Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

નાચૈ, ગાવૈ, પદ કહૈ, નાહીં ગુરુ સો હેત
કહ કબીર ક્યોં નીપજૈ, બિજ બિહૂના ખેત ?

નાચ, ગાન ને ભજન લલકારવામાં આવે પણ ગુરુ સાથે સ્નેહનો સંબંધ ન બાંધ્યો હોય તો કબીર કહે છે કે તે સર્વ મિથ્યા છે. પાણી, ખાતર, બળદ, મજૂરો વિગેરે વ્યવસ્થા ઊભી કરવામાં આવી હોય પણ ખેતરમાં બીજ વાવવામાં જ ન આવ્યું હોય તો પાક ખેતરમાં કેવી રીતે પાકે ?

નોંધ :  આ સાખીમાં કબીર સાહેબે ગુરુ સાથે સ્નેહનો સંબંધ બાંધવાની જીવને સલાહ આપી છે. ગુરુ સાથેની સગાઇ બાંધવી એ આધ્યાત્મિક માર્ગની પ્રથમ આવશ્યકતા છે. એકલવ્યના દષ્ટાંતથી તે સારી રીતે સમજી શકાશે. એકલવ્ય તો ભીલકુમાર હતો. જ્યારે દ્રોણાચાર્ય બ્રાહ્મણ હતા. વળી તેઓ તો રાજ્યના નોકર હતા. જ્યારે એકલવ્યને ગુરુ કરવાની ભૂખ જાગી ત્યારે દ્રોણાચાર્ય રાજ્યની નીતિની ઉપરવટ ન જઈ શક્યા. નીચ જાતિમાં જન્મેલાને બાણવિદ્યા ન શીખવી શકાય એવી રાજ્યની નીતિ હતી. તેથી દ્રોણાચાર્ય માત્ર આશીર્વાદ આપે છે. પરંતુ એકલવ્યના હૃદયમાં દ્રોણાચાર્ય માટે અહોભાવ હતો. તેમની મૂર્તિ બનાવીને એકલવ્યે માનસિક સંબંધ બાંધી દીધો હતો. તેથી જ તેની મહેનત આખરે ફળી હતી. તેને જે બાણવિદ્યા પ્રાપ્ત થઈ હતી તે અર્જુનની વિદ્યા કરતાં પણ શ્રેષ્ઠ હતી. આમ ગુરુ સાથે માનસિક જોડાણ અગત્યનું છે.