Kabir Bhajan Sudha

કબીર ભજન સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

નાદબ્રહ્મ પદ-૪૪૭, પૃષ્ઠ-૨૩૪, રાગ-વસંત

(સંદર્ભ :  વારાણસી વિશ્વ વિદ્યાલય પ્રકાશન ‘શબદ’, પૃષ્ઠ-૧૩૨, પદ-૧૦૬ને આધારે)

ચલિ ચલિ રે ભંવરા કંવલ પાસ,  તેરી ભંવરી બોલૈ અતિ ઉદાસ  - ટેક

મૈં તોહિ બરજેઉ બાર બાર, તૈં બન બન સોધ્યો ડાર ડાર
તૈં અનેક પુહુપકા લિયૌ હૈ ભોગ, સુખ ન ભયો તન બઢ્યો રોગ  - ૧

દિના ચારિ કે સુરંગ ફૂલ, તેહિ લખિ ભંવરા રહ્યો ભૂલ
બનસપતિ જબ લાગૈ આગિ, તબ ભંવરા કહાં જૈહો ભાગિ  - ૨

પુહુપ પુરાને ગયે સૂખ, તબ ભંવરહિ લાગી અધિક ભૂખ
ઉડિ ન સકત બલ ગયો છૂટિ, તબ ભંવરી રોવૈ સીસ કૂટિ  - ૩

દહ દિસિ જોવૈ મધુપરાઈ, તબ ભંવરી લૈ ચલી સિર ચઢાઈ
કહૈ કબીર મન કા સુભાવ, ઈક નામ બિના સબ જમ કો દાવ  - ૪

સમજૂતી
ખૂબ નિરાશ બનેલી વિવેક બુદ્ધિ રૂપી ભમરી તને કાલાવાલા કરીને વિનવે છે કે હે મન રૂપી ભમરા, હવે તો કમળ પાસે ચાલ !  - ટેક

મેં અનેકવાર મનાઈ કરેલી છતાં તું રસ શોધવા જંગલે જંગલે ને ઝાડની ડાળીએ ડાળીએ ભટક્યો. તેં અનેક પુષ્પોનો રસ ચૂસ્યો. છતાં પણ તને સુખ મળ્યું નહીં બલ્કે શરીરમાં રોગ વધ્યો.  – ૧

વિષયોના રંગીન ફૂલોનો રસ તો ક્ષણિક સુખ આપનારો છે. તેને જોઈને હે મન રૂપી ભમરા, તું ખરેખરે ભૂલ કરી રહ્યો છે !  જ્યારે જંગલની આ હરિયાળીમાં આગ લાગશે ત્યારે હે ભમરા તું ભાગીને ક્યાં જશે ?  - ૨

સમય વીતતાં ફૂલ તો કરમાતાં રહે છે જ્યારે તારી વિષયોની ભૂખ ઉંમર વધતાં હે ભમરા ખૂબ વધતી જણાય છે !  છેવટે તારામાં તો ઊડી જવાની શક્તિ પણ રહેલી નથી તે અવદશા જોઈને ભમરી તો માથું ફૂટતી રડતી હોય છે !  - ૩

ત્યારે જ મન રૂપી ભમરો ભમરીને શરણે જતો હોય છે અને ભમરી તેને દસે દિશામાં વ્યાપીને રહેલા પરમાત્મ તત્વ તરફ લઇ જતી હોય છે. કબીર કહે છે કે મનનો સ્વભાવ એવો જ હોય છે. તે રામનામ વિના જમરાજના ફંદામાં ફસાઈ જાય છે.  – ૪

----------

આ પદમાં માનવમાત્રનો આંતરિક સંઘર્ષ સુંદર ને સરસ રીતે નિરૂપાયો છે. દ્વિધા કોણ નથી અનુભવતું ?  ચોર પણ ચોરી કરવા જતાં પહેલાં દ્વિધા અનુભવતો હોય છે. તેને પણ અંદરથી આવું કાર્ય મારે ન કરવું જોઈએ એવું લાગતું હોય છે. ઘડીભર તે પણ મૂંઝવણ અનુભવે છે. દરેક જણ આવી દ્વિધામાંથી પસાર થાય છે. કહેવત છે કે કૂતરો તાણે ગામ ભણી ને શિયાળ તાણે સીમ ભણી. ભોગ લંપટ મન વિષયોની મઝા ભૂલી શકતું નથી તેથી તેની ખેંચ ઉપર વધે તોપણ વિષયો તરફ જ રહેવાની. તેવી જ રીતે વિવેકયુક્ત અંતરઆત્માની ખેંચ ક્ષણિક સુખને બદલે આત્મદર્શનથી પ્રાપ્ત થતા પરમ સુખ તરફ જ રહેવાની.

અહીં મનને ભમરો કહ્યો છે. અંતિમ પંક્તિમાં ‘મનકો સુભાવ’ શબ્દો અર્થ સ્પષ્ટ કરે છે. મનનો ચંચળ સ્વભાવ અને આસક્ત થઈ જવાનું લક્ષણ ભમરાનું રૂપક દ્વારા સચોટ રીતે વ્યક્ત થાય છે.

કંવલ એટલે કમળ. કમળનું પ્રતિક આત્માને માટે વપરાયેલું છે. છેલ્લી ટૂંકમાં ભમરી તેને કમળ પાસે લઇ જાય છે તે શબ્દચિત્ર અર્થ સ્પષ્ટ કરે છે. કમળ ઊગે છે કાદવમાં ને પાણીમાં. છતાં તે કાદવને પાણીથી સદૈવ અલિપ્ત રહે છે. તેમ મળમૂત્રથી ભરેલા આ શરીરમાં આત્મા અલિપ્ત જ રહે છે. શરીરના દોષોથી તે મુક્ત જ હોય છે.

ભંવરી એટલે અંતરાત્મા અથવા વિવેક બુદ્ધિ. દરેકને અંતર આત્મા હંમેશા માર્ગદર્શન આપતો જ હોય છે. પણ મન તેને અવગણી હંમેશા વિષયો તરફ જ લઇ જાય છે તે હકીકત સૌ સ્વીકારશે.

કહેવત છે કે જેટલા ભોગ તેટલા રોગ. મન ભોગાસક્ત હોય છે તેથી શરીર રોગગ્રસ્ત બને છે.

જેમ દવ લાગે તો જંગલમાં બધું જ બળી જાય તેમ કાળ રૂપી અગ્નિ બધું જ સ્વાહા કરી જાય છે. કાળ કોઈને છોડે નહીં. ત્યારે મન રૂપી ભમરો અસહાય બની જાય છે.

માનવ જીવનની નક્કર વાસ્તવિક્તા અહીં રજૂઆત પામી છે. શરીર ઘરડું થાય છે, મન ઘરડું થતું નથી. મન પર સંયમ ન હોય તો મનની વિષયભૂખ ઘડપણમાં પણ માનવને પજવે છે. ઘણે ભાગે માનવમાત્રનો આ અનુભવ હોય છે.

અંતિમ કાળે કદાચ માનવને ભાન થાય છે કે મેં અંતરાત્માની અવગણના કરી તે ખોટું હતું. અંતિમ કાળે અસાહય સ્થિતિ હોય છે. રોગગ્રસ્ત શરીરને અપાર વેદના થતી હોય છે. દુઃખ સહન કરવાની મનની શક્તિ હોતી નથી. છતાં ભૂલનો પસ્તાવો થાય તે પણ મનને ઉત્ક્રાંત કરવામાં ઉપયોગી થઈ પડે છે.

મનના સ્વભાવનું ચિત્રણ સરસ કર્યું. સ્વભાવમાં પરિવર્તન આણવા માનવે પહેલેથી જ યમ-નિયમના સિદ્ધાંતોનું પાલન કરવું પડે છે. તો જ મન પ્રભુરાયણ થઈ શકે. નહીં તો મન કોઈને ગાંઠતું જ નથી. મનને હિસાબે જીવવાથી જીતની બાજી પણ હારમાં પલટાય જાય છે.

Related Link(s):
1. નાદબ્રહ્મ પદ-૪૪૭ : ચલ ચલ રે ભમરા કમલ પાસ (રાગ - નિર્ગુણ વસંત)

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,113
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,972
pdf-2અનંત સૂર | Anant Soor 9,911
pdf-3Amar Varso | અમર વારસો 7,748
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,695