Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

મન સાયર મનસા લહરિ, બૂડે બહુત અચેત
કહહિં કબીર તે બાંચિ હૈં, જિનકે હૃદય વિવેક

મન તો સાગર સમાન છે ને તેમાં પેદા થતી મનની વૃત્તિઓ મોજા સમાન છે. તેમાં અજ્ઞાની લોકો ઘણા બૂડી ગયા. કબીર કહે છે કે માત્ર તે જ બચી જવા પામ્યા છે કે જેના હૃદયમાં વિવેક જાગૃત થઈ ગયો હોય !

નોંધ :  મનની શક્તિ અગાધ છે. તેને પ્રેમપૂર્વક જીતી લેવામાં આવે તો તેની શક્તિ દ્વારા સંસાર સાગર પાર કરી શકાય છે. પરંતુ જો તેમાં પેદા થતાં ઈચ્છાઓ રૂપી મોજાંઓમાં ઘસડાઈ જવાય તો ડૂબી જવાય. સંસાર સાગર પાર કરી શકાય નહીં. આ ઈચ્છાઓ રૂપી અથવા તો વૃત્તિઓ રૂપી મોજાંઓ તે જ મનની માયા છે. તે જ જીવને અધ:પતનના માર્ગે દોરી જાય છે. માટે મનમાં સદ્‌ભાવ વધારવા સદ્‌વિચારોનું સેવન કરવું જોઈએ. ને તે માટે સદ્‌ગ્રંથ, સદ્‌ગુરૂના ઉપદેશોનું મનન અને સ્વાધ્યાય જરૂરી ગણાય છે. મન વિષે ઉપનિષદ્‌ના ઋષિઓએ પણ ચેતવણી આપતાં કહ્યું જ છે કે

મન એવં મનુષ્યાણામ્ કારણમ્ બંધ મોક્ષયો:  |

મનુષ્યના બંધન અને મોક્ષનું કારણ મન જ છે. તેથી મનની કેળવણી માટે જાગૃત મનુષ્યોએ પ્રયત્ન કરવો જોઈએ.