કબીર ભજન સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
નાદબ્રહ્મ પદ-૨૩૫, પૃષ્ઠ-૧૨૨, રાગ-બિહાગ
ચલના૧ રે મેરે ભાઇ, મારગ ચલના રે મેરે ભાઇ
દિન દસ આઘે, દિન દસ પીછે, મત કોઇ કરો રે બડાઇ - ટેક
કાહુકો ઘર૨ પાંચ કોસ પર, કાહુકો દસ વીસ
સંતનકો ઘર નીજપુરીમાં૩, રામનામ જુગદીસ - ૧
આ હાટવાડે૪ સોદે આયો, કછુડે ડેકે ડેકે ડેકાયો
તોટા બ્હોળા સોહી૫ જાણે, જેણે એ હાટ લગાયો - ૨
તેરા સિર પર જમ છે વૈરી, અજહુ સમજ૬ મેરે ભાઇ
કહે કબીર સોઇ જન ઉગર્યા, જેણે સમર્યા રઘુરાઇ - ૩
સમજૂતી
હે મારા ભાઈ, એક દિવસ બધાંએ જ આ શરીર છોડીને ચાલ્યા જવાનું છે. કોઇનો વારો દસ દિવસ વહેલો કે કોઇનો દસ દિવસ મોડો આવશે એટલું જ ! તેથી કોઈ અભિમાન કરશો નહીં. - ટેક
કોઈનું અસલ ઘર પાંચ ગાવ દૂર તો કોઈનું દસવીસ ગાવ દૂર. (અસલ ઘર ન પહોંચે ત્યાં સુધી જીવને ચેન પડે જ નહીં !) જગદીશ્વર રામના સ્મરણમાં જે સંત લીન હોય, તેનું અસલ ઘર તો સાવ નજીક પોતાના સ્વરૂપમાં જ ગણાય ! - ૧
આ સંસાર રૂપી બજારમાં તું મોક્ષનો સોદો કરવા માટે આવેલો છે પણ અહીંની માયામાં ફસાઈને તું તે ભૂલી જ ગયો છે ! તારા તમામ કરતૂતોનો ખ્યાલ આ સંસાર રૂપી હટવાડાના માલિકને તો છે જ ! - ૨
હે જીવ, હજી પણ તું સમજી જા ! તારા માથા પર તારો વેરી યમરાજ ઘુમી જ રહ્યો છે. કબીર કહે છે કે જેણે ભગવાનનું સ્મરણ કર્યુ હશે તે ઉગરી જશે ! - ૩
----------
૧ જે જન્મે છે તેનું મૃત્યુ નક્કી જ છે એ ગીતાવચનનો અહીં પડઘો છે. ક્ષણે ક્ષણ જીવની ગતિ મરણ તરફ હોય છે. તે ગતિ એકધારી હોય છે. તેમાં સહેજ પણ રુકાવટ નથી હોતી. મરણના માર્ગ પર જ સૌ કોઈ શ્વાસ લેતું હોય છે. છતાં જીવ અભિમાન નથી છોડતો. તે ડાઘુ બનીને સ્મશાને જાય છે જરૂર. થોડો સમય તેને લાગે છે કે એક દિવસ આ જ રીતે મારે પણ સ્મશાનમાં જ ખાખ થવાનું છે. પરંતુ સ્મશાનેથી ઘરે જતાં તો તે ભૂલી જતો હોય છે અને જાણે સ્મશાને જવું પડવાનું નથી એ રીતે અભિમાનથી વ્યવહાર કરતો હોય છે. મહાભારતમાં યક્ષ-યુધિષ્ઠિરનો સંવાદ અહીં યાદ આવશે. યક્ષે યુધિષ્ઠિરને ઘણા પ્રશ્નો પૂછેલા તેમાં આ પણ એક પ્રશ્ન હતો કે જગમાં સૌથી મોટું આશ્ચર્ય કયું ? યુધિષ્ઠિરે જવાબ આપેલો કે માણસ સ્મશાને વળાવવા જાય છે ત્યારે થોડીવાર તેને મરણના વિચારો આવે છે. પણ ઘર જતાં સુધીમાં તે બધું ભૂલી જાય છે અને પોતે મરવાનો જ નથી એ રીતે જીવે છે તે આ જગતનું મોટામાં મોટું આશ્ચર્ય છે. સદ્ગુરૂ કબીરસાહેબ તે જ ટકોર આ પદમાં કરે છે - ‘મત કોઈ કરો રે બડાઈ.’
૨ ઘર એટલે અસલ ઘર. જીવ જ્યાંથી આવ્યો હોય ત્યાં પાછો પહોંચે તો જ તેને નિરાંત વળે. ત્યાં સુઘી તે પરમ શાંતિનો અનુભવ કરતો નથી. “જીવ તું કહાં સે આયો, કહાં ચલ જાયેગો” એ મંગલનું પદ અહીં યાદ આવશે. તેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે પ્રત્યેક જીવ સતલોકથી આવે છે. તેથી સતલોકમાં તે ન પહોંચે ત્યાં સુધી તેને પરમ સુખ પ્રાપ્ત થતું નથી.
૩ નિજપુરી એટલે પોતાનું સ્વરૂપ. પોતાના સ્વરૂપને જીવ ભૂલી જઈને જીવતો હોય ત્યારે તેનો વ્યવહાર અભિમાનથી ભરેલો હોય છે. પરંતુ જે સંતો રામનામમાં લીન થઈ જઈ મસ્તીથી જીવતા હોય તે લોકોમાં તેવું અભિમાન જણાતું નથી. કારણ કે તેમણે પોતાના સ્વરૂપમાં પોતાના મનને કાયમ જોડેલું રાખવાની ટેવ પાડી છે. આ સ્થિતિ તે જ નિજપુરી. સદ્ગુરૂ કબીરસાહેબની દૃષ્ટિએ તે જ મોક્ષધામ. તે જ અસલ ઘર. તે જ સતલોક. અહીં ‘નિજપુરીમાં’ ને બદલે ‘નિજપુરીમેં’ જોઇએ.
૪ જગતનો હાટવાડો ઘણો મોટો છે. તેની અનેક ખાસિયતો છે. તેનો વૈભવી ઠાઠ, તેના અનેક પ્રકારના રંગો અને તેની વિધવિધ પ્રકારની આકર્ષક લાલચો જીવને ભૂલમાં નાંખી દે છે અને તેને પોતાના અસલ ઘરની વિસ્મૃતિ થઈ જાય છે. કબીરસાહેબનું આવું જ એક બીજું પદ અહીં યાદ આવે છે :
યહ સંસાર હાટ બનિયાકે, સબ જગ સોદે આયો
કાહુ ન કિના દામ ચૌગુના, કાહુ ન મૂલ ગંવાયો !
ભજન બીના રે હીરા સો જનમ ગંવાયો !
૫ તોટા બ્હોળા એટલે કરતૂતો. હિન્દી શબ્દ નથી. આ પદમાં ‘આ’, ‘જેણે’, ‘જાણે’ ‘એ’ વગેરે શબ્દો ગુજરાતી ગણાય. તેને બદલે ‘યહ’, ‘જિને’, ‘જાને’, ‘યે’ શબ્દો હોવા જોઇએ. જીવ અભિમાનમાં પોતે કોણ છે ને શા માટે આવ્યો છે તે ભૂલી જાય છે ને ગમે તેવાં કૃત્યો કરે છે પણ સર્જનહાર તો સાક્ષીભાવે બધું જોયા જ કરે છે.
૬ મૃત્યુ આવે તે પહેલાં પણ માણસને ભાન થઈ જાય તો તેનું મરણ સુધરી શકે એવો અહીં ભાવ રહેલો છે. મૃત્યુ તો અનિવાર્ય છે જ પણ મરતા પણ આવડવું જોઇએ એવું કબીરસાહેબ કહેવા માગે છે.
મરતે મરતે જગ મુઆ, ઔરસ મુઆ ન કોય
દાસ કબીર યોં મુઆ બહુરિ ન મરના હોય.
અર્થાત્ એવી રીતે મરવું જોઇએ કે પાછા જન્મવું ન પડે !
Related Link(s):
1. નાદબ્રહ્મ પદ-૨૩૫ : ચલના રે મેરે ભાઇ (રાગ - બિહાગ)
Add comment