Kabir Vishesh

Kabir Vishesh
Articles on Kabir Saheb compiled by Govind Bhakta
Published by Shree Ramkabir Mandir Trust, Surat.
May 2007

શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (બાવાજી - પરમાર્થી)
કપુરા

શ્રી રામકબીર સંપ્રદાયના આપણા વડવાઓ પાટીદાર કહેવાય. સમસ્ત પાટીદાર સમાજનું મૂળ પંજાબ પ્રાંત ગણાય.  પંજાબમાં સરહદી પ્રદેશમાં તેઓ રજપૂત કુળમાં જન્મેલા. રજપૂત ક્ષત્રીય કુળમાં જે જે જન્મ લેતું તેને તો સરહદ પર રક્ષણ કરવાની જ જવાબદારી ભાગે આવતી. તેથી આપણા વડવાઓ સરહદનાં ગામોમાં વસતા અને તે સરહદોનું કાયમ રક્ષણ કરતા.

તેઓ દૈવયોગે એક દિવસ સંતોના સમાગમમાં આવ્યા ને સત્સંગને રંગ ધીમે ધીમે તેઓને લાગ્યો. તેઓ વિચાર કરવા લાગ્યા કે આપણે શું કાયમ લડ્યા જ કરવાનું ?  શું નિરાંતે જીવવાનું ક્યારે પણ નહિ ?  આ વિચાર સંતો સમક્ષ રજૂ થયો ત્યારે સંતોએ યુદ્ધ છોડી દેવામાં આવે તો જ નિરાંતે જીવવાનો મોકો પ્રાપ્ત થાય એવું સૂચન કર્યું. જો યુદ્ધ છોડી દેવામાં આવે તો રાજ્ય તરફથી વેતન બંધ થાય તો જીવવું મુશ્કેલ થઈ પડે. માટે ખરેખર શું કરવું જોઈએ તે અંગે તેઓએ ગંભીરતાપૂર્વક સંતો પાસેથી માર્ગદર્શન મેળવ્યું. સંતોએ યુદ્ધ છોડી જમીન ભાડે મેળવવી અને ખેતી કરવી, કારણ કે ખેતી ખૂબ નિર્દોષ ગણાય. જે પાકે તે પર જીવનધોરણ નભાવવું. યુદ્ધના કાર્ય કરતા તો ખેતીનું કાર્ય વધારે પુણ્યશાળી ને ફળદાયી નીવડે. કારણ કે ખેતીનો પાક ઘરમાં આવે તે પહેલાં નાનાં નાનાં જીવજંતુઓ, પંખીઓ અને પશુઓના પેટમાં પણ અનાજના દાણા જાય. પછી જ મહેનત કરનારના ભાગે તે આવે. આ રીતે જાણેઅજાણે પુણ્યકર્મ થયા જ કરતું હોય તે શું ખોટું ?  માટે ખેતી કરવાનો સર્વ વડવાઓએ નિર્ણય કર્યો હતો. આ રીતે તેઓ સૌ રાજ્યના નોકર મટી કુદરતના નોકર બન્યા હતા.

સરહદનાં ગામોમાં વસનારા જાણે છે કે આક્રમણો અવારનવાર થયા જ કરતા હોય છે, તેથી તે વિભાગમાં ખેડૂતોને પણ સહન કરવું જ પડતું હોય છે. ઊભા પાકને બાળી મૂકવાના પ્રસંગો પણ બન્યા જ કરતા હોય છે. છેલ્લે રહેવાના ઘરોને પણ આક્રમણખોરો બાળી મૂકતા હોય છે. આક્રમણખોરોમાં દયા હોતી નથી. ગમે તે હિસાબે ખાનાખરાબી થાય તો જ લોકો પણ જલદી શરણગતિ સ્વીકારે એવો સિદ્ધાંત હોવાથી જેમ બને તેમ વધારે નુકસાન કરવામાં જ તેઓ રમમાણ રહેતા હોય છે. એટલે યુદ્ધ છોડી સુખચેનની ઇચ્છાથી ખેતી કરવા લાગેલા આપણા વડવાઓ તો જાણે ઊલમાંથી ચૂલામાં પડ્યા હોય તેવી લાગણી અનુભવવા લાગેલા. તેથી સંતોની સહાય ફરીથી તેમણે લીધી. સંતોએ સ્થળાંતર કરવાનું સૂચન કર્યું. જ્યાં આક્રમણ થતું જ નહિ હોય તેવા સ્થળે જઈ ખેતી કરવી ને વસવું એવો નિર્ધાર કર્યો.

પંજાબ પ્રાંતની પડોશમાં તો રાજસ્થાન આવેલું, એટલે સૌ પ્રથમ રજપૂત લોકોને સમૂહ રાજસ્થાનમાં ખસ્યો. રાજસ્થાનમાં રાજ્ય તરફથી ખેતી કરવા જમીન ભાડે મળે તો  વસવું એવો ઇરાદો હતો. પરંતુ ન તો કોઈ રાજ્ય તરફથી એવી સગવડ મળી કે ન તો કોઈ મોટા જમીનદારે જમીન આપવાની તૈયારી બતાવી. જો કે વરસાદ પણ ખૂબ અનિયમિત હોવાથી ખેતી માટે અનુકૂળતા રાજસ્થાનમાં લાગી નહિ, તેથી તેઓ ખસતા આખરે ગુજરાતમાં ચરોતરના પ્રદેશમાં જઈ પહોંચ્યા હતા. ચરોતરના આ પ્રદેશમાં વરસાદની નિયમિતતા ઠીક લાગી. વળી તે સમયે  આખું ગુજરાત મુસલમાનોના હાથોમાં આવી ગયું હતું. ચરોતરમાં ત્યારે તો મુસલમાન સૂબો વહીવટ કરતો હતો. તેણે જોયું કે આ લોકોનો સમૂહ ખૂબ મહેનતુ ને સાહસિક લાગે છે. ચરોતરની ખાલી પડેલી પડતર જમીન એ લોકોને આપવામાં આવે તો રાજ્યની આવકમાં સારો વધારો થઈ શકે, તેથી આ લોકોને સૂબાએ ભાડે જમીન આપવાની તૈયારી બતાવી. આ લોકો તો તૈયાર જ હતા. ભાડું નક્કી કરી અહીં જ વસવાટ કરવાનો આખરી નિર્ણય આપણા વડવાઓએ કરેલો.

ભાડું નક્કી કરવામાં આવ્યું અને જેને જેટલી જમીન જોઈએ તેટલી જમીન પણ ફાળવવામાં આવી. વરસ દિવસે આ ભાડું કોણ ઉઘરાવી આપે તે સમસ્યા ઊભી થઈ. આપણે ગુજરાતીમાં ભાડે જમીન રાખી એમ કહીએ ત્યારે મુસલમાનો પટે જમીન રાખી એવું કહે. ભાડે એટલે પટે. આ રીતે પટે જમીન જે જે ખેડવા લાગ્યા તે તે પાટીદાર કહેવાયા. અને જે પટ ઉઘરાવી આપી તે પટેલ કહેવાયા. તેને રાજ્ય તરફથી મફત જમીન ખેડવા માટે મળતી. આ રીતે ગુજરાતી ભાષામાં પાટીદાર અને પટેલ એ શબ્દો નવા ઉમેરાયા.

પંજાબ પ્રાંતના બે પ્રદેશોમાંથી રજપૂત લોકોનો આ સમૂહ ગુજરાતના ચરોતરના પ્રદેશમાં આવીને સ્થાયી થયો હતો. જે લોકો લવ પ્રદેશમાંથી આવ્યા હતા તે લેઉવા કહેવાયા ને જે લોકો કરવ પ્રદેશમાંથી આવ્યા હતા તે કડવા કહેવાયા. આ રીતે 'લેઉવા' ને 'કડવા' એ શબ્દો પણ ગુજરાતી ભાષાને મળ્યા કહેવાય. એમ જોવા જઈએ તો આ બે પ્રાદેશિક નામો હતાં. આજે આપણે જેમ અમદાવાદથી આવરનારને અમદાવાદી કહીને બોલાવીએ છીએ અને સુરતથી આવનારને સુરતિ કહીને સંબોધીએ તેમ એ બંને પ્રાદેશિક નામો જ ગણાય. પાછળથી ધીમે ધીમે જાતિવાચક બનતા ગયા. બંને જૂઠો અલગ જ રહ્યાં. એકતા થઈ હોત તો જુદું ચિત્ર હોત. પરંતુ બંને જૂથો અલગ અલગ પાટીદારોની જાતિ બની. બાકી ખરેખર તો બંને જૂથો રજપૂત ક્ષત્રિયો જ હતા. એક જ જાતિના હતાં. પંજાબના આ બંને પ્રદેશો આજે ભારતના તાબામાં નથી. તે પાકિસ્તાનના તાબામાં છે.  ઘણે ભાગે જેને ગુજરાનવાલા જિલ્લો કહેવામાં આવે છે તે વિભાગના આ બંને પ્રદેશો ગણાય. આ રીતે રાજસ્થાનથી અલગ પડેલું જૂથ આંજણા પટેલ કહેવાય છે તે પણ પ્રાદેશિક નામ જ ગણાય. આંજણા એ રાજસ્થાનનો વિભાગ છે. આ ત્રણે જૂથો એક જાતિમાંથી પાટીદાર બન્યા પછી અલગ અલગ છૂટા પડ્યા હતાં તે ઐતિહાસિક ઘટના આપણને આજે એકતા નિર્માણ કરવાની ફરજ પાડી રહી છે. આજે નહીં તો કાલે પણ પાટીદારોનાં જૂથો ફરીથી એક થશે જ એવી આશા જન્મે છે.

આપણા વડવાઓ એ રીતે રજપૂત ક્ષત્રિય કોમના ગણાય. સંતોને કારણે આહારવિહારમાં સમૂળગો ફેરફાર થઈ જવાથી વ્યવહારશુદ્ધિ આ પાટીદારોમાં ઊડીને આંખે વળગે એવી હતી. તેથી રજપૂતો કરતાં પાટીદારો સાવ નોખા પડી જતા હતા. ચરોતરમાં આવીને વસ્યા પછી થોડી નિરાંત પ્રાપ્ત થઈ અને થોડું સુખ પણ વધ્યું એટલે યાત્રા કરવાની ઇચ્છા થઈ. બળદગાડાં જોડી કેટલાંક કુટુંબો કાશી વિશ્વનાથની યાત્રાએ નીકળ્યા હતા. ખાસ કરીને લેઉઆ કુટુંબો પૈકીમાંથી જ આ લોકો હતા. તે સમયે મહેમબાદ થઈ એ રસ્તો જતો. રસ્તામાં રાતવાસો કરવો જ પડતો. મહેમદાબાદમાં ત્યારે મહમદશાહ નામે એક સિદ્ધ ફકીર રહેતા હતા. તો સાચા ખુદાના બંદા હતા. તેમની જગ્યામાં આ બધા ગાડાંવાળાઓએ મુકામ કરેલો. રાત્રે જમી કરીને આ ફકીરે સત્સંગ કરેલો. લોકોએ ગંગાસ્નાનની ઇચ્છા પ્રદર્શિત કરેલી એટલે ફકીર પોતાનો ચીપિયો જમીન પર ઠોકીને જમીનમાંથી ફુવારો ઉડાડેલો. ફકીરે કહેલું કે આ પણ ગંગાનદી જ છે. કરી લો સ્નાન અને ઘરે જઈ આરામ કરો. શા માટે કષ્ઠ વેઠીને કાશી જઈ રહ્યા છો ?'  જે કુટુંબો પ્રભાવિત થયેલાં તે કુટુંબોએ ખરેખર સ્નાન કરેલું અને કાશીની યાત્રા કરવાનું મોકુફ રાખેલું. પણ જેઓ પ્રભાવિત નહોતા થયા તેઓ યાત્રાએ ગયેલા.

જે કુટુંબો પ્રભાવિત થયેલા તે પાછા વળેલા ને તેમણે ફકીરની આજ્ઞા પ્રમાણે કેટલાક નિયમોનું પાલન કરવા માંડેલું, તેથી તે જૂથ અલગ પડી ગયેલું તેને મતિયા પાટીદાર તરીકે આજે આપણે ઓળખીએ છીએ. કેટલાક મુસલમાન સંસ્કારો તે લોકોમાં ભારત આઝાદ થયું ત્યાં સુધી જણાતા હતા. બીજા જુથોને આ સંસ્કાર પસંદ પડતા નહોતા. તેથી તે જમાનામાં તે સર્વે કુટુંબોને નાત બહાર મૂકવામાં આવેલા. આ રીતે તે જૂથને અલગ પડવાની પણ ફરજ પડેલી.

એ જ રીતે ભક્ત પાટીદારોનું એક જૂથ લેઉવામાંથી છૂટું પડેલું. સદગુરુ કબીર સાહેબ ગુજરાતમાં આવેલા ત્યારે ચરોતરમાં રહેનારા કેટલાક કુટુંબો પર કબીર સાહેબનો પ્રભાવ પડેલો. તે સમયે બ્રાહ્મણો વિધિઓ કરાવતા. તે બ્રાહ્મણોને લાગ્યું કે આ રીતે આ બધા મુસલમાન થઈ જશે તો આપણો ધંધો અટકી જશે તેથી તેઓએ વિરોધ કરાવડાવેલો. એટલે જે લોકો કબીર સાહેબથી પ્રભાવિત થયેલા તે લોકોને પણ નાતબહાર ને ગામબહાર મૂકેલા તેથી ભક્ત પાટીદારોનું જૂથ પણ અલગ પડેલું. આ જૂથ ચરોતરમાં ખૂબ જ નાનું હતું. તેથી તે લોકોએ વડોદરામાં ઉદભવેલા મોટા જૂથ સાથે ભળી જઈ સંતોષ અનુભવેલો.

ધીમે ધીમે ચરોતરની જગ્યા પણ નાની પડવા લાગી એટલે કેટલાંક જૂથો સૌરાષ્ટ્ર તરફ સ્થળાંતર કરી ગયેલા. કેટલાંક જૂથો દક્ષિણ તરફ ધીમે ધીમે ખસતા ખસતા પહોંચી ગયા હતા. પરંતુ એક જૂથ એવું રહ્યું કે તેણે સમયના પરિવર્તન સાથે સ્થળાંતર કદી કર્યું જ નહીં. ચરોતર છોડ્યું જ નહીં. તે જુઠ ચરોતરિયા પાટીદાર તરીકે ઓળખાયું. આ રીતે સમસ્ત પાટીદાર સમાજ રજપૂતમાંથી બનેલો છે અને રજપૂતનાં લોહીમાં બે મુખ્ય ગુણો છે તે આ પાટીદાર સમાજમાં જેવા ને તેવા સચવાઈ રહેલા છે તે હકીકત તરફ સંશોધકો આપણુ ધ્યાન દોરે છે. તે ગુણો છે સાહસિકતા ને જોમ જુસ્સાના. આ બે ગુણોને કારણે જ સમસ્ત પાટીદાર સમાજ આખી દુનિયામાં પ્રસરી જવા પામ્યો છે. પંજાબથી ચાલુ થયેલું સ્થળાંતર હજુ આજે પણ ચાલુ જ રહ્યું છે. તેનામાં રહેલો જોમ જુસ્સો તેના સંઘ બળમાં વધારો કરનારો છે અને દુનિયાના બજારમાં તેને અલાયદું સ્થાન અપાવનારો છે. તેની સાહસિકતા દુનિયામાં સર્વત્ર જોવા મળે છે, તેથી આર્થિક રીતે પણ તે સમાજ સદ્ધરતા ટકાવી રહ્યો છે.

પાટીદાર સમાજના આટલાં જૂથો આજે જુદાં જુદાં નામે ઓળખાય છે -

૧. ચરોતરીયા પાટીદાર
૨. લેઉવા પાટીદાર
૩. કડવા પાટીદાર
૪. ભક્ત પાટીદાર
૫. મતિયા પાટીદાર
૬. આંજણા પાટીદાર

આજે તો વિજ્ઞાનનો યુગ છે. આપણે સહુ પણ વિદેશમાં આવીને વસ્યા છીએ. આપણા સમજણમાં ભણતરનું પ્રમાણ પણ સારા પ્રમાણમાં વધ્યું છે. બાળકોને દુનિયાના વિશાળ મંચ પર પોતાનો દાવ રમવાનો મોકો મળશે ત્યારે આપણે પણ વિશાળ ને ઉદાર હૃદયના થવું પડશે. સાહસિકતા અને આપનામાં રહેલો જોમ જુસ્સો આપણી મર્યાદા ન બની જાય તેની તકેદારી પણ રાખવી પડશે. તે ગુણો આપણી શોભા વધારનારા થાય તેવું આપણે વિચારવું પડશે. આપણા ભણેલાંગણેલાં બાળકોને આપણું જૂથ નાનું ને સાંકડું લાગી રહ્યું છે. તેથી તેઓને લગ્નજીવનમાં પસંદગી કરવાનો મોટો અવકાશ મળે તે માટે સમસ્ત પાટીદાર સમાજે એક થવા પ્રયત્ન કરવા જોઈએ એવી આવશ્યકતા ઊભી થઈ છે. તેવું બનશે તો બાળકો પણ સુખી થશે. નહીં તો આપણને ન ગમે તેવા લોકો સાથે તેઓ ભાગી જઈ આપણી નિરાશામાં વધારો કરશે, જે આપણને શોભાસ્પદ લાગશે નહીં. ખરેખર આપણે એક હતા ને ફરી એક થવાનો શા માટે સંકોચ અનુભવીએ ?

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 11,454
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,304
pdf-2અનંત સૂર | Anant Soor 8,890
pdf-3Amar Varso | અમર વારસો 7,249
pdf-4A Handwritten Bhajan Book from 1937 5,493