કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
સીસ ઉતારૈ ભુઈ ધરૈ, તાપર રાખૈ પાંવ
દાસ કબીરા યોં કહૈ, ઐસા હોય તો આવ
માથું ઉતારીને ભોંય પર મૂકી દે અને પાછો એના પર પગ દાબી દે તો જ પ્રેમના ઘરમાં પ્રવેશ કરી શકાય એવો કબીરદાસનો અભિપ્રાય છે.
નોંધ : માથું ઉતારી આપવું એટલે સર્વ સમર્પણ કરી દેવું. આ જગતની કોઈ પણ સમૃદ્ધિ પરમાત્માની આગળ તુચ્છ છે એટલું જ નહીં પણ સમૃદ્ધિ માટેની કામનાનો ત્યાગ પણ પરમાત્માની પ્રાપ્તિ માટે અનિવાર્ય છે. સર્વ સમર્પણ તે જ કરી શકે કે જેના મનમાં પરમાત્મા સિવાય બીજી કોઈ કામના જ ન હોય ! ‘ઉપર પગ દાબી દેવા’ એમ કહેવા પાછળનો આશય એ જ છે કે અહંભાવનું સંપૂર્ણ વિસર્જન કરી દેવું. જ્યાં સુધી અહંકાર હોય ત્યાં સુધી સાચો પ્રેમ જાગતો જ નથી. તેથી કબીર સાહેબ આપણને અગાઉ કહી જ ગયા છે કે “પ્રેમ ગલી અતિ સાંકરી તામેં દો ન સમાહિ.”