Kabir Vishesh
Articles on Kabir Saheb compiled by Govind Bhakta
Published by Shree Ramkabir Mandir Trust, Surat.
May 2007
શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (બાવાજી - પરમાર્થી)
કપુરા
૧. કબીર પંથના સ્થાપક સંત ધર્મદાસ હતા જ્યારે રામકબીર સંપ્રદાયના સ્થાપક જ્ઞાનીજી હતા.
૨. કબીર પંથ બાંધવગઢ ઉત્તરભારતમાં સ્થપાયો હતો, જ્યારે રામકબીર સંપ્રદાય કબીરવડમાં સ્થપાયો હતો.
૩. કબીર પંથની સ્થાપના સં. ૧૬૭૬માં થઈ હતી જ્યારે રામકબીર સંપ્રદાયની સ્થાપના સં. ૧૪૬૭માં થઈ હતી.
૪. કબીર પંથમાં માત્ર નિર્ગુણની જ ભક્તિ થાય છે, સગુણની ભક્તિ થતી જ નથી. જ્યારે રામકબીર સંપ્રદાયમાં બંનેનો સમન્વય થયો છે. નિર્ગુણ પોતે સગુણ સ્વરૂપે વ્યક્ત બને જ છે તો પછી બંનેની ભક્તિ કલ્યાણકારી નીવડે છે એમ શા માટે ન માનવું ? તેથી સંપૂર્ણ સમજદારીથી સમન્વય થયો હોવાથી આજે પણ તે વલણ ચાલુ જ છે.
૫. કબીર પંથમાં માત્ર રામને જ મહત્વ આપવામાં આવે છે, જ્યારે રામકબીર સંપ્રદાયમાં રામ તેજ કૃષ્ણ અને કૃષ્ણ તેજ રામ માનવામાં આવે છે. કબીર પંથમાં કૃષ્ણની ભક્તિ થતી જ નથી. જો કૃષ્ણની ભક્તિ કોઈ કરે તો તેની નિંદા કરવામાં આવે છે. આવા પ્રકારની રૂઢી રામકબીર સંપ્રદાયમાં નથી.
૬. કબીર પંથમાં સતનામનો જપ કરવામાં આવે છે જ્યારે રામકબીર સંપ્રદાયમાં રામકબીરનો જપ થાય છે.
૭. કબીર પંથમાં કબીર સાહેબને જ સત્યપુરુષ-ઈશ્વર અથવા બ્રહ્મ માનવામાં આવે છે જ્યારે રામકબીર સંપ્રદાયમાં કબીર સાહેબને સદ્ગુરુ તરીકે પૂજવામાં આવે છે અને તે સદ્ગુરુએ રામ તથા કૃષ્ણનાં દર્શન કરાવ્યાં હતા તેથી તે રામ તથા કૃષ્ણને ઈશ્વર કે બ્રહ્મ માની તેની પૂજા કરવામાં આવે છે.
૮. કબીર પંથમાં નમસ્કારની રીત જુદી છે. બંને હાથનો ખોબો કરી 'બંદગી સાહેબ' કે 'સત સાહેબ' બોલવાની પ્રથા છે. જ્યારે રામકબીર સંપ્રદાયમાં બંને હાથ જોડીને નમસ્કાર કરવામાં આવે છે અને 'રામકબીર' બોલવાની પ્રથા છે.
૯. કબીર પંથમાં અવતારનો વિરોધ કરવામાં આવે છે. જ્યારે રામકબીર સંપ્રદાયમાં સમન્વયવાદી વલણ હોવાથી રામ તથા કૃષ્ણને અવતાર માની તેઓની લીલાના ગુણકીર્તન ખૂબ પ્રેમપૂર્વક ગાવામાં આવે છે.
૧૦. કબીર પંથમાં વૈષ્ણવી સંસ્કારોનો અભાવ છે જ્યારે રામકબીર સંપ્રદાયમાં વૈષ્ણવી સંસ્કારો ખાસ નજરે પડે છે. કારણ કે રામકબીર સંપ્રદાયના સ્થાપક જ્ઞાનીજી મહારાજ પોતે વૈષ્ણવ હતા એટલું જ નહીં પણ એ જ પરંપરામાં થયેલા જીવણજી મહારાજ પણ ચુસ્ત વૈષ્ણવ હતા તેથી તે સંસ્કારો આજદિન પર્યંત સચવાય છે.
૧૧. કબીર પંથમાં સ્નાન, ચૌકા, આરતી જેવી વિધિઓનો કર્મકાંડ કરવામાં આવે છે જ્યારે રામકબીર સંપ્રદાયમાં એવો કોઈ પણ કર્મકાંડ સ્વીકારવામાં આવ્યો નથી. માત્ર ભજનને જ માધ્યમ તરીકે સ્વીકારીને વિધિઓ થાય છે.
૧૨. કબીર પંથમાં સંત કે મહંતનું મૃત્યુ થાય તો મંદિર પાસે તેને જમીનમાં દાટી તેના પર સમાધિ ચણવામાં આવે છે જ્યારે રામકબીર સંપ્રદાયમાં અગ્નિદાહ કરાય છે. કોઈ મહાન સંત હોય તો તેની સ્મૃતિ સાચવવા અસ્થિને કુંભમાં મૂકી તેના પર તુલસીક્યારાની રચના કરવામાં આવે છે.
૧૩. કબીર પંથીઓ વૈદિક વિધિથી બ્રાહ્મણ પાસે લગ્ન, ગ્રહશાંતિ વેગેરે કરાવે છે તથા બેન્ડવાજા વગડાવે છે. જ્યારે રામકબીર સંપ્રદાયમાં બ્રાહ્મણને બોલાવવામાં આવતા જ નથી. બલ્કે ત્યારે જો સંપ્રદાયના કોઈ આચાર્ય હોય તો તેને જ હાજર રહેવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. અને તેની હાજરીમાં ભજનો કરીને લગ્નની વિધિ કરવામાં આવે છે. આચાર્ય હાજર ન હોય તો તે માટે ચોક્કસ જગ્યાએ ગાદી બનાવી, તેના પાર બીજકગ્રંથ મૂકી, તેના પર ફળફૂલથી પૂજા કરવામાં આવે છે.
૧૪. કબીર પંથમાં જુદી જુદી જ્ઞાતિના સભ્યો જોડાયેલા હોય છે. પાટીદાર, ક્ષત્રિય, કારીગરવર્ગના લોકો, ભીલ, કોળી, આદિવાસીઓ વગેરે જ્ઞાતિના લોકો હોય છે. તેઓ વચ્ચે રોટી બેટીનો કદી વ્યવહાર જણાતો નથી. જ્યારે રામકબીર સંપ્રદાયમાં ખાસ કરીને પાટીદારો જોડાયેલા હોવાથી તેઓ વચ્ચે રોટી બેટી વ્યવહાર ચાલુ રહ્યો છે.
૧૫. કબીર પંથમાં માત્ર સંતો કે મહંતો જ આચારશુદ્ધિના નિયમો પાળે જ્યારે રામકબીર સંપ્રદાયમાં આચારશુદ્ધિ સર્વ માટે છે. એવું માનવામાં આવે છે તેથી લોકો પણ તેનું પાલન કરવા પ્રયત્નશીલ રહે છે. જો કે હાલમાં તે વિશે થોડી મંદતા પણ પ્રવર્તે છે તે એક હકીકત છે.
૧૬. કબીર પંથમાં પોતાનો નાકના ટેરવાથી કપાળમાં ઊર્ધ્વ તિલકની એક લીટી ચંદનથી કરે છે. ટૂંકમાં માત્ર એક જ લીટીનું તિલક કરવામાં આવે છે જ્યારે રામકબીર સંપ્રદાયમાં કપાળની વચમાં ભ્રમરની ઉપર બે સમાંતર લીટીનું ચંદનથી તિલક કરવાની પ્રથા છે. હાલમાં તેવું તિલક કોઈ કરતું નથી તે એક હકીકત છે. છેલ્લાં પચાસ વર્ષમાં જે પરિવર્તન આવ્યું છે તે પરિવર્તનનું એ પરિણામ છે. રામકબીર સંપ્રદાયમાં પહેલેથી સમન્વયવાદી વલણ હોવાથી પરિવર્તન ખૂબ ઝડપથી થઈ રહ્યું છે એવું લાગે.
૧૭. તત્વજ્ઞાન પરત્વે બંને શાખાઓ એક સરખું વલણ ધરાવતી નથી. કબીર પંથમાં કબીરસાહેબના જ તત્ત્વજ્ઞાનને મહત્ત્વ આપવામાં આવે છે. ત્યાં પ્રેમલક્ષણા ભક્તિ કે નામરૂપીની ભક્તિને મહત્વનું સ્થાન મળતું નથી. રામકબીર સંપ્રદાય કબીર સાહેબના તત્વજ્ઞાનને મહત્ત્વ આપે છે પણ સાથે પ્રેમલક્ષણા ભક્તિ કે નામરૂપની ભક્તિને પણ એટલું જ મહત્વ આપે છે. તેથી કબીરપંથમાં માત્ર કબીર બીજકનું સ્તવન કે દરરોજ મુખપાઠ કરવામાં આવે છે જ્યારે રામકબીર સંપ્રદાયમાં ભજન કે ભગવાનનું સ્તવન ગાવામાં આવે છે. બંને શાખાઓની સરખામણી આ રીતે કરી શકાય પણ એટલું ચોક્કસ છે કે કબીર પંથનો સમસ્ત ભારતમાં જેટલો પ્રચાર ને વિસ્તાર છે તેટલો રામકબીર સંપ્રદાયનો નથી. બલકે તેના આઠમાં ભાગનો પણ નથી. રામકબીર સંપ્રદાય તો માત્ર ગુજરાતમાં ફેલાયેલો છે. સંખ્યાની દષ્ટિએ તે બહુ નાનો છે. કબીર પંથ સંખ્યાની દષ્ટિએ બહુ મોટો છે. છતાં રામકબીર સંપ્રદાય એક આગવો સંપ્રદાય છે કે જે ભારતની તમામ પ્રજાનું ધ્યાન ખેંચે છે. વિધિમાં બ્રાહ્મણોની બાદબાકી થઈ હોવાથી રૂઢીચુસ્તતા પણ ઓછી. લગ્ન કે મરણ વિધિઓ પણ સાદી ને સરળ. ગમે તેવી તકરાર થઈ હોય પણ જો બંને જણા એકમેકને રામકબીર કહે તો ઝઘડાનો અંત આવી જાય. કોર્ટકચેરીનાં પગથિયાં ચડવા નહીં પડે. સાદાઈ ને સાદગી આ સંપ્રદાયની ખાસિયત ગણાય છે. તેને કારણે જે સરળતા જીવનમાં જણાય છે તે બીજા સમાજને ભૂષણરૂપ લાગે છે.
Comments