Kabir Bhajan Sudha

કબીર ભજન સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

નાદબ્રહ્મ પદ-૫૯૩, પૃષ્ઠ-૩૧૬, રાગ-કાનડો

ભક્તિ હિંડોળે સંત જન ઝૂલે
સતગુરૂ શબ્દકા દેત જોટા, કહત સુનત હૃદયમેં ફૂલે  - ટેક

જ્ઞાન વૈરાગ્ય દોઉ સ્તંભ મનોહર, રામનામકી દોરી લગાઈ
શીલ સંતોષ વિચાર વિવેક કી, દાંડી ચાર અમોલ સોહાય  - ૧

ધીર ગંભીરકી પટુલી બિરાજે, પ્રેમ પ્રીતકી ચુની જુરી હૈ
આતમ અનુભવ જ્ઞાન પ્રકાશ, હીરા માણેક શોભા બની હૈ  - ૨

સંત સંગત મિલી જે કોઈ ઝૂલે, કામ ક્રોધ મદ લોભ નસાવે
કહેત કબીર સોહી જન નિર્મલ, અંતકાલ પરમ પદ પાવે  - ૩

સમજૂતી
સદ્‌ગુરૂના ઉપદેશ વચનોને દાખલ સહિત સમજાવતા ને સંભળાવતા જેઓને હૃદયમાં અપાર આનંદ થતો હોય છે તેવા સંતજનો આ ભક્તિરૂપી હિંડોળા પર ઝૂલે છે.  – ટેક

આ ભક્તિ રૂપી હિંડોળો તો જ્ઞાન ને વૈરાગ્ય રૂપી બે સ્તંભોથી બનેલો છે. તે સ્તંભો પર રામનામની દોરીથી બાંધેલી શીલ, સંતોષ, વિચાર ને વિવેકની ચાર અણમોલ દાંડીઓ સોહી રહી છે.  – ૧

તેમાં ધીરજ ને ગંભીરતાના ગુણો રૂપી પટુલી મૂકવામાં આવી છે અને તેને પ્રેમની ચૂંદડી ઓઢાડેલી છે. આત્માના અનુભવના પ્રકાશથી ચમકતા સદ્‌ગુણોનાં હીરા-માણેક પણ અંદર રહીને શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યાં છે.  – ૨

સંતોના સમાગમમાં રહી જે કોઈ આ ભક્તિ રૂપી હિંડોળા પર ઝૂલશે તે કામ, ક્રોધ, મદ, લોભાદિ દુર્ગોણોથી મુક્ત બની શકશે. કબીર કહે છે કે તે જ માણસ પવિત્ર બનીને અંતકાળે પણ મુક્તિને પામી શકશે.  – ૩

----------

‘દેત જોટા’ શબ્દો ગુજરાતી ભાષાના છે. આ પદનું મૂળ સ્વરૂપ મળી શક્યું નથી. કબીરસાહેબ વિશિષ્ટ પ્રકારની ભક્તિને હિંડોળાના રૂપક દ્વારા દર્શાવી રહ્યાં છે. કંઠી, તિલક આદિ ભક્તિના બાહ્યાચારની કોઈ વાત અહીં કરવામાં આવી નથી તેમજ દીવો સળગાવવો, ધૂપસળી સળગાવવી કે એવી કોઈ અન્ય વિધિનો પણ અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જેણે સદ્‌ગુરૂની શરણાગતિ સ્વીકારીને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેવા જ સંતો આવી ભક્તિને સમજી શકે. તેવા સંતો દષ્ટાંતો આપીને ભક્તિનું ઉત્ક્રુષ્ટ સ્વરૂપ સમજાવી શકે. તેથી ‘દેત જોટા’ શબ્દોનો અર્થ અહીં ‘દાખલા આપીને’ એવો કરવામાં આવ્યો છે.

જ્ઞાનમયી ભક્તિનું વિશેષ મહત્વ છે. જ્ઞાન વિનાની ભક્તિ વેવલી બની જાય છે. તે વિધિમાં અટવાઈ ને બાહ્યાચારનાં આડંબરને પોષે. તેથી ભક્તિનો જે આદર થવો જોઈએ તે થાય નહિ. તે હાસ્યાસ્પદ પણ બને. તેનું સકામ સ્વરૂપ તેને ઉત્તમ બનવા નહીં દે. લોકો ભક્તિ કરે તે પરમાત્માની નહીં, પણ પોતાની કામના પૂરી કરવા માટે કરે. કોઈને ધનસંપત્તિની જરૂર છે, કોઈને માનપ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા છે, કોઈને દુઃખ-સંકટનું નિવારણ કરવું છે !  પ્રભુને પ્રાપ્ત કરવા માટે કોઈ ભક્તિ કરતું જણાતું નથી. તેથી અહીં જ્ઞાન ને વૈરાગ્યના બે મજબૂત થાંભલા પર ભક્તિને ઊભી રાખી છે. વૈરાગ્ય એટલે રાગ રહિત મતલબ કે આસક્તિ રહિત, કામના રહિત ભક્તિનું ઊંચું – ઉત્તમ સ્વરૂપ.

રામનામની દીક્ષા જેને મળે તે સ્મરણનું મહત્વ સમજે. કબીરસાહેબ તે માટે સ્પષ્ટીકારણ કરે છે કે :

સુમિરન સુરત લગાઈકે, મુખ તે કછુ ન બોલ
બહાર કે પટ દેઈકે, અંતરકે પટ ખોલ

અર્થાત્ સ્મરણ મનથી કરવાનું હોય છે તેથી તેને પ્રથમ અંતર્મુખ કરવું જરૂરી છે. શરીરના દરવાજા ઉઘાડા રહે તો મન સહેજે બહિર્મુખ જ બની રહે. તેથી તમામ દરવાજા બંધ કરીને અંદરના આત્મજ્ઞાનનો દરવાજો ખોલવો જરૂરી ગણાય છે. તો મન સ્મરણમાં લીન થઈ શકે.

વિવેક, વિચાર, સંતોષ ને શીલની ચાર દાંડીઓ પર ભક્તિ રૂપી હિંડોળો ટકે છે. વિવેક જાગે તો વૈરાગ્ય જાગે તે હકીકતનો અહીં સ્વીકાર છે. વૈરાગ જાગે તે મન રાગ રહિત થાય ને સંસારની ભાવના ન કરે. વિચાર અહીં ધ્યાનની સૂચના કરે છે. જ્યારે મન કોઈપણ વસ્તુનો વિચાર કરે ત્યારે તે વસ્તુનો આકાર ને રૂપ તેની સમક્ષ ખડા થાય છે. તે જ ધ્યાન કહેવાય. સંસારિક પદાર્થનું ધ્યાન નહીં, પણ સદ્‌ગુરુનું ધ્યાન-આત્માનું ધ્યાન. પ્રભુ જે સ્થિતિમાં રાખે તે સ્થિતિમાં આનંદથી રહેવું તે સંતોષ. વિચાર ને વર્તનની એકતા તે શીલ. આ રીતે આ ચાર દાંડીઓ ભક્તિની શોભા વધારનારી છે.

‘ચુની જુરી’ શબ્દો અસ્પષ્ટતા સર્જે છે. એને બદલે ‘ચુનરી જુડી’ એવો પાઠ હોય તો પ્રેમની ચુંદડીનો ભાવ સ્પષ્ટ થાય.

જે વ્યક્તિ ખરાબ ગણાતી હોય તે વ્યક્તિ પણ સંતોના સંગમાં સુધરે. નારદમુનિના ઘડીક સંપર્કમાં વાલિયો લૂંટારો આવ્યો તો તેનામાં કેટલો બધો ફેરફાર થયો હતો ને મહાન વાલ્મીકી ઋષિ બની શક્યો હતો તે સૌ કોઈ જાણે છે. સંત સંગતમાં વાતાવરણ પણ આધ્યાત્મિક બની જતું હોય છે ને મનને ખોરાક પણ તેવો જ અનુકુળ મળતો હોય છે તેથી વ્યક્તિમાં સમૂળગો ફેરફાર થાય છે તે હકીકત તરફ કબીરસાહેબે સૌનું ધ્યાન દોર્યું છે.

Related Link(s):
1. નાદબ્રહ્મ પદ-૫૯૩ : ભક્તિ હિંડોળે સંત જન ઝુલે (રાગ - કાનડો)