Kabir Vishesh

Kabir Vishesh
Articles on Kabir Saheb compiled by Govind Bhakta
Published by Shree Ramkabir Mandir Trust, Surat.
May 2007

શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (બાવાજી - પરમાર્થી)
કપુરા

સદગુરુ કબીર સાહેબના વ્યક્તિગત જીવન વિષે ખાસ કંઈ જાણવા મળતું નથી.  આપણા ઘણા સંતોએ પોતાના વયક્તિગત જીવનનો ઇતિહાસ ક્યાંય લખ્યો નથી અને બીજાને કહ્યો પણ નથી. એનું એક જ કારણ જણાય છે કે તેઓ વ્યક્તિ મટીને સમષ્ટિના બની ગયા હતા. તો ખરેખર પરમાત્મામય થઈ ગયા હતા. તો વિષે બીજાએ લખેલું લખાણ પણ મહામહેનતે શોધવું પડે છે. તે રીતે બહુ ઓછું જાણવા મળે છે. વળી તેમના શિષ્યો કે અનુયાયી દ્વારા જે લખાણ લખાયું હોય તે એક તરફી હોવાને કારણે સંશોધનકારોનો સંતોષ થતો નથી. આવા કારણે કબીર સાહેબના જીવન વિષે ઘણું અંધારું જ પ્રવર્તે છે.

શિરડીના સાંઈબાબા વીસમી સદીમાં થઈ ગયા છતાં તેમના વયક્તિગત જીવન વિશે કોણ જાણે છે ?  તેઓ ક્યાં જન્મેલા અને તેમનાં માત-પિતા કોણ હતાં તે વિષે કોઈને જ ખબર નથી.

સં. ૧૯૧૬માં તેમણે દેહ છોડેલો એટલી જ જન સૌને છે, પણ શિરડી ક્યાંથી આવેલા ને ક્યારે આવેલા તે વિષે કાશી આધારભૂત માહિતી મળતી નથી. માત્ર ગવર્નમેન્ટ રેકોર્ડ એક જ પ્રાપ્ત થયો છે. જલગાંવ કોર્ટમાં તેમને સાક્ષી તરીકે હાજર રહેવું પડેલું તે પ્રસંગ. વકીલે તપાસ કરવા ઘણાં પ્રશ્નો પૂછેલા પણ તેમણે એક જવાબ આપ્યા કરેલો. તમારું નામ શું ?  તો કબીર. તમારા પિતાનું નામ શું ?  તો કબીર. તમારી જાત શું ?  તો કબીર. આ રીતે વકીલ થાકી ગયેલા અને તપાસ પડતી મૂકેલી. આ રીતે આપણા જમાનામાં થઈ ગયેલ વ્યક્તિ વિશે આપણે કશું જાણી શક્ય નથી તો કબીર સાહેબ તો છસો વર્ષ પહેલાં થઈ ગયા હતા. તેમણે વિષે માહિતી ભેગી કરવી હોય તો ઘણી મુશ્કેલી અનુભવવી પડે તે સમજી શકાય એવી હકીકત છે.

આ દષ્ટિએ વિચાર કરીએ તો પશ્ચિમના લોકો ઇતિહાસ ન જાળવવા બદલ આપણને ઠપકો આપે છે. તેમાં ઘણું તથ્ય છે એમ જોવા જઈએ તો ઓગણીસમી સદીમાં કબીર સાહેબ તરફ કોનું ધ્યાન હતું ?  પંથ વિદ્વાનો સિવાય બીજા વિદ્વાનો કબીર સાહેબ વિશે કશું જાણતા જ નહોતા. વિસમી સદીના પ્રારંભમાં જ ખ્રિસ્તી પાદરીઓએ કબીર સાહેબની અસમાનતા તરફ સૌનું ધ્યાન દોર્યું. ડૉ. વેસ્ટકોટ તથા ડૉ. કી જેવા વિદ્વાનોએ સંશોધનાત્માક અભ્યાસ કરીને જે  સાહિત્ય પ્રગટ કર્યું હતું તે સૌનો આધાર બન્યું. ઈ.સ. ૧૯૧૪માં કવિવર રવીન્દ્રનાથ ટાગોરે Hundred Poems of Kabir નામે પુસ્તક પ્રગટ કર્યું ત્યારે સમસ્ત દુનિયાનું ધ્યાન ખેંચાયું અને ભારતના વિદ્વાનો કબીર સાહેબ તરફ વળ્યા.

કબીર સાહેબનો પ્રાગટ્ય દિન સાલ ઉજવે છે :  સં. ૧૪૫૫ જેઠ સુદ પૂનમને ધ્યાનમાં રાખીને. પરંતુ સંશોધકોને આ તવારીખ માન્ય નથી. એ અંગે ઘણો વિવાદ હોવાનું જણાય છે.

૧. કલકત્તાના ગવર્નમેન્ટ ગઝેટમાં એવી ચોંકાવનાર નોંધ કરવામાં છે કે ઈ. સ. ૧૦૦૦થી ૧૪૦૦ સુધી કબીર સાહેબ વિશે જુદી જુદી રીતે માહિતી પ્રાપ્ત થાય છે.

૨. કબીરવડમાં શીખાલેખ પ્રાપ્ત થયો છે તેમાં સં. ૧૪૬૫માં કબીર સાહેબ કબીરવડ પધારેલા એવી નોંધ છે.

૩. દક્ષિણ ભારતમાં વિષ્ણુ કાંચીનું પ્રાચીન મંદિર છે. તે મંદિરમાં એક સો સ્તંભોનો એક સભામંડપ છે. આ સભામંડપ તેરમી સદીમાં ચૌલ રાજાએ બંધાવેલો. આ સભા મંડપમાં ત્રીજી લાઈનમાં જમણા હાથે થાંભલા પર બે પ્રતિમાઓ કોતરેલી છે તે બંને કબીરસાહેબની છે. એક બેઠેલી છે તો એક ઊભેલી છે.

૪. ગુરુ રામાનંદ સાથે રૈદાસ ને કબીર સાહેબે સં. ૧૪૬૦માં દ્વારકાની યાત્રા કરેલી તે સિદ્ધ હકીકત ગણાય છે.

૫. સંતશ્રી મહીપતિએ ચારસો વર્ષ પહેલાં જ્ઞાનેશ્વરી ગીતની ભૂમિકા લખેલી. તેમાં જે ઉલ્લેખ છે તે સૌનું ધ્યાન ખેંચે છે. તેઓ હકીકત જણાવતા લખે છે કે જ્ઞાનેશ્વરીના પિતા વિઠ્ઠલપંત ગુરુ રામાનંદના શિષ્ય બન્યા હતા ઈ.સ. ૧૨૭૦માં ત્યારે કબીર સાહેબ ગુરુ રામાનંદના શિષ્ય સમુદાયમાં અગ્રસ્થાને હતા અને તેઓ પ્રત્યક્ષ હાજર પણ હતા.

૬. ડૉ. ઘોડબોલેએ નામદેવ અને જ્ઞાનેશ્વરની તીર્થયાત્રાનું વિગતે વર્ણન કર્યું છે. નામદેવ અને જ્ઞાનેશ્વર બંને સમકાલીન ગણાય છે. તેઓ બંને બનારસમાં સદગુરુ કબીર સાહેબને મળે છે એવો ઉલ્લેખ ડૉ. ઘોડબોલે કરે છે. જ્ઞાનેશ્વરનો જન્મ ઈ. સ. ૧૨૭૫માં થયેલો. જો  તેમને ૨૧ વર્ષની ઉંમરે જીવતી સમાધિ લીધેલી હોય તો આ યાત્રા પંદર-સોળ વર્ષની ઉંમરે જ કરી હોવી જોઈએ. એટલે ઈ. સ. ૧૨૯૦માં આસપાસ તેમણે કબીર સાહેબનાં દર્શન કર્યા હોવા જોઈએ.

૭.  મહિલા સંત જનાબાઈ મહારાષ્ટ્રમાં થઈ ગયાં. નામદેવના સમવયસ્ક હતાં. તેમણે મરાઠી ભાષામાં અભંગો લખ્યા છે. પંઢરપુરની વિઠોબાની યાત્રાનું વર્ણન અભંગોમાં જણાય છે. એક અભંગમાં તેમણે કબીર સાહેબનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે.

નાચતા નાચતા ગળલા પિતાંબર
સાવધ હોઈ દેવા, અસા બોલે કબીર

અથાર્ત હેં દેવ, નાચ કરતા કરતા તમારું પહેરેલું પિતાંબર સરકી ને નીચે પડી ગયું છે, જરા સાવધ થઈને જુઓ તો ખરા !  એવું કબીરે ભગવાનનું ધ્યાન દોર્યું !

આ સાતે મુદ્દાઓ પર બરાબર વિચાર કરવામાં આવે તો સં. ૧૪૫૫ની તવારીખ આપણને ખોટી જ લાગે છે. જો પંથી વિદ્વાનોની તવારીખ સાચી માનીએ કબીર સાહેબ માત્ર પંચ વર્ષની ઉંમરે ગુરુ રામાનંદ ને રૈદાસ સાથે દ્વારકાની યાત્રા કરવા આવેલા એવું માનવું પડે. માત્ર દસ વર્ષની ઉંમરે કબીરવડ પધારેલા એમ સાચું માનવું પડે. ગુરુ રામાનંદના વિઠ્ઠલપંત શિષ્ય બનાવ્યા ત્યારે કબીર સાહેબ હાજર હતા એમ જણાવ્યું છે તે હિસાબે ઈ. સ. ૧૨૯૦માં કબીર સાહેબ ત્રીસ-પાંત્રીસ વર્ષના તો હશે જ ને ?  તેથી સં. ૧૪૫૫ (ઈ. સ. ૧૩૯૯) તવારીખ સાવ ખોટી ઠરે. જ્ઞાનેશ્વરની ભૂમિકાનું લખાણ આજનું હોત તો આપણે ખોટું માનત - પરંતુ આ તો ચાર સાડી પહેલા લખાયેલું લખાણ છે તે ખોટું કેવી રીતે ઠેરવી શકાય ?  આ બધાં કારણોસર કબીર સાહેબના પ્રાગટ્ય દિનનો નર્ણય ચોક્કસપણે થઈ શકતો નથી.

છતાં તેમની મહાનતા વિશે કોઈ વિદ્વાન શંકા કરતો નથી. કબીર સાહેબ હિન્દુઓની દષ્ટિએ શ્રેષ્ઠ વૈષ્ણવ, મુસલમાનોની દષ્ટિએ પીર, શીખોની દષ્ટિએ ભગત, કબીરપંથીઓની દષ્ટિએ અવતાર, રાષ્ટ્રવાદીઓની દષ્ટિએ હિન્દુ-મુસ્લિમના વિધાયક, મહાન ક્રાંતિકારી અને માનવધર્મના સ્થાપક કહેવાય. દીનહીન લોકોના પક્ષકાર, પ્રગતિશીલ લોકોની દષ્ટિએ સમાજ સુધારક અને યુનિવર્સિટીના પદવીધરીઓની દષ્ટિએ વાણીના ડિરેક્ટર ગણાય. જો કે  વિદ્વાનો તો કબીરસાહેબને અભણ ને નિરક્ષર જ ઠેરવે છે :

માસિ કાગદ છૂયો નહીં, કલમ ગહી નહિ હાત
ચારેઉ યુગકો મહાતમ, મુખહિં જનાઈ બાત.

આ કબીર સાહેબની સાખીને આધારે વિદ્વાનો કબીર સાહેબ સાવ નિરક્ષર હતા, તેમણે લખતાં-વાંચતાં આવડતું ન હતું. તેઓ કોઈ સ્કૂલમાં ભણ્યા નહોતા એવું સિદ્ધ કરે છે. ડૉ. માતાપ્રસાદ ગુપ્ત જેવા મૂર્ધન્ય વિદ્વાન તેવા વેધાનને નિરાધાર ઠેરવી કબીરસાહેબને સ્વયંસિદ્ધ વિદ્વાન તરીકે વર્ણવે છે. કબીરવાણીમાં ઊંડી ડૂબકી લગાવનારને તે હકીકત સાછી પણ લાગે. કબીર સાહેબનિ વાણીમાં જે તાર્કિકતા છે, જે નિર્ભિકતા છે, જે સચોટતા છે, જે સરસતા છે તે એવું મનવા આપણને પ્રેરે છે. તેઓ બહુશ્રુત વિદ્વાન તો હતા જ એમ કબીરવાણીન અભ્યાસીને જરૂર લાગે. તેઓ ભ્રમણાશીલ હતા એટલે તેમની વાણીમાં અનેક પ્રાંતોન દેશી શબ્દો સહજ રીતે ચલણી બની ગયા હતા.

વળી કબીરવાણીના અભ્યાસીને કબીર સાહેબે કયો ધંધો કર્યો હતો તેનો પણ ખ્યાલ આવે છે. શબ્દ પ્રકરણના પદોમાં આવતી વણકરના ધંધાની પરિભાષા આપણું ધ્યાન ખેંચે છે.

ચારી વેદ કૈંડા કિયો, નિરંકાર કિયો રાછ
બિનૈ કબીર ચૂનર્ર, નન્હી બાંધલ બાછ.

કૈંડા એટલે કપડું તંગ રહે તે માટે બંને તરફ બાંધવામાં આવતી દાંડી. રાછ એટલે દોરી-રસ્સી-બંધ. બાછ એટલે વાંસનો કટડો-ટુકડો. નિર્ગુણ-નિરાકારીની ભક્તિરૂપી ચૂંદડી તૈયાર કરવા માટે ચાર વેદોરૂપી દાંડાનો આધાર લીધો છે. તે ચૂંદડી ઘટ્ટ રીતે વણી શકાય એવા હેતુથી બંને તરફ દાંડીથી તેને વળગાડવામાં આવે છે. નિરાકારની રસ્સીથી તેને બાંધેલ હોવાથી જેમ જેમ જરૂર જણાય તેમ તેમ તેને ખેંચવામાં આવે જેથી વણાટ ઘટ્ટ થઈ શકે. વણાટકામમાં કબીર સાહેબ પાવરધા થઈ ગયા હોવા જોઈએ એવું અનુમાન થઈ શકે. તેમણે પાલક માતપિતાનો વણકરનો ધંધો ઘણી સારી રીતે કર્યો હતો એમ સિદ્ધ થઈ શકે.

તેઓ નીચ જાતિમાં ઊછર્યા હતાં એવું કબીરવાણી દ્વારા જાણી શકાય છે. જુલાહા શબ્દનો વારંવાર પ્રયોગ આપણું ધ્યાન ખેંચે છે. તે જમાનામાં જુલાહા જાતિ નીચી ગણાતી. ખાસ કરીને હિન્દુમાંથી વટલાયેલા મુસલમાનોની તે જાતિ હતી. તે જાતિ ઘણે ભાગે વણાટકામમાં રોકાયેલી રહેતી. લોકવાયકા અનુસાર નીરૂ ને નીમા તે જાતિના હતા એને સદગુરુ કબીર સાહેબનાં તે માતાપિતા પાલક માતાપિતા તરીકે પ્રસિદ્ધ બન્યાં હતાં.

કહેવાય છે કે ગુરુ રામાનંદના વ્યક્તિત્વમાં પણ સદગુરુ કબીર સાહેબને શિષ્ય બનાવ્યા પછી ફેરફાર થયો હતો. કંઈક અંશે વૈષ્ણવોની સંપ્રદાયિકતા ગુરુ રામાનંદમાં જણાતી હતી તે કબીર સાહેબના સંપર્કથી દૂર થઈ હતી. સાધારણ ગણાતી જનતામાં ભક્તિનો પ્રચાર કબીર સાહેબના પ્રવેશ પછી ખૂબ વેગવાન બન્યો હતો. સદગુરુ કબીર સાહેબના ક્રાંતિકારી વિચારો ગુરુ રામાનંદના સમુદાયમાં ખૂબ જ આકર્ષિત બન્યા હશે. જરૂર જણાય ત્યાં હિન્દુઓના આચારવિચારોનું અને જરૂર જણાય ત્યાં મુસલમાનોના આચાર- વિચારોનું ખંડન કરીને હિન્દુ-મુસલમાનની એકતાની ભૂમિકા પણ તૈયાર કરી હતી. ગુરુ રામાનંદનો યશ કબીરસાહેબને કારણે વિશેષ પ્રમાણમાં ચોગરદમ ફેલાયો હતો. એક ઉક્તિ ખૂબ જ પ્રચલિત બની હતી :

જાતિપાંતિ પૂછ નહીં કોઈ,
હરિકો ભજે સો હરિકા હોઈ.

આ રીતે કબીર સાહેબના વ્યક્તિગત જીવનની ઝાંખી કબીરવાણીના આધારે થઈ શકે છે.