Kabir Vishesh

Kabir Vishesh
Articles on Kabir Saheb compiled by Govind Bhakta
Published by Shree Ramkabir Mandir Trust, Surat.
May 2007

ગોવિંદ ભક્ત
'કબીર વિશેષ' નાં સંપાદક

સ્વ. ઈશ્વરભાઈ પ્રભુભાઈ ભક્તને શ્રી રામકબીર ભક્ત સમાજ તેમજ તેમની સાથે સંકળાયેલાં ભાઈ-બેહેનો એમને 'બાવાજી'ના હુલામણા નામથી ઓળખતા હતા. ૧૯૫૬માં મુંબઈ યુનિવર્સિટીમાંથી સંસ્કૃત વિષય સાથે બિ.એ.ની પદવી પ્રાપ્ત કરી અને એમ.એ.ના તમામ વર્ગો પૂર્ણ કરી પરીક્ષાની તૈયારી સમયે પિતાજીની અચાનક બીમારીને કારણે પરીક્ષા આપી ન શક્યા હતા. મુંબઈ છોડી ખેતીના વ્યવસાય સાથે જીવનને સ્વધ્યાયસ્ત બનાવ્યું હતું, સ્વાધ્યાય પ્રવૃત્તિમાં વાંચન અને લેખન પ્રવૃત્તિ અવિરતપણે જીવનના છેલ્લા શ્વાસ સુધી ચાલુ રાખી હતી.

ઈશ્વરભાઈ ૭૦ વર્ષનું સ્વચ્છ, નિર્મળ, નિર્લેપ અને કબીરસાહેબના મૂળ સિદ્ધાંત : દો બાતે સિખ લે (૧) કર સાહેબકી  બંદગી (૨) ભૂખે કે કુછ દેના સૂચિતાર્થને સ્પષ્ટ સમજી વ્યક્તિગત તથા સમષ્ટિગત સુખશાંતિ સમુન્નતિનો એક આત્મકલ્યાણનો સનાતન સંદેશ સરળ, સુબોધ સર્વોપયોગી ભાષામાં માનવ પોતાના અને અન્યના સમુત્કર્ષને માટે શું કરી શકે ?  તે સંદેશને વહેતો કર્યો છે. સાહેબની બંદગી એટલે જેનો કોઈ ઉપરી નથી જેને બ્રહ્મ, વિષ્ણુ અને શંકર સમજવાનો પ્રયત્ન કરે છે એવા સાહેબની બંદગી અને ભૂખેકો કુછ દે એટલે કે જગતમાં અનેક પ્રકારની પ્રાણીઓમાં ભૂખ હોય છે. ધન, દૌલત, વિદ્યા, માન, મહત્તા, અન્ન, તપ, મુક્તિ, મનની, તનની સાત્ત્વિક ભૂખ. ભૌતિક ભૂખને સંતોષવા વ્યક્તિ પોતાને જ માટે નહિ બીજાને માટે પણ મદદરૂપ થઈ જીવનને ઉત્તરોત્તર વિશુદ્ધ બનાવી આત્માનું સાધન સાધી કાંઇક કરી છૂટવાની  વાત છે. ઈશ્વરભાઈએ આ સિદ્ધાંતોને જીવનમાં ઉતારી, સાંપ્રત સમયમાં ભૌતિક સુખ-સગવડની ખોજમાં અટવાયેલા, ખોવાયેલા માનવ સમાજને કબીરસાહેબના સરળ સિદ્ધાંતોનો મહિમા સમજાવી જીવનભાથું બાંધી સહજ મુક્તિનો માર્ગ બતાવ્યો છે.

૧૯૪૭માં કબીરવાણી પ્રકાશનનો જન્મ થયો. એના ઉછેરમાં, ઘડતરમાં અને સદાબહાર યૌવનમાં રાખનારાઓમાં ઈશ્વરભાઈ પ્રભુભાઈ ભક્ત કણવ ઋષિ જ ગણાય. છેલ્લા ૩૫-૪૦ વર્ષથી એમણે કબીરસાહેબની વાણીનો અભ્યાસ, મનન અને તેના વિતરણની ધૂણી ધખાવી હતી. ૧૯૮૭થી અમેરિકામાં ખૂણેખૂણે એમણે કબીરવાણીને ગુંજતી કરી છે. 'કબીર બીજક ગ્રંથને આધારે કબીરસાહેબનું તત્ત્વજ્ઞાન' એ વિષય ઉપર એમણે સુંદર વ્યાખ્યાનો આપ્યાં હતાં. નાદબ્રહ્મ જેવાં પુસ્તકોના પ્રકાશનમાં પણ એમનો સિંહફાળો હતો.

શ્રી રામકબીર ભક્ત સમાજ લગભગ ૧૯૫૫-૧૯૬૦ સુધી કબીરસાહેબના તત્ત્વજ્ઞાનથી વંચિત હતો, જે કાંઈ આપણી પાસે કબીરસાહેબ અંગે જ્ઞાન હતું તે આપણા પૂર્વજોએ મેળવેલું 'શ્રી રામકબીર ભક્ત ભજન સંગ્રહ' પુસ્તક દ્વારા અને તે પહેલા કંઠસ્થ ભજનો દ્વારા કબીર સંસ્કૃતિ વારસો જાળવી રાખ્યો હતો. જેમ જેમ સમાજમાં શિક્ષણ પ્રવાહ વધ્યો અને કબીરસાહેબના સાહિત્યની ખોજ શરૂ થઈ, સાહિત્યને સમજવાની ભૂખ ઊઘડી અને યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિ શ્રી ઈશ્વરભાઈની આપણને પ્રસાદી મળી અને પાવન થયા. આપણી એ કબીરસાહેબની વાણીની, સાંસ્કૃતિક, ધાર્મિક ભૂખ સંતોષવા ઈશ્વરભાઈએ 'કબીર બીજક' ખજાનાની ધરતીમાં સુષુપ્ત દશામાં પડેલી એ પેટીને બહાર કાઢી. એ બીજક રૂપી ખજાનાના ત્રણે ઘટકો સાખી, શબ્દ અને રમૈનીને (કે જે કોઈક જ વિરલ જ્ઞાની સમજી શકે) સરળ ભાષામાં સમજાવી આપણને ઉપકૃત કર્યા છે. એમણે 'કબીર સાખી સુધા', 'કબીર રમૈની સુધા', 'કબીર શબ્દ સુધા' જેવા કેટલાક પુસ્તકો સંપાદિત કર્યા છે.

ઈશ્વરભાઈએ અમેરિકામાં સગાસ્નેહી, મિત્રોને બોલાવી તેમને મળી અંતિમ વિદાય લઈ એમની ઈચ્છા મુજબ ભારતમાં જ દેહ વિલીન કર્યો.

કબીર ચિંતન વિશેષાંક ઓક્ટોબર, ૧૯૯૯માં ઈશ્વરભાઈના છેલ્લા લેખ 'કબીરવાણીમાં ધ્યાનયોગનું રહસ્ય'માંની એક સાખી :

'ચૌદહ લોક બસૈ યમ ચૌદહ તહં લગીકાલ પસારા
તાકે આગે જ્યોતિ નિરંજન બૈઠે સુની મંઝરા'

સમજાવતા તેઓ કહે છે કે ચૌદ લોકનો વાસ પણ આપણા શરીરમાં છે અને તે સર્વે પર યમની સત્તા ચાલે છે. શરીરમાં જે નિરંજન પ્રભુની જ્યોતિ જળહળે છે તેનું દર્શન કરનારા પર યમની સત્તા ચાલતી નથી. એ દર્શન એટલે આત્માની અનંત પ્રસન્નતા અને સુખ-દુઃખનો લય. અનુભવસિદ્ધ જીવનનું સત્ય આપણને એમણે સમજાવ્યું.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 12,260
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,606
pdf-2અનંત સૂર | Anant Soor 9,256
pdf-3Amar Varso | અમર વારસો 7,455
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,083