કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
માટી કહૈ કુમ્હારકો, તૂં ક્યા રૂદે મોહિ
ઈક દિન ઐસા હોયગા, મૈ રૂદૂંગી તોહિ !
એક દિવસ માટી કુંભારને કહી રહી કે તું મને શું રગદોળે છે ? એક દિવસ એવો આવશે કે હું જ તને રગદોળી નાખીશ !
નોંધ : આ શરીર તો જડ છે. સ્મશાનમાં એની તો રાખ થઈ જાય છે. માટીમાંથી બનેલું શરીર જાણે કે ફરીથી માટીમાં જ મળી જાય છે. પરંતુ શરીરમાં જે ચેતન તત્વ હતું તેનો નાશ કોઈ કરી શકતું નથી. તે તો અવિનાશી છે. મૃત્યુ વખતે તે તો શરીરની બહાર ચૈતન્ય સચરાચરમાં વ્યાપેલું છે તેમાં જ ભળી જાય છે. જેનો નાશ નથી થતો તેના પર જ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. જે નાશવંત છે તેને ખાતર બધું જ ભૂલી જવાની જરૂર નથી. હા, શરીર સ્વસ્થ રહે તે માટે જરૂરી મહેનત અવશ્ય કરવી જોઇએ, પણ તે જ આત્મતત્વ છે અથવા તો તે જ આપણું સ્વરૂપ છે એવા ખ્યાલે તેનું જ લાલન પાલન કરવામાં આવે તો અંત સમયે સહુ કોઇને નિરાશ થવું પડે છે આ હકીકત સમજાવવા માટે કબીર સાહેબે સુંદર રૂપક આપણી સમક્ષ આ સાખીમાં રજૂ કર્યું છે. મનુષ્ય શરીર પ્રાપ્ત થયું તેથી કુંભાર અભિમાનપૂર્વક જીવન જીવવા માંડે છે. તેનો ધંધો માટી સાથે. માટીને પાણી દ્વારા ઢીલી બનાવીને કેળવવા માંડે છે. તેમાંથી તે અવનવા આકારો સર્જે છે. પરંતુ એક દિવસ એવો પણ આવે છે કે તેનું મૃત્યુ થઈ જાય છે ને શરીર તો રાખ બની જાય છે. માટીમાં માટી મળી જાય છે તેનો ગર્વ નકામો હતો એવું આપણે સમજવું.
Add comment