કબીર ભજન સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
નાદબ્રહ્મ પદ-૨૩૬, પૃષ્ઠ-૧૨૩, રાગ-બિહાગ
ઘર કર દરીયા માંહે, મચ્છી૧ ઘર કર દરિયા માંહે
શીલર તોરા દો દિન બાસા, અંતકાલ૨ કહાં જાશી ?  - ટેક
જહાં નહીં જાલ, જહાં નહીં ઢીમર, જહાં નહીં બંશી૩ બજાય
અમરલોક જહાં મરણ ન પાવે, ઉત્પત્તિ૪ પ્રલય નાહીં  - ૧
સબસે બડે સબ ડીકે તેરે, સબ૫ હૈયા માંહિ
કહે કબીર સુનો ભાઇ સાધુ, ગ્રહો શબ્દકી૬ બાંય  - ૨
સમજૂતી
હે જીવરૂપી માછલી, તારી અંદર જ પરમ સુખનો મહાસાગર છલકી રહ્યો છે !  તેમાં જ તારૂ ઘર કરી લે. આ જગતમાં તો તારું માત્ર બે દિવસનું જ રહેઠાણ છે. અંતકાલે ક્યાં જશે તેનો તું વિચાર કરી લે !  - ટેક
જે સાગર તારામાં ઘુઘવે છે તેમાં નથી કોઈ માછીમાર કે નથી કોઈ પણ પ્રકારની જાળ ! અરે, ત્યાં તો માયા રૂપી વાંસળી પણ વાગતી નથી ! ત્યાં તો જન્મમરણ હોતાં નથી ! ત્યાં નથી ઉત્પત્તિ કે નથી પ્રલય ! તેથી તે અમરલોક ગણાય. - ૧
હે જીવ, સૌથી મહાન ગણાતો તારો કર્ણાધાર તો તારા હૈયામાં જ રહેલો છે ! કબીર કહે છે કે તેના જ્ઞાનના આધારે જ તું વાસ કર ! - ૨
----------
૧ માછલી તો દરિયામાં જ રહી શકે. છતાં માછલીને દરિયો એનું ઘર ન લાગતું હોય તો ? તે કિનારા પર જઈને ભૂમિમાં આમતેમ ભટકી પોતાનું ઘર શોધવા પ્રયત્ન કરશે. પણ થોડા જ સમયમાં તે ભૂમિની બરછટ સૂકી અવસ્થા સહન કરી શકશે જ નહીં. તેને દરિયામાં પાછું જ આવવું પડે. તો જ તે સુખચેનથી પોતાનું જીવન નિર્ગમન કરી શકે. સુખશાંતિનો અનુભવ તેને દરિયા વિના ક્યાંય ન થઈ શકે. કબીરસાહેબે માછલી ને દરિયાના રૂપક દ્વારા મનુષ્ય સમાજને સુંદર માર્ગદર્શન આ પદમાં આપ્યું છે. જીવની દશા કિનારા પર પોતાનું ઘર શોધતી માછલી જેવી છે. થોડા સમય માટે માછલી જેમ દરિયાને ભૂલી જાય છે તેમ જીવ પોતાના સ્વરૂપને જ ભૂલી જાય છે. પોતાનું સત્-ચિત્-આનંદ સ્વરૂપનો તેને ખ્યાલ જ નથી રહેતો. તેથી તે સુખની શોધ, પેલી માછલીની માફક બહાર જ કર્યા કરે છે. બહારનું સુખ તેને ક્ષણજીવી લાગે છે. છતાં બીજે ક્યાંક મળી રહેશે તેવી વ્યર્થ આશામાં જગતમાં તે ભટકે છે. સુખના સાગરમાં રહેનાર જીવ બહાર સુખ શોધે તે કેવું ગણાય ? કબીરસાહેબનું પ્રસિદ્ધ પદ અહીં યાદ આવે છે :
પાની મેં મીન પ્યાસી, મોંહે દેખત આવત હાંસી
અર્થાત્ પાણીમાં દિવસરાત રહ્યાં છતાં માછલી તરસી રહે છે તે સ્થિતિ જોઈને કબીરસાહેબ કહે છે મને ખૂબ હસવું આવે છે !
૨ અંતકાલ તો અચનાક જ આવે. તે કોઇને પણ ખબર કર્યા વિના જ આવે છે. તેથી અંતકાલે જીવની સ્થિતિ કફોડી થઈ જતી હોય છે. છેક છેલ્લી ઘડીએ ભાન થાય ત્યારે તેની દશા ધોબીના કૂતરા જેવી - નહીં ઘરનો નહીં ઘાટનો - થઈ જાય છે. તે સમયે શરીરમાં અપાર વેદના પણ થતી હોવાથી તેને બીજું યાદ પણ શું આવે ? અંતકાલે જેવું મનોમંથન થાય, તેવી તેની ગતિ થાય ! પરંતુ અજ્ઞાની જીવને માટે તે સ્થિતિ ઘણી દુઃખદ અને અસહાય ગણાય.
૩ ‘બંશી’ શબ્દ અહીં માયાના પ્રતીક તરીકે વપરાયો છે. આત્મ સ્વરૂપમાં સ્થિતિ એટલે જીવની ભગવાનમાં સ્થિતિ ગણાય. ભગવાન પાસે અથવા ભગવાનના શરણમાં રહેનારને ભગવાનની માયા કંઈ કરી શકતી નથી. ગીતામાં શ્રીકૃષ્ણનું વચન જ અહીં યાદ કરવા જેવું છે :
માયા મારી છે ખરે તરવી તો મુશ્કેલ
તરી જાય છે તે જ જે મારું શરણ ગ્રહેલ     (સરળ ગીતા અ-૭)
૪ જ્યાં માયાનો પ્રભાવ છે ત્યાં ઉત્પત્તિ ને પ્રલય, જન્મ ને મરણ, હોય જ. જે પરમાત્માના શરણમાં રહે છે તેને તેમાંથી મુક્તિ મળે છે. પણ અજ્ઞાની જીવ પરમાત્માને જ ભૂલી જતો હોવાથી તેના શરણમાં રહે જ કેવી રીતે ? જેને ભાન થઈ જાય છે તે પરમાત્માનું શરણું પકડે છે અને પોતાના સ્વરૂપને બરાબર ઓળખી લઇ તેમાં પોતાના મનને રાખે છે તે અંતકાળે પ્રભુનું સ્મરણ જરૂર કરી શકે. પણ જે ભૂલા પડેલા લોકો છે તે તો શરીરને જ પોતાનું સ્વરૂપ સમજતા હોવાથી પ્રભુને યાદ કરી શકતા નથી. કબીરસાહેબ કહે છે :
ભૂલા લોગ કહે ઘર મેરા
જા ઘરવા મેં ફૂલા ડોલૈ, સો ઘર નહીં તેરા.
અર્થાત્ શરીરને ઘર માનનાર ભૂલા પડેલા લોકો કહેવાય તેથી તેઓ તેમાં મસ્ત રહી ભૂલી જાય છે કે ખરેખર આ ઘર મારું નથી. તેથી તેઓ અમર લોકને કેવી રીતે પામે ? અમરલોક તો પ્રભુના શરણમાં ને સ્મરણમાં જ પ્રાપ્ત થાય છે.
૫ અહીં ‘સબ’ ને બદલે ‘સબકે’ જોઇએ. સર્વના હૈયામાં સ્વામી પરમાત્મા રહેલા છે તે વાત કબીરસાહેબ પણ વારંવાર યાદ કરાવ્યા કરે છે.
૬ ‘શબ્દકી બાંય’ એટલે શબ્દ બ્રહ્મનો આધાર-આત્મજ્ઞાનનો આધાર. સદ્ગુરૂના શબ્દનું મૂલ્ય એ રીતે વિચારવું જોઇએ. “શબ્દ ભેદ જો જાનહિં સો પૂરા કંડહાર” અર્થાત્ જે શબ્દબ્રહ્મના રહસ્યને જાણે છે તે પૂર્ણ ગુરૂ કહેવાય. કબીરસાહેબે શબ્દને માટે કહ્યું છે કે “શબ્દ હિ આપ કરતાર ભાઈ” અર્થાત્ શબ્દ પોતે જ આત્મા ને પરમાત્મા છે. તેથી આત્મસ્વરૂપમાં સ્થિતિ કરનાર આ જીવનને સફળ કરી શકે છે માટે આત્મજ્ઞાનના આધારે જીવન જીવવું જોઇએ.
Related Link(s):
1. નાદબ્રહ્મ પદ-૨૩૬ : ઘર કર દરિયા માંહે (રાગ - બિહાગ)
 
																										
				
Add comment