Kabir Bhajan Sudha

કબીર ભજન સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

નાદબ્રહ્મ પદ-૬૦૧, પૃષ્ઠ-૩૨૦, રાગ-કાફી

પિયુજીને પ્રેમ હિંડોળે ઝુલાવું
મન બુદ્ધિકે સ્થંભ દોઉ સુંદર, લાલકે રંગ રંગાવું  - ટેક

રંગનારા સાચા સતગુરૂ, ધસી ધસી ત્યાં જાવું
માનસ વાચા કર્મણા દેકે, મંગલ મરુઆ લાવું  - ૧

હેત પ્રીત અરૂ ભાવ ભક્તિકી, દાંડી ચાર સોહાવું
ચેતન ચોકી જ્ઞાનકી ગાદી, તકિયા તૃપ્ત મિલાવું  - ૨

સુરતા દોરી ચારૂ હિંડોળે, નાદ ઘુઘર ઘમકાવું
સખીઓ પાંચ પચ્ચીસ મિલકે, મુક્ત મંગલ ગાવું  - ૩

ઐસે હિંડોળે ઝુલો મેરે પ્યારે, બહુ વિધ બાજા બજાવું
મગ્ન ભયી સખીઓ સબ ગાયે, સોહમ્ તાલ બજાવું  - ૪

પ્રાણજીવન હિંડોળે ઝૂલે, નીરખી હરખી સુખ પાવું
કહેત કબીરા આ રે હિંડોળે, વારંવાર ફિર જાવું  - ૫

સમજૂતી
હું તો મારા વ્હાલા પ્રિયતમ આતમરામને પ્રેમના હિંડોળા પર ઝુલાવું છું. પ્રેમના તે હિંડોળો આતમરામના રંગે રંગાયેલા મન અને બુદ્ધિના બે સ્થંભો પર બાંધેલા છે.  – ટેક

એ ઝુલાના રંગનાર તો સાચા સદ્‌ગુરૂ હોવાથી તેમની પાસે વારંવાર દોડી જાઉં છું ને મન, વચન તથા કર્મથી સેવા કરી તેમની પાસેથી કલ્યાણકારી જ્ઞાન પ્રાપ્ત કરું છું.  – ૧

હેત, પ્રીત, ભાવ, ભક્તિની ચાર દાંડીથી એ પેમનો હિંડોળો શોભી રહ્યો છે. એમાં જ્ઞાનની ગાદી અને સંતોષના તકિયા બિછાવેલા છે ને ચેતન તત્વ તો ખુદ એની ચોકી કર્યા કરે છે.  – ૨

સુરતા રૂપી દોરી વડે એ હિંડોળો બાંધ્યો છે અને એમમાં અનાહત નાદના ઘુઘરા પણ વાગ્યા કરે છે. પાંચ ઇન્દ્રિયો અને પચ્ચીસ તત્વોની સખીઓ સાથે મળીને મુક્તપણે મંગલ ગીતો પણ ગાયા કરે છે.  – ૩

અનેક પ્રકારના વાજિંત્રો વાગ્યા કરતા હોય અને સર્વે સખીઓ તન્મય બની જઈ સાથે સાથે ‘સોહમ્” “સોહમ્” ના તાલ પણ પુરાવતી હોય તેવા હિંડોળે હે મારા વ્હાલા પ્રિયતમ તમે ઝુલ્યા કરો !  - ૪

મારા જીવનના પ્રાણ સમાન પ્રિયતમને તેના પર ઝૂલતા જોઈને મને ખૂબ આનંદ થાય છે. કબીર કહે છે કે એવા હિંડોળા પર ઝૂલનારને વારંવાર જન્મવું પડતું નથી.  – ૫

----------

પિયુજી એટલે પ્રિયતમ. અહીં આતમરામ અભિપ્રેત છે. પદમાં ગુજરાતી શબ્દો જેવા કે હિંડોળે, રંગનારા, ધસી ધસી ત્યાં જાવું, આ રે, મિલાવું, ધમકાવું વગેરે શુદ્ધિકરણ માગે છે.

મન અને બુદ્ધિના બે થાંભલા પર પ્રેમનો હિંડોળો માનવ શરીરમાં જ બાંધી શકાય. તેથી “ઈશ્વર: સર્વ ભૂતનામ્ હૃદ્‌દેશે અર્જુન નિષ્ટતિ” એ ભગવદ્ ગીતાનો અઢારમાં અધ્યાયનો શ્લોક અહીં સહેજે યાદ આવશે. તેથી આત્માને પ્રિયતમ માનવાની આપણને ફરજ પડે છે.

“લાલ કે રંગ” એટલે આત્માના રંગે મન-બુદ્ધિને રંગવું જરૂરી બની જાય છે. સ્વભાવે મન ચંચલ કે બહિર્મુખ રહે તેથી સુખ બહાર જ તે શોધે. બુદ્ધિ તેનું કહ્યું માને એટલે તેનો નિર્ણય પણ તેવો જ રહે. તેથી મન-બુદ્ધિ આત્માભિમુખ બને તો સ્થિતિ સાવ જ બદલાય જાય. મન આત્મરંગે રંગાય તો આત્માનું જ તે ચિંતન કરશે, આત્મામાં જ સુખ શોધશે અને બુદ્ધિ પણ તેને અનુકૂળ થઈ જઈ નિર્ણયો કરશે.

“રંગરેજ પૂરા સતગુરૂકે પાસ દૌડન જાવું” એવી પંક્તિ હોય શકે. રંગરેજ તો આત્મા સાક્ષાત્કાર કરી ચૂકેલા સદ્‌ગુરૂ જ ગણાય. તેની પાસે જવાથી જ આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ શકે.

શરણાગતિભાવનું સૂચન. સર્વ ભાવે સદ્‌ગુરૂની શરણાગતિ સ્વીકારી તેમની આજ્ઞાનું પાલન કરવાથી જ આત્મજ્ઞાનની ઉપલબ્ધિ થઈ શકે.

સુરતા એટલે ચિત્તની વૃત્તિઓ. તેનો નિરોધ થઈ જાય તો સંયમ પ્રાપ્ત થઈ જાય. મન અમન બની શકે અને અનાહત નાદના ઘુઘરા તે સાંભળી શકે. એ બધા શબ્દો યોગની યાદ અપાવે.

ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, પ્રાણ સર્વ સાધનો આત્માના રંગે રંગાય તો લય અવસ્થાની પ્રાપ્તિ થાય અને ‘સોહમ્’ માં એકરૂપ થઈ ધન્યતાનો અનુભવ થઈ શકે. યોગીઓની થતી સર્વોત્તમ અનુભૂતિમાંથી તે  પસાર થઈ શકે.

‘જ્યાં લગી આત્મા તત્વ ચીન્હ્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી’ એ નરસિંહ મહેતાની યાદ અહીં આવે છે. આત્મા તત્વની ઓળખાણ થાય અને તેને અનુકુળ જીવન બની જાય તો પરમસુખ પ્રાપ્ત થાય જ.

‘વારંવાર ફિર જવું’ શબ્દો ગુજરાતી ભાષાના છે. એને બદલે અહીં “બારબાર નહીં આવું” એવા શબ્દો હોવા જોઈએ. નિજસ્વરૂપને પ્રાપ્ત કરનારને ફરી જન્મવું પડતું નથી એવો ભાવ છે.

Related Link(s):
1. નાદબ્રહ્મ પદ-૬૦૧ : પિયુજીને પ્રેમ હિંડોળે ઝુલાવું (રાગ - હિંડોળાનું મારૂ)