Kabir Vishesh
Articles on Kabir Saheb compiled by Govind Bhakta
Published by Shree Ramkabir Mandir Trust, Surat.
May 2007
હસમુખભાઈ આર. ભક્ત
(માજી તંત્રી - કબીરવાણી)
ઓરણા
સદગુરુ કબીરસાહેબે અધ્યાત્મ જીવનની કેડી કંડારવા નામસ્મરણનો મહિમા વર્ણવ્યો છે. જગતના બાહ્ય આડંબર છોડી પ્રભુનું નામ લેનારનો બેડો પાર થાય છે. કેટલાયે સંતો થઈ ગયા જેમણે હરિનામ, હરિકીર્તન, હરિધ્યાન, હરિભજન દ્વારા પ્રભુ સાથે તાદાત્મ્ય સાધીને પોતાના સમગ્ર માનવજીવનને સમર્પિત કર્યું છે. મીરાં, તુલસીદાસ, તુકારામ, ગોરો કુંભાર, સંત કબીર, નાનક, ગુરુ ગોવિંદસિંહ તેમજ સંત જ્ઞાનેશ્વર, રામદાસ અને સત્ય અહિંસાના માર્ગે જીવ ઘડનારા ગાંધીજી વગેરે મહાન વ્યક્તિત્વોએ આપણાં માનવજીવન માટે ઘણું લખ્યું છે. ગામ છે અને વર્તન દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરીને મોક્ષ્ પ્રતિગમન આદર્યું છે.
મીરાનું ભજન -
કાનૂડો શું જાણે મારી પ્રીત ...
તુલસીદાસે શ્રીરામચંદ્ર કૃપાળુ ભજમન, તુકારામના મરાઠી પદો, ગોરા કુંભાર માટે 'માટીનું એ કામ જ કરતો ...' સંત કબીરસાહેબે 'તું તો રામ સુમિરન જગ લડવા દે...' ગુરુનાનકે સંત જ્ઞાનેશ્વરે અને ગાંધી દ્વારા તેમનું પ્રિય ભજન "વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે' ... વગેરે ભજન-કીર્તન દ્વારા નામસ્મરણ કરી પ્રભુપ્રાપ્તિની યશગાથા આલેખેલી જોવા મળે છે.
પ્રભુના નામસ્મરણ જેવો જ મહિમા છે નમસ્કારનો. નમસ્કાર દ્વારા જે તે વ્યક્તિની શ્રદ્ધા અને ભક્તિ પ્રભુ સમક્ષ પ્રગટ થતી હોય છે. મનની શુદ્ધતાથી વચન અને કાયાના શુભ આવિર્ભાવથી કરેલાં નમસ્કાર મનુષ્યને ભવસાગર તરવાનો લ્હાવો અર્પે છે. નમસ્કાર શાસ્ત્રોક્ત વિધાન પ્રમાણે બે પ્રકારના છે : (૧) દ્રવ્ય-નમસ્કાર (૨) ભાવ-નમસ્કાર.
દ્રવ્યનમસ્કારમાં મસ્તિક નમાવવું, હાથ જોડવા, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા અને નમસ્કારનું સૂચન જેમાં થતું હોય તેવી કાયાની કોઈ ક્રિયા કરવાની હોય છે. મોઢેથી નમસ્કાર બોલવું એ પણ દ્રવ્યનમસ્કારનો ભાગ છે.
જ્યારે ભાવનમસ્કારમાં ચિત્તની શુદ્ધિપૂર્વક ઉપાસના દેવ પ્રત્યે અનન્ય, શ્રદ્ધા, ભક્તિ, વિનય અને બહુમાનની લાગણી રાખી તેમના આદેશને શિરોમાન્ય રાખી, સેવકવૃત્તિ ધારણ કરવી એ ભાવનમસ્કાર છે.
દ્રવ્યનમસ્કાર અને ભાવનમસ્કાર એ બંને એકબીજાના પૂરક નમસ્કાર છે. બંને હાથ જોડીને, માથું નમાવીને અને ઘૂંટણે પડીને પાંચે અંગ ભેગાં કરીને મોઢેથી 'નમો નમામિ' એવું ઉચ્ચારણ કરવામાં આવે છે. આ રીતે આપણે જ્યારે નમસ્કાર કરતાં હોઈએ ત્યારે ચિત્તની શુદ્ધતા મનને વિષયવાસનાથી દૂર, પૂર્ણ શ્રદ્ધા, વિનય, આદર અને બહુમાન, આજ્ઞાપાલન ભાવ જેવો ઉય્ચ્તમ ભાવોથી નમસ્કાર કરાય તો શાસ્ત્રો દ્વારા સૂચવાયેલ ચિત્તશુદ્ધિ માટેનું પ્રથમ ચરણ આપણે સંપન્ન કરી શકીએ છીએ.
જુદા જુદા રાષ્ટ્રોમાં નમસ્કારની શિષ્ટાચાર દર્શાવતી પદ્ધતિ જુદી જુદી છે.
ભારતીય આર્ય પ્રણાલિ પ્રમાણે જૈન દર્શન મુજબ હાથની આંગળીના ટેરવાંઓ એકબીજાના આંતરે રાખીને બે હાથ જોડવા, મસ્તકને નમાવીને અને હજી વધુ શરીરને અર્ધું નમાવીને બે હાથ જોડી મસ્તક નમાવવું, એનાથી વધુ આગળ બે હાથ, બે ઘૂંટણ અને મસ્તક આ પાંચ અંગોનો જમીન પાર ધરતી પાર લગાડવા એ પૂર્ણ નમસ્કારની સ્થિતિ છે. બે હાથ જોડી અંજલિબદ્ધ, અર્ધું શરીર નમાવી અધોવનત અને પાંચે અંગોને ઉપયોગમાં લઈ કરાયેલ નમસ્કારને પંચાંગ પ્રણિપાત કહેવામાં આવે છે. દર્શન-પૂજા વગેરે વખતે આ ત્રણે પ્રકારના નમસ્કારનો ઉપયોગ થાય છે. જો હાથ બરાબર ન જોડાયેલા હોય અથવા તો માથું નમાવ્યું ન નમાવ્યું કરીએ તો કાયિક નમસ્કાર અશુદ્ધ રીતે થયેલાં ગણાય છે. નમસ્કારનું સૂચન કરતાં કેટલાંક પદ વાક્યો છે તેનો બરાબર ઉચ્ચાર ન કરીએ તેમાં આવતાં કાનો, માત્રા, અનુસ્વાર જો આઘાપાછા થઈ જાય તો વાચિક નમસ્કાર અશુદ્ધ થયા ગણાય અને મનમાં શ્રદ્ધાના ભાવો ન હોય, હૃદયમાં ઉલ્લાસ ન હોય, સંસારની તૃષ્ણાના તરંગો મનમાં ઊઠતા રહે, ધ્યાન બરાબર ન હોય તો માનસિક નમસ્કાર અશુદ્ધ થયા ગણાય. જો કે શરૂઆતની આધ્યાત્મિક પ્રવૃત્તિમાં અશુદ્ધ નમસ્કાર થાય પણ જેમ જેમ પ્રયત્ન વધતો જાય તેમ તેમ નમસ્કાર શુદ્ધ બને છે. (કાયિક એટલે કાયાથી, વાચિક એટલે વાચન દ્વારા થયેલા નમસ્કાર)
શુદ્ધ નમસ્કાર મસ્તિક નમાવી કરવા માટે 'નમો અરિહંતાણં' આ સાત શબ્દોનું સ્મરણ પ્રથમ જિનશાસ્ત્રમાં કરાય છે. નમો શબ્દ નમસ્કારનું સૂચન કરે છે. મસ્તક નમાવી બંને, હાથની આંગળીન ટેરવા એકબીજાના આંતરે રાખને કમળના ફૂલના ડોડાના આકારે જોડવાની ભક્ત સમાજની પરંપરા છે. જે લુપ્ત ન થાય ટે માટે આપણે સમાજના દરેક પ્રસંગોમાં વડીલોની મુલાકાત સમયે અને પરિચિતોને મળતી વખતે હાથ જોડી રામકબીર બોલીએ તો તેનો મહાવરો નાનાં બાળકોમાં વધશે. સદગુરુ કબીરનું સ્મરણ થશે અને કબીરસાહેબના રામ એ આત્મારામ છે તેનું જ્ઞાન થશે. આત્મીય દર્શન માટે માનસિક નમસ્કાર ભાવ તરફ આપણે જવું પડશે. આપણે મળીએ છીએ ત્યારે કાયિક નમસ્કારના ભાવથી રામકબીર કહીએ છીએ. પ્રસંગોપાત 'નાદબ્રહ્મ' પુસ્તકની ગુરુગાદીએ પગે લાગીએ નમસ્કાર કરીએ છીએ ત્યારે આવો ભાવ જો પ્રગટે તો વાચિક, કાયિક અને માનસિક આમ ત્રણે પ્રકારના શુદ્ધ નમસ્કારથી રામકબીર શબ્દ ઉચ્ચારણ સહિત આપણે ભક્ત પરંપરાને ખૂબીથી જાળવી શકીએ. અનેક ધાર્મિક પરંપરામાં બોલતા શબ્દો જેવાં કે હરિ ૐ, જય પ્રભુ, જય સ્વામિનારાયણ, રામકબીર, જય શિવ, રાધા સ્વામી, રાધેકૃષ્ણ જેવા અનેક આત્મીય શબ્દો આત્મિકદર્શન માટે દરવાજે મારેલાં ટકોરા જેવા સાબિત થાય છે. જે પ્રભુ સમીપ પહોંચવાનું નામસ્મરણનું નાનું પણ વિરાટ કદમ છે. આવા વિરાટ કદમની તાલીમનું સિંચન ભક્તોના બાળ પરિવારમાં થતું રહેશે ત્યાં સુધી નમસ્કારરૂપી પાવન નૌકાથી સંસાર સમુદ્ર તરી જવાશે.
સૂર્યોદય પહેલાં, સૂર્યોદય સમયે, સૂર્યાસ્ત સમયે, સાયંકાળે, સંધ્યાટાણે સદગુરુ કબીરસાહેબના નામવાળો 'રામકબીર' શબ્દ તેની ધારી અસર ઉપજાવે છે તેથી એ શબ્દોની દિનચર્ચા વખતે સતત રટણ, મનોમન સ્મરણ થતું રહે તે માટે મહાવરો બાળકોમાં વધે તે માટે આરતી સમયે સંધ્યા ટાંણે, સૂતા પહેલાં સૌને અર્ધખુલ્લી આંખે, શ્વાસોશ્વાસની પ્રક્રિયા પર સતત ધ્યાન રાખી એકધારું થોડી મિનિટો માટે રામકબીર-રામકબીર-રામકબીરના નામનું સ્મરણ કરવાનો પ્રયોગ ચિત્તશુદ્ધિ માટે, મનની એકાગ્રતા માટે અને નામસ્મરણની પ્રભુપ્રાપ્તિના પ્રથમ સોપાન માટે ખૂબ ઉપયોગી બની રહેશે.
આશા છે કે આપ સૌ ભક્ત પરિવારના સદ્સ્યો, વડીલો આપના પરિવારમાં નામસ્મરણ દ્વારા નમસ્કારનો આ નાનો પરંતુ સાફલ્ય બક્ષે તેવો ઉપાય અજમાવવા, બાળકોમાં સંસ્કાર સિંચનની દિશા ચાતરવા સૌ આ પ્રયોગનું પ્રથમ ચરણ પૂર્ણ કરશે તો એ ઘણું થયું ગણાશે.
સૌને ફરીથી કાયિક, વાચિક, માનસિક રીતના નમસ્કાર સહિત રામકબીર.
Add comment