Kabir Bhajan Sudha

કબીર ભજન સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

નાદબ્રહ્મ પદ-૩૮૪, પૃષ્ઠ-૨૦૯, રાગ-બિલાવલ

રામ કહો પિંજરકે સુવા
અજહુ ખબર પડત નહીં અંધે, ધંધા કરત સકલ જગ મુઆ  - ટેક

ઘડી સુથાર કઠેરા કીના, અજહુ સાજ નિશ્ચલ નહીં હુઆ
અંતકાલ રિપુ હો તમ જ્યારે, હાર ચલ્યો જૈસે જુહારી જુહા  - ૧

આશા નિજ પાંચ પનિહારી, ઘટત નાંહિ કર્મજત કુઆ
કહે કબીર જેણે હરિરસ લીધો, વોહી કે મુખ અમૃત ચુઆ  - ૨

સમજૂતી
હે શરીરરૂપી પિંજરાના પોપટ, રામનું સ્મરણ તો કર !  અજ્ઞાનથી આંધળા બનેલા હે જીવ, અવળા ધંધા કરીને આખું જગત મરણધર્મા બન્યું છે તેની હજી પણ તને ખબર પડી નથી !  - ટેક

અંતિમ કાળે પણ તને કયો શણગાર ગમે છે તેનો નિર્ણય થઈ શક્યો નથી કારણ કે તારા શરીરને લઈ જવા બનાવેલી ઠાઠડીને સુથારે કઠેરા બનાવીને હજી પણ શણગારી જોઈ છે !  અરે, યમરાજ શત્રુ થઇને આવ્યો છે અને તું હારી ગયેલા જુગારીની જેમ જઈ રહ્યો છે !  - ૧

પાંચ ઈન્દ્રિયો રૂપી પનિહારીની વિષયોની ભૂખ અને તારા મનની આશા કદી પણ સંતોષાતી જ નથી એટલે તો આ કર્મ રૂપી તારો કૂવો ખાલી જ નથી થતો !  કબીર કહે છે કે અમૃત રસની લ્હાણી તો તેના મોઢામાં જ થઈ શકે કે જેણે હરિનો રસ ધરાઈ ધરાઈને પીધો હોય !  - ૨

----------

સુવા એટલે પોપટ. કબીર વાણીમાં જીવના પ્રતીક તરીકે પોપટનો વારંવાર ઉપયોગ થયેલો જણાશે. આ પદમાં અંતિમ વેળાનું ચિત્રણ છે. જેણે જિંદગીભર અવળા ધંધા કર્યા છે ને રામનું સ્મરણ પણ નથી કર્યું તેવા મરણ પામેલા માનવને સંબોધન કરવામાં આવ્યું છે. રામનું સ્મરણ કરવું અને મોઢેથી રામ રામ બોલ્યા કરવું એ બંને અવસ્થા ભિન્ન છે. મોઢેથી રામ બોલે પણ ખરેખર રામનો રસ પીતો ન હોય !  પેલો પોપટ રામ રામ બોલે પણ રામનો પ્રભાવ ન જાણે તેમ !  તેવા પોપટ પારાયણનો પણ શો મહિમા ?  અહીં તો સ્મરણ કરવાનું સૂચન છે. ‘કહો’ ક્રિયાપદ વાપરીને કબીરસાહેબે કટાક્ષપૂર્વક જીવને સંબોધન કર્યું છે અને તે એકવાર પણ રામનું સ્મરણ ન કર્યું, તે ન જ કર્યું !

ધંધા એટલે પ્રપંચો. ન કરવાનાં કામો. કદાચ પોપટની જેમ રામ રામ પણ કર્યું હશે મોઢેથી, અને હાથ-પગો દ્વારા દુષ્ટ કર્મો જ કર્યાં હશે. છેલ્લી પંક્તિમાં હરિ રસ એટલે કે રામરસ શબ્દના ઉયોગ દ્વારા મોઢેથી કરવામાં આવતાં પોપટ પારાયણ કરતાં મોઢેથી રામનો રસ પીવામાં આવે ને રોમ રોમ ખડાં થઈ જાય તો જ ઉદ્ધાર થઈ શકે એવું આડકતરું સૂચન પણ થયું છે. પ્રપંચી જીવ કરે તો પોપટ પારાયણ જ કરે અને છેલ્લે નિરાશ થઇને વિદાય લે. અહીં સાખી પ્રકરણની ખૂબ પ્રસિદ્ધ સાખી યાદ કરવા જેવી છે :

સેમર સુવના સેઈયા, ઢૂંઢે ઢેંઢીકી આસ
ઢેંઢી ફૂટી ચટાક દઈ, સુવના ચલા નિરાસ

અર્થાત્ સેમર એટલે શીમળાનું ઝાડ. સુવના એટલે પોપટ. ઢેંઢી એટલે શીમળાનું ફળ. સદ્‌ગુરૂ કબીર સાહેબે પોપટ અને શીમળાના ઝાડના ફળના રૂપકથી પ્રપંચી જીવની અવદશા સુંદર ને સચોટ રીતે વ્યક્ત કરી છે. શીમળાનું ફળ શરૂઆતમાં લીલુંછમ, ભરાવદાર અને દેખાવડું લાગે. તેને જોઈ પોપટ આકર્ષાય અને શાશ્વત સુખ મળી ગયાનો આનંદ અનુભવે. આનંદમાં ને આનંદમાં તેને સેવે ને સંભાળ રાખે. તેની માવજત કરતાં કરતાં જ એક દિવસ તેની ચાંચથી તે ફળ ફાટે ને રૂ જેવા મુલાયમ રેસાઓ હવામાં ઊડતા નજરે પડે.  રસનો એક છાંટો પણ દેખાય નહીં ત્યારે પોપટ નિરાશ થઇને વિદાય લે છે. બરાબર તેવી જ અવદશામાં પ્રપંચી જીવને અંતિમકાળે વિદાય લેવી પડે છે.

જીવને શણગારનો મોહ કેવો હોય તેનું પણ કટાક્ષમય ચિત્ર કબીરસાહેબે રજૂ કર્યું છે. જેટલી દુકાનોની વિવિધતા તેટલી શણગારની વિવિધતા. જે નજરમાં આવે તે મનને ગમી જ જાય. કયો શણગાર વધારે સારો તે નક્કી જ ન થઈ શકે. ઠાઠડી પણ શણગારીને લઈ જવાનો રિવાજ જાણે કે મૃતાત્મમાનો શણગારનો મોહ જ વ્યક્ત કરતો હોય તેવું લાગે.

કર્મરૂપી કૂવામાં કર્મ રૂપી જલ  ઘટતું જ નથી. કર્મ કર્યા વિણ જીવથી એક ક્ષણ પણ ન રહેવાય તે પણ સાચી વાત છે. તેથી કર્મ કરવાની કુશળતા પ્રાપ્ત કરવામાં માનવની મહત્તા ગણાય. કર્મ એવી રીતે કરે કે તે કર્મ અકર્મ બની જાય. તો કર્મ રૂપી જળ ઓછું થાય ને કર્મનો ક્ષય થઈ શકે. તો જીવનો ઉદ્ધાર થઈ શકે.

‘જેણે હરિરસ લીધો’ ને બદલે ‘જિને હરિરસ પીધો’ શબ્દો હોવા જોઇએ.

‘અમૃત ચુઆ’ એટલે અમૃત ઝરે. જે રામરસ ચાખે ને પછી ધરાઈને પી તે રામમય બની જાય તેથી તેના મુખમાંથી જે વાણી ઝરે તે અમૃતમય જ હોય. તે એ રીતે જ અમૃતની પદવી પ્રાપ્ત કરે.

Related Link(s):
1. નાદબ્રહ્મ પદ-૩૮૪ : રામ કહો પિંજર કે સુવા (રાગ - બિલાવલ)

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 12,292
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,627
pdf-2અનંત સૂર | Anant Soor 9,296
pdf-3Amar Varso | અમર વારસો 7,473
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,170