કબીર ભજન સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
નાદબ્રહ્મ પદ-૧૪૩, પૃષ્ઠ-૮૩, કનડો
હરિનામ૧ હીરા કંચન૨ પ્રેમ જડ્યો હૈ
સતગુરૂ શબ્દ શ્રવણે૩ સુનકર, દૃઢકર હૃદયે બનાઈ ધર્યો હૈ - ટેક
ચશ્મા૪ જ્ઞાન, વિતેક જ રહેણી, ચિત્ત ચંદન ચોંટ્યો ન રળ્યો૫ હૈ
આસપાસ પ્રતીત પીરેજા, બુદ્ધિ ચુની૬ લે પાટ પડ્યો હૈ - ૧
જંગમ૭ ઘાટ હરિનામ જરાનો, દેખી ચોર અજ્ઞાન ટળ્યો હૈ
કહૈ કબીર એ નિગમ૮ અગોચર, ભક્ત હેત રસનાએ ઉચર્યો હૈ - ૨
સમજૂતી
હરિનું નામ હીરા ને સુવર્ણ સમાન કીમતી લાગવાથી પ્રેમ થઈ ગયો છે. સતગુરૂનું જ્ઞાન જ્યારથી કાને સાંભળ્યું છે ત્યારથી હૃદયમાં દૃઢતાપૂર્વક મેં તે પકડી રાખ્યું છે.
જ્ઞાન ને વિવેકનું ચંદન ચિત્તને બરાબર ચોંટી ગયું છે. જરા પણ તે ફીટતું નથી. આસપાસ સઘળે હરિની પ્રતીતિ થતી હોવાથી બુદ્ધિને ઈતર વાત પસંદ પડતી નથી. - ૧
હરિનામના સ્મરણથી આ જગત રૂપી ઘાટ પરિવર્તનશીલ ને નાશવંત જણાયો તેથી મારું અજ્ઞાન રૂપી ઘોર અંધારું દૂર થયું છે. કબીર કહે છે કે હરિ તો અગમ ને અગોચર છે પણ પ્રેમને કારણે હરિનામનું રટણ જીભ દ્વારા કરવા માંડ્યું છે. – ૨
---------
૧ સદ્ગુરૂ કબીરસાહેબ નામસ્મરણમાં માનતા ન હતા એવું કેટલાક વિદ્વાનો માને છે અને તેથી તેવો તેઓ પ્રચાર પણ કરે છે. પરંતુ કબીરવાણીમાં નામ સ્મરણને લગતી ઘણી સાખીઓ, ઘણાં પદો, મળે છે તેથી તેઓનો મત માન્ય કેવી રીતે કરી શકાય ? “કા સોવો સુમિરનકી બેરિયા” કે “સુમિરન બિન ગોતા ખાઓગે” જેવા ઘણાં પદો નામસ્મરણનો મહિમા ગાનારાં છે. આ પદ પણ તેમાં ઉમેરો જ કરે છે. નામસ્મરણને કબીર સાહેબ એક સાધન તરીકે સ્વીકારતા હતા એમ માનવાની એ બધાં પદો ફરજ પાડે છે. “ભજો રે ભૈયા રામ, ગોવિંદ હરિ!” પદ તો ખૂબ પ્રસિદ્ધ છે. નામસ્મરણથી મનની શુદ્ધિ સધાય છે અને મનને ઊંચી અવસ્થા પર પહોંચાડવામાં તે ઉપયોગી થઈ પડે છે એવી અનુભવ વાણી પણ આપણને ટેકો આપે છે.
૨ હરિનું નામ હીરા સમાન મૂલ્યવાન અને સુવર્ણ સમાન કીંમતી છે. લોકો હીરાથી આકર્ષાય છે. સુવર્ણનું પણ આકર્ષણ ભારે હોય છે. જો હીરાની પોટલી ને સુવર્ણની પાટો ઘરમાં ક્યાંક સંતાડી હોય તો સંતાડનારનું મન ચોવીસે કલાક સુવર્ણ ને હીરામાં જ ચોટલું રહે છે. પ્રભુના નામમાં તે રીતે મન લાગી જાય તો બેડો પાર થઈ જાય.
૩ ગુરૂ શિષ્યને સૌ પ્રથમ જે મંત્ર આપે તે પણ શબ્દ જ કહેવાય. જે જ્ઞાન આપે તે પણ શબ્દ જ કહેવાય. કબીરસાહેબ ‘શબ્દ’ ને વિશેષ અર્થમાં વાપરે છે. શબ્દનો મહિમા ગાતાં તેમણે ગાયું છે :
શબ્દ હિ વેદ હૈ, શબ્દ હિ નાદ હૈ, શબ્દ હિ શાસ્ત્ર બહુભાંતિ ગાઈ
શબ્દ હિ યંત્ર હૈ, શબ્દ હિ મંત્ર હૈ, શબ્દ હિ ગુરૂ સિસકો સુનાઈ.
અર્થાત્ શબ્દ વેદરૂપે, નાદબ્રહ્મ રૂપે છે, શાસ્ત્રરૂપે છે, યંત્રરૂપે છે ને મંત્રરૂપે છે. સૌ પ્રથમ ગુરૂદેવ શિષ્યને મંત્રદીક્ષા આપે ત્યારે શબ્દ સ્વરૂપે જ તે સંભળાવે છે. કબીરસાહેબ તો એટલે સુધી કહે છે કે જે બધું આંખે દેખાય છે તે બધું શબ્દમય જ છે. જે નથી દેખાતું તે પણ ઓમકારના શબ્દરૂપે જ રહેલું છે. તેથી કબીરસાહેબ ‘શબ્દ’ ને બરાબર જાણી લેવાની અરજ કરે છે. જાણ્યા પછી જે તે શબ્દ હૃદયમાં સ્થિર બની શકે.
૪ “ચશ્મા જ્ઞાન વિતેક જ રહેણી” શબ્દો અસ્પષ્ટતા સર્જે છે. વીતેક એટલે વિવેક એમ ગણીએ તો યોગ્ય રહેણીકરણી ભાવ સમજાય. પરંતુ “ચશ્મા” નો અર્થ સ્પષ્ટ થતો નથી. એની જગ્યાએ બીજો શબ્દ હશે એવું અનુમાન કરી શકાય.
૫ ‘ન ટળ્યો’ એટલે ચિત્ત પર લાગેલો જ્ઞાનરૂપી ચંદનનો લેપ ફીટ્યો નથી.
૬ ‘ચુનીલે’ કે ‘ચુનલે’ ? પસંદ કરવાના અર્થમાં
૭ જગત રૂપી ઘાટ અથવા શરીર રૂપી ઘાટ. બંને અર્થ થઈ શકે. માનવયોનિ પ્રાપ્ત કરી બંને ઘાટથી ભવસાગર પાર કરી શકાય.
૮ ‘એ’ ને બદલે યહ. અહીં ‘નિગમ’ શબ્દને બદલે ‘અગમ’ શબ્દ વધારે યોગ્ય લાગે. જે જાણી શકાય નહીં તે અગમ ને જે જોઈ શકાય નહીં તે અગોચર. પ્રભુ અગમ ને અગોચર બંને છે.
Related Link(s):
1. નાદબ્રહ્મ પદ-૧૪૩ : હરિનામ હીરા કંચન પ્રેમ જડ્યો હૈ (રાગ - કાનડો)
Add comment