Kabir Vishesh
Articles on Kabir Saheb compiled by Govind Bhakta
Published by Shree Ramkabir Mandir Trust, Surat.
May 2007
શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (બાવાજી - પરમાર્થી)
કપુરા
સમસ્ત જગતના તમામ વિદ્વાનો સર્વ સમંત થઈને કહે છે કે સદ્ગુરુ કબીર સાહેબે કોઈ પણ પંથ કે સંપ્રદાય ભારતમાં કે ભારતની બહાર સ્થાપ્યો ન્હોતો. છતાં તેમના નામે અનેક પંથ અને અનેક સંપ્રદાયો આજે અસ્તિત્વમાં છે તે એક હકીકત છે. ડૉ. કી (F. E. Keay) "Kabir and His Followers" પુસ્તકમાં વિસ્તૃત વિશ્લેષણ કરતા જણાવે છે કે ભારતભરમાં કબીરવાણીનો પ્રભાવ સારા પ્રમાણમાં પથરાયો હતો. શીખ પંથ, દાદુ પંથ, લાલ્દાસી પંથ, બાબાલાલી પંથ, સાધ પંથ, ધરણીદાસ પંથ, ચરણીદાસ પંથ, શિવનારાયણી પંથ, ગરીબદાસ પંથ, રામસાચી પંથ, પલ્ટુ પંથ, સતનામી સંપ્રદાય, સંતમત સત્સંગ મંડળ, પ્રાણનાકી પંથ અને રાધાસ્વામી સંપ્રદાય જેવા અનેક સમુદાયોએ કબીરવાણીનો સંદેશ ઝીલ્યો હતો અને કબીરવાણીનો પ્રાણ સમાન ગણીને તેઓએ માનવમાત્ર પ્રભુના બાળક છે એવી ભાવનાનો અમલ કરવા સમુચિત પ્રયાસ કર્યો હતો. આ રીતે કબીરવાણી તો મહાન સરોવર સમાન રહી છે. તેમાંથી અનેક પંથ અને સંપ્રદાયોએ પ્રેરણાના પીયૂષ પીધાં છે.
કબીર પંથના પ્રકાંડ પંડિત બ્રહ્મલીન મુનિશ્રી સ્પષ્ટ કહે છે કે કબીર પંથ અને તેના અનેક ફાંટોઓ સદ્ગુરુ કબીરસાહેબની હયાતી બાદ અસ્તિત્વમાં આવ્યા છે. સૌ પ્રથમ એક સદી પછી સંત ધર્મદાસે બાંધવગઢના સ્થળે સં. ૧૬૭૬ની આસપાસ કબીર પંથની સ્થાપના કરેલી એવું વિદ્વાનો માને છે. ત્યારે પછી જેમ જેમ મતભેદ વધતા ગયા તેમ તેમ અનેક ફાંટોઓ અસ્તિત્વમાં આવતાં ગયા. હંસકબીર નામની નવી શાખા તો છેક સં. ૧૮૫૬માં જંબુસરમાં નિહાલ દાજી નામના સંત દ્વારા અસ્તિત્વમાં આવી હતી. આ રીતે કબીર પંથ પણ અનેક રીતે વિભાજિત થતો ગયો હતો.
એક રામકબીર સંપ્રદાયનો ઇતિહાસ અનોખો છે. એના સ્થાપક જ્ઞાનીજી મહારાજ હતા. આ સંપ્રદાય કબીરસાહેબની હયાતીમાં જ ચાલુ થઈ ગયો હતો. કબીરવડની અલૌકિક ઘટના આ સંપ્રદાયના જન્મ પાછળ કામ કરી ગઈ હતી. જ્ઞાનીજી મહારાજ કબીરવડની ઘટનાના સાક્ષી હતા. કબીરસાહેબના વ્યક્તિત્વથી પ્રભાવિત થઈને તેમણે શિષ્યપદ સં. ૧૪૬૬માં ગ્રહણ કર્યું હતું. ત્યાર પછી એમણે મધ્ય પ્રદેશના જંગલમાં બાર વર્ષ સુધી આકરી તપસ્યા કરી હતી. તેમના ગુરુબંધું પદ્મનાભજી ગણાતા હતા. તેઓ પાટણના કુંભાર જ્ઞાતિમાં જન્મેલા. તેમના સહકારથી રામકબીર સંપ્રદાયનો ઉદ્ભવ થયો હતો. ઉદ્ભવ કાળ સં. ૧૪૬૭નો હોય શકે. કારણ કે બોમ્બે ગેઝેટમાં ઉલ્લેખ છે તે હિસાબે કબીર સાહેબનો સીધો પ્રભાવ ગુજરાતમાં ઈ.સ્. ૧૩૮૦ અને ઈ.સ. ૧૪૨૦ની વચમાં થયો હોવો જોઇએ. સં. ૧૪૬૭ એટલે ઈ.સ. ૧૪૧૧ તવારીખ બોમ્બે ગેઝેટિયર સાથે મળતી આવે છે.
હા, બોમ્બે ગેઝેટિયરની નોંધમાં એક ભૂલ રહી ગયેલી. તેમાં જ્ઞાનીજી તે જ કબીર એવું માની લેવામાં આવેલું. કબીર સાહેબનું ઉપનામ જ્ઞાનીજી હોવું જોઈએ એવો ખ્યાલ કરવામાં આવેલો. પરંતુ તે તવારીખ જ્ઞાનીજીના જીવન સાથે મળતી હોવાથી સંશોધકોએ એ ભૂલ સુધારી લેવાનો પ્રયત્ન કર્યો છે. જ્ઞાનીજી તો એક અલગ ગુજરાતી સંત જ હતા. તેઓ કબીર સાહેબના શિષ્ય બન્યા હતા. તે પહેલા પદ્મનાભજી શિષ્ય થયેલા તેથી પદ્મનાભજી કબીર સાહેબના ગુરુબંધુ ગણાય. આ રીતે બંને સંતોના સહકારથી રામકબીર સંપ્રદાયનો પ્રારંભ સં.૧૪૬૭ એટલે કે ઈ.સ. ૧૪૧૧ની આસપાસ થયેલો ગણાય.
કબીર સાહેબ ગુજરાતમાં સં. ૧૪૬૫માં આવ્યા ત્યારે પાટણમાં પદ્મનાભજીનો સંપર્ક થયેલો. પદ્મનાભજી પ્રભાવિત થઇને કબીર સાહેબના શિષ્ય બની જાય છે. તે સમયે પદ્મનાભજીના ત્રણ પ્રધાન શિષ્યો : લોચનદાસ, નીલકંઠદાસ અને ધનરાજ પંડ્યા પણ હાજર હતા અને તેઓ સૌ પણ કબીર સાહેબના રંગે રંગાય ગયેલા. પદ્મનાભજી તો ઓછું ભણેલા હતા, છતાં તેઓ આધ્યાત્મિક રીતે ખૂબ આગળ વધેલા હતા. તેમના આ ત્રણ શિષ્યો ખૂબ વિદ્વાન હતા. જેમ રામકૃષ્ણ પરમહંસ માત્ર ચાર ચોપડી જ ભણેલા હતા છતાં તેઓ આધ્યાત્મિક રીતા ઘણા મહાન હતા. તેમના શિષ્યો વિવેકાનંદ આદિ સૌ કલકત્તા યુનિવર્સિટીના ગ્રેજ્યુએટસ હતા. સંત પદ્મનાભજીના એ ત્રણ શિષ્યોએ સમસ્ત ગુજરાત-સૌરાષ્ટ્રમાં કબીર સાહેબના વિચારનો સર્વોત્તમ પ્રચાર કર્યો હતો. લોચનદાસે દક્ષિણમાં આવીને સુરતમાં સ્થાન જમાવ્યું હતું. નીલકંઠદાસે સૌરાષ્ટ્રમાં જઈને દૂધરેજમાં આશ્રમ સ્થાપ્યો હતો. ધનરાજ પંડ્યાએ ઉત્તર ગુજરાતમાં રહી સારામાં સારો પ્રચાર કર્યો હતો. આ રીતે રામકબીર સંપ્રદાયની સ્થાપના દ્વારા કબીર સાહેબના ક્રાંતિકારી વિચારોનું પ્રવર્તન ગુજરાતમાં સં. ૧૪૬૭થી પ્રારંભ પામ્યું ગણાય.
દૂધરેજ આશ્રમની પરંપરામાં છઠ્ઠાબાવા થઈ ગયા. તેઓ સમર્થ સંત તરીકે પ્રસિદ્ધ હતા. તેમનું ખરેખરું નામ તો ષટપ્રજ્ઞદાસ હતું. તેઓ કબીરજીથી ખરેખર છઠ્ઠી પેઢીએ થયા ગણાય અને નીલકંઠદાસની પણ છઠ્ઠી જ પેઢી ગણાય, તેથી તેમનું નામ છઠ્ઠાબાવા પડ્યું હતું. તેઓ વિદ્વાન પણ એટલા જ હતા. તેમના શિષ્યએ ભાણસાહેબની હયાતી બાદ ભાણ સંપ્રદાય તરીકે અલગ સંપ્રદાય ચલાવ્યો હતો. એ જ રીતે ભાણ સંપ્રદાયમાં રવિસાહેબ સમર્થ સંત થઈ ગયા. તેમનું નામ પણ સાથે જોડી દેવામાં આવ્યું અને સૌરાષ્ટ્રમાં રવિ-ભાણ સંપ્રદાયની પરંપરા આજ દિન લાગી ચાલુ રહી. ખરેખર એ પરંપરા રામકબીર સંપ્રદાયની જ ગણાય.
એ જ રીતે મધ્ય ગુજરાતમાં જીવણજી મહારાજ થઈ ગયા. તેઓ વિદ્વાન અને સમર્થ સંત તરીકે પ્રખ્યાતિ પામ્યા હતા. તેમણે રામકબીર સંપ્રદાયને ઉદા નામ પ્રદાન કર્યું હતું. ઉદા એટલે શ્રેષ્ઠ તેથી બ્રાહ્મણોની વિધિની જરૂરિયાત રહી નહીં. ભજનને જ તેમણે મહત્ત્વ આપ્યું તેથી જન્મ, મરણ કે લગ્ન પ્રસંગોએ ભજનો જ આજે પણ ગાવામાં આવે છે. જીવણજી મહારાજ કહેવાય છે કે ૫૦૦ વિરક્ત સાધુઓની ફોજ લઈને ફર્યાં કરતા. એ રીતે તેમનો પ્રભાવ ઠેઠ સૌરાષ્ટ્ર સુધી પથરાયેલો હતો. તેમણે પુનિયાદમાં ગાદી સ્થાપી હતી. આજે તે ગાદી પાર જગદીશચંદ્ર નામે મહંત કાર્યરત છે.
પદ્મનાભજીના શિષ્ય લોચનદાસે આશ્રમ સ્થાપી જે પરંપરા ચાલુ કરી હતી તે આજે નામશેષ થઈ ગઈ છે. સં. ૧૭૪૫થી તે પરંપરામાં જોગહરિ નામે સંત થઈ ગયા. તેઓ વાલ્મીકિ જાતિના હતા. તેથી ગુરુ પ્યારેદસે સમાધિ લીધી પછી આશ્રમમાં ઉપદ્રવ શરૂ થઈ ગયો હતો. આસપાસના બ્રાહ્મણોએ હલ્લો કરીને જોગહરિને ખૂબ માર માર્યો હતો અને આશ્રમને લૂંટી લીધો હતો. તે આશ્રમમાં સંતવાણીના કિંમતી હસ્તલિખિત ગ્રંથો ઘણાબધા હતા તે સૌ લઈને જોગહરિ માંડવી ચાલ્યા ગયા હતા. તે વખતે માંડવીમાં રાજા હતા. તેમણે જોગહરિને આશ્રય આપ્યો હતો. સુરતથી ચાલ્યા ગયા પછી ત્રીજે જ દિવસે તાપી નદીમાં મોટી રેલ આવી હતી તેમાં આશ્રમ તણાઈ ગયો હતો. કંઈ જ બચ્યું ન હતું. પછી જોગહરિ ફરીથી સુરત આવ્યા હતા અને નિર્વાણ સાહેબના અખાડામાં આશ્રય લીધો હતો. ત્યાં તે વખતના મહંત જગન્નાથદાસને તમામ સંતવાણીના હસ્તલિખિત ગ્રંથો સોંપી દીધાં હતા. ત્યાર પછી તેમણે નર્મદાની પરિક્રમાનો નિર્ધાર કરી સુરત કાયમને માટે છોડી દીધું હતું.
આજે બેગમપુરા ખાંગડશેરીમાં જે મંદિર છે તેની કુલ ઓગણીસ પેઢી પૂરી થઈ એમ કહેવાય છે. જ્ઞાનીજીના પુત્ર જ્ઞાનદેવે તે મંદિર સ્થાપ્યું હતું. છેલ્લે દયારામદાસ ઓગણીસમી પેઢીએ થઈ ગયા. એ પરંપરા આ પ્રમાણે છે: જ્ઞાનદેવ, સામદેવ, રામદેવ, વાસુદેવ, દ્વારકાદાસ, હરિરામ, ભગતરામ, વીરદાસ, નાના બાવા, ગોકળદાસ, સામદાસ, ભગતરામજી, ગોપાલદાસજી, નારણદાસજી, માધવદાસજી, કરસનદાસજી, નરસિંહદાસજી, ગોર્ધનદાસજી અને દયારામદાસજી. હવે અદ્યતન સમયમાં કોઈ મહંત નથી.
ભારત દેશ સ્વતંત્ર થયા પછી રામકબીર સંપ્રદાયમાં ઘણો ફેરફાર થઈ ગયો છે. મહાત્મા ગાંધીજીની ચળવળની અસર, અંગ્રેજી ભણતર વધવાથી આવેલું પરિવર્તન અને પરદેશની અવરજવર વધવાથી થયેલા ફેરફારો આખા સંપ્રદાયને નવા જ સ્વરૂપમાં મૂકી દે છે. તિલક, કંઠી ને માળાનું મહત્ત્વ લગભગ નામશેષ થઈ ગયું છે. વ્યવહારમાં જાતીય શુદ્ધતાનું પ્રમાણ નહીંવત રહ્યું છે. મોજશોખનું પ્રમાણ સારા પ્રમાણમાં વધ્યું છે. ખાવા-પીવાની ટેવ સાવ બદલાઈ ગઈ છે. હવે તો આખી દુનિયામાં વધતાઓછા પ્રમાણમાં સંપ્રદાયનો ફેલાવો થયો છે. એટલે વાણી-વર્તનમાં પણ મહ્દઅંશે ફેરફારો થતાં જાય છે. છતાં 'રામકબીર' કહેવાનો વ્યવહાર ચાલુ રહ્યો છે તે એક સારી નિશાની છે. સંઘ ભાવના જાળવવા પ્રયત્નો ચાલે છે અને તેના માધ્યમ તરીકે ભજનની પ્રણાલિકાનો ઉપયોગ કરવામાં આવે છે તે એક આશાનું કિરણ જરૂર ગણાય. ગુજરાતી આપની માતૃભાષા ગણાય અને તે જ્યાં સુધી દેશમાં કે વિદેશમાં જળવાશે ત્યાં સુધી રામકબીર સંપ્રદાય જીવંત રહેશે જ એમાં બે મત નથી. આવો છે શ્રી રામકબીર સંપ્રદાયનો જળવાયેલો ટૂંકો ઇતિહાસ !
Add comment