Kabir Bhajan Sudha

કબીર ભજન સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

નાદબ્રહ્મ પદ-૪૪૫, પૃષ્ઠ-૨૩૩, રાગ-વસંત

(સંદર્ભ :  કબીર પંથી શબ્દાવલી પૃ-૬૭૧/૫૩)

સતનામ તત્વ તીન લોક સાર, લવલીન ભયે સો ઉતરે પાર  - ટેક

એક જોગી જુગવે જટાધાર, એક અંગ ભભૂત ધારે અપાર
એમ મૌની મુખમૌન લીન્હ, ભ્રમત ફિરે જુગ જુગન છીન  - ૧

એક આરાધે સકતી સીવ એક પરદા દે દે રટત જીવ
એક કુલ દેવીકો જપત જાપ, ઐસે ત્રિભુવન પતિ ભૂલે આપ  - ૨

એક અન્ન છાંડકે પીવે દૂધ, હરિ ન મિલે બિન હૃદે સૂધ
કહે કબીર ચિત ચેતો અંધ, ના તો પરિ હો જમકે ફંદ  - ૩

સમજૂતી
સતનામ રૂપી તત્વમાં ત્રણે લોકનું રહસ્ય છૂપાયેલું છે. જે એમાં લવલીન બની જાય છે તે ભવસાગર પાર ઊતરી જાય છે.  – ટેક

જેઓ માત્ર પોતાની જટાઓ જ વધારવામાં મગ્ન છે, જેઓ કેવળ શરીર પર ભસ્મ ચોળીને ધ્યાન કરે છે અને જેઓ મોઢેથી મૌન બની માત્ર  બેસી રહે છે તેઓ તપ કરતા જણાય છતાં યુગો સુધી ભ્રમણામાં જ પડી રહી નાશ પામે છે.  – ૧

જેઓ શિવ ને શક્તિ બંનેની આરાધના કરે છે, જેઓ મોઢે કાપડનો કટકો બાંધી જીવની જ રટણા કર્યા કરે છે અને જેઓ માત્ર કુળદેવીનો જાપ જપી તપ કરે છે તેઓ ત્રણે ભુવનના સ્વામીને ખરેખર ભૂલી જ જાય છે.  – ૨

જેઓ અન્નનો ત્યાગ કરી માત્ર દૂધ પર રહી તપશ્ચર્યા કરે છે, તેઓ પણ ભૂલી જાય છે કે હૃદય પવિત્ર થયા વિના પરમાત્મા મળતા નથી. તેથી કબીર કહે છે કે હે જીવો ચેતો ને અજ્ઞાનતા દૂર કરો, નહીં તો સૌ યમરાજના ફંદામાં ફસાય પડશો.  – ૩

----------

સતનામ એટલે સૃષ્ટિના સ્વામીનું નામ. જે ત્રણે કાળમાં એક ને અદ્વિતીય સ્વરૂપે રહે છે તે તત્વ. શ્રી કૃષ્ણ ગીતામાં સત્તરમાં અધ્યાયને અંતે કહે છે :

ઓમ્ અને તત્ સત્ કહ્યા ઈશ્વરનાં ત્રણ નામ
એથી ઓમ્ કહી સદા કરાય મંગલ કામ.     (સરળ ગીતા, અ-૧૭/૨૩)

અર્થાત્ નિર્ગુણ ને નિરાકાર ગણાતા પરબ્રહ્મ પરમેશ્વર ત્રણ નામથી જાણીતા છે. સત્ તેમાનું એક નામ છે. તેનું સ્મરણ કરવાથી હરકોઈ જીવનું કલ્યાણ થાય છે.

તે સતનામને તત્વથી જાણવું જોઈએ. તત્વથી જાણવું એટલે અનુભવ કરવો. પ્રત્યેક માનવના શરીરની અંદર તે સતત ગુંજરાવ કર્યા જ કરે છે. તે ગુંજન કદી અટકતું જ નથી. જે દિવસે અટકે તે દિવસે જીવન ન હોય !  મતલબ કે તે સતનામની મધુર ધૂન સાક્ષાત્ જીવન ધારા છે. તે જેમ શરીરની અંદર ગુંજે છે તેમ શરીરની બહાર પણ ગુંજે છે. પરંતુ આપણને સંભળાતી નથી. કારણ કે આપણું મન અન્ય પદાર્થોની પ્રાપ્તિમાં રોકાયેલું રહે છે. આપણું ધ્યાન સંસારનું સુખ કેમ વધે તેમાં લીન હોય છે. તેવું મન મલિન મન કહેવાય છે. મનની તમામ મલિનતા જ્યારે દૂર થાય ત્યારે સતનામની પ્યારી ધૂન સાંભળી શકાય છે. પછી જ તેનું સ્મરણ પણ સારી રીતે થઈ શકે છે. સ્મરણ મનને પોરવીને કરવાનું હોય છે. જો મન બીજે પરોવાયેલું હોય તો સ્મરણ ન જ થઈ શકે. કરવામાં આવે તોપણ નિરર્થક નીવડે. તેથી સતનામનો બરાબર પરિચય કરવો જોઈએ અને પછી પ્રેમપૂર્વક તેમાં મનને લીન કરવા પ્રયત્ન કરવો જોઈએ. તો જ ઉદ્ધાર થઈ શકે !

લોકોને આકર્ષવા માટે મોટી મોટી જટા વધારવામાં જેઓનું મન રોકાયેલું રહે છે તેઓ કદી સતનામની ધૂન સાંભળી શકતા નથી.

કેટલાક વૈરાગી સાધુઓ શરીરે રાખ ચોળીને જાહેરમાં ધ્યાનસ્થ દશામાં બેસી રહેવા પ્રયત્ન કરે છે. તેમાં પણ માત્ર બાહ્યાચારનો દેખાવ હોવાથી ચંચળ મન લોકચાહના પ્રાપ્ત કરવામાં રોકાયેલું રહે છે. તેથી તેવું તપ કરનાર પણ સતનામને સાંભળી શકે નહીં.

કબીરસાહેબ અહીં મૌનનો વિરોધ કરતા નથી, પણ મૌનનો દેખાવ કરનારાનો વિરોધ કરે છે. મોઢેથી મૌન લીધું હોય, પણ મન તો દોડંદોડ કરતુ જ રહે  છે. કામનાઓની લહેરમાં ભમતું જ ફરે છે. મૌનનો હેતુ તો મનને સ્થિર કરવાનો હોય છે. તે હેતુ જળવાતો નથી તેથી તેવું તપ કરનાર પણ સતનામ સાંભળી શકે નહીં.

અહીં જૈન સંપ્રદાયના યાતિઓનો ઉલ્લેખ છે. જીવ હિંસા ન થાય તેવા ઉદ્દેશથી કેટલાંક જૈન સાધુઓ મોઢે કાપડનો કટકો બાંધીને ફરતા જણાય છે. શ્વાસ ને ઉચ્છવાસ તો રોકી શકતા નથી. ઉચ્છવાસથી સહેજે નાના નાના જંતુઓ સ્વાહા થઈ જાય છે. જીવહિંસા થઈ જ જાય છે. જીવને બચાવવા તેવું મન વૃથા મહેનત કરતું રહે છે તેથી તેવા લોકો પણ સતનામને સાંભળી શક્તા નથી.

અગિયારસ, પૂનમ આદિ પ્રસંગોએ વ્રત કરનારાને અહીં કહેવામાં આવ્યું છે. ઉપવાસનું વ્રત કરે અને દૂધમાંથી બનતી અનેક વાનીગીઓનો તે દિવસે ઉપભોગ કરે વ્રતનો હેતુ તો સિદ્ધ થતો જ નથી. વ્રતનો હેતુ પણ મનની ચંચળતા ઓછી કરવાનો જ છે. ચંચળતા ઓછી થાય તો સતનામની મધુર ધૂન સાંભળી શકે.

‘સૂધ’ એટલે શુદ્ધ અવસ્થા. હૃદય શુદ્ધ બને, પવિત્ર બને તો હરિના દર્શન શક્ય બને. તળાવનું પાણી ડહોળાયેલું હોય તો નીચે સોનાનો ઢગલો હોવા છતાં તે દેખાતો નથી. પાણીમાં રહેલી મલિનતા ઠરે, પાણી નિર્મળ બને ત્યારે તળિયું દેખાય અને સુવર્ણનો ઢગલો સ્પષ્ટ જોઈ શકાય. તેવી જ રીતે હૃદય કે મન શુદ્ધ થાય તો સતનામ સાંભળી શકાય ને તેમાં મગ્ન બની જીવ હરિનું દર્શન કરી શકે.

Related Link(s):
1. નાદબ્રહ્મ પદ-૪૪૫ : હરિનામ તત્વ ત્રિલોક સાર (રાગ - નિર્ગુણ વસંત)

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 12,036
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,529
pdf-2અનંત સૂર | Anant Soor 9,141
pdf-3Amar Varso | અમર વારસો 7,403
pdf-4A Handwritten Bhajan Book from 1937 5,860