Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

માનુષ તેરા ગુણ બડા, માંસ ન આવૈ કાજ
હાડ ન હોતે આભરણ, ત્વચા ન બાજત બાજ !

હે ! મનુષ્ય તારું ગૌરવ તો સદ્‌ગુણથી જ થાય છે. બાકી  તારું માંસ પણ કોઇને ઉપયોગી થતું નથી. નથી થઈ શકતાં હાડકાનાં ઘરેણાં કે નથી ચામડીનાં થતાં ઢોલવાજા !

નોંધ :  કબીર સાહેબ ફરીથી માનવતાના ગુણનો મહિમા વ્યક્ત કરે છે. મનુષ્ય તરીકે જન્મીને માનવતાનો વિકાસ ન કરે તો ઉત્ક્રાંતિ તરફ જીવ ગતિ કરી શકતો નથી. ભગવાને મનુષ્યને બુદ્ધિનું હથિયાર આપીને તેના માથા પર મોટી જવાબદારી સોંપી છે. શારીરિક કે આત્મિક વિકાસ માટે મનુષ્યે બુદ્ધિનો જ ઉપયોગ કરવાનો રહે છે. તે જો પોતાના ખોરાક તરીકે પશુ હિંસા કરે તો તેણે બુદ્ધિનો સમુચિત ઉપયોગ કરેલો ન ગણાય કુદરતી ચક્રને ખલેલ પહોંચાડ્યા વિના માનવે પોતાનો વિકાસ કરવો જોઇએ. તેથી મનુષ્યે પોતાના નૈસર્ગિક ગુણોને ખીલવવા પાછળ સૌ પ્રથમ ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. અન્ય જીવો સાથેનો તેનો  વ્યવહાર કેવો હોવો જોઇએ તે અહીં સૂચવાયું છે.