો ઉપદેશ આપ્યો હતો એવું આચાર્ય આનંદશંકર ધ્રુવે નોંધ્યું છે એ જે હોય તે પણ આત્મતત્વ કે પોતાના સ્વરૂપનો પરિચય આદ્યાત્મિક માર્ગમાં જરૂરી છે. તે વિના તમામ મહેનત વૃથા નીવડે છે.
 
																										
				
Add comment