Kabir Bhajan Sudha

કબીર ભજન સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

નાદબ્રહ્મ પદ-૮૦૦, પૃષ્ઠ-૫૧૩, રાગ-મંગલ

જીવ તું કહાંસે આયો ?  કહા ચલ જાયેગો ?
જીવ તું કર લે પહિચાન, મુએ પસ્તાયેગો !  - ટેક

સતલોકસે આયો ત્રિગુણમેં સમાય રહ્યો
ભૂલ ગયો વો દેશ, માયામેં લપટાય રહ્યો  - ૧

નહિ તેરો ગાંવ ને ઠાંવ, નહિ પુર પાટણા
હૈ રે બટાવલું લોક, નહિ કોઈ આપણા  - ૨

કહે કબીર વિચાર, હંસા મંગલ ગાંવ હી
હંસ ગયે સતલોક બહોર નહિ આવ હી  - ૩

સમજૂતી
હે જીવ, તું, ક્યાંથી આવેલો ને પાછો ક્યાં જવાનો છે ?  તું બરાબર વિચાર કરીને જાણકારી મેળવી લે, નહીં તો મૃત્યુ પછી તું જરૂર પસ્તાશે.  – ટેક

ખરેખર તો તું સત્યલોકથી આવેલો !  પરંતુ તું અહીં આવીને ત્રણ ગુણ વાળી માયાના મોહપાશમાં એવી રીતે લપટાયો કે તું તારો અસલ દેશ જ ભૂલી ગયો !  -  ૧

તારા અસલ સ્વરૂપને નથી કોઈ નામ, નથી કોઈ ગામ કે નથી કોઈ ઠેકાણું !  આ મૃત્યુલોકમાં નથી કોઈ તારું સગું કે નથી કોઈ તારો સ્વજન-સંબંધી !  - ૨

તારો અંતર આત્મા તો હંમેશ મંગલ ગીતો ગાયને તને બોલાવી જ રહ્યો છે !  તેથી કબીર કહે છે કે હે જીવ, તું વિચાર કરી લે !  તું સત્યલોક એકવાર પણ જશે તો પાછા આવવાવાળું રહેશે જ નહીં !  - ૩

----------

માણસ જન્મે છે ત્યારે બંધ આંખે અને મરે છે ત્યારે પણ બંધ આંખે. આંખે પાટા બાંધીને કોઈ અજાણ્યા પ્રદેશમાં મૂકી જાય ને કશું ભાન ન રહે તેવી આ જીવની જન્મ્યા પછીની સ્થિતિ છે. જીવ ક્યાંથી આવે છે ને ક્યાં પાછો જાય છે તેની ગમ કોઈને જ નથી. બુદ્ધિશાળી માણસ વિચાર કરતાં થાકી જાય તોપણ જવાબ ન મળે. માનવમાત્રની અગમ્ય ગણાતી તેવી સમસ્યા અહીં રસિક રીતે રજૂઆત પામી છે.

‘પહિચાન’ એટલે ઓળખાણ. કોણ ઓળખાણ કરે ?  કોની ઓળખાણ કરે ?  કેવી રીતે ઓળખાણ કરે ?  એ સમસ્યા પણ મૂંઝવાનારી જ ગણાય. તેથી જેણે ઓળખાણ કરી લીધી હોય તેવા અનુભવીની શોધ કરવી પડે. શ્રીમદ્‌ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુનને સ્પષ્ટ શિખામણ આપતા કહે છે :

અનુભવવાળો હોય જે જ્ઞાની તેમજ હોય,
તેને નમતાં સેવતાં પૂછ પ્રશ્ન તું કોય.
જ્ઞાન તને તે આપશે તેથી મોહ જશે,
જગ આખું મુજમાં પછી જોશે આત્મ વિશે !    (સરળ ગીતા, અ.-૪)

અનુભવવાળો પુરૂષ કોણ ?  સામાન્ય રીતે જે સદ્‌ગુરૂ તરીકે ખ્યાત હોય તે. તેની પાસે આપણે જવું પડે. નમ્ર બની જઈ તેની સેવા પણ કરવી પડે. તો એક દિવસ તે રાજી થાય ને આપણને કૃપાપાત્ર બનાવે. તે કૃપાની વર્ષા વરસાવે તો જ્ઞાનની પ્રાપ્તિ આપણને થાય. પ્રત્યેક શરીરમાં રહેલ તત્વનો સચરાચરમાં વ્યાપેલ તત્વ તરીકે પરિચય થાય તો આપણું કલ્યાણ થાય. મૃત્યુ પછીના જીવનનો પણ ખ્યાલ આવે. મૃત્યુ પછી પણ જીવન ન ચાલુ રહે તેવી ગોઠવણ કરવી હોય તો ‘પહિચાન’ આવશ્યક છે.

સાત લોકની કલ્પના આ પ્રમાણે કરવામાં આવી છે :  મૃત્યુલોક, પાતાળલોક, સ્વર્ગલોક, જનલોક, મહરલોક, તપોલોક ને સત્યલોક. બ્રહ્માંડમાં જેમ સાત લોક છે તેમ આ પિંડ એટલે કે આપણા શરીરમાં પણ તે સાતેલોક છે એમ સંતવાણી અનુભવપૂર્વક કહે છે. આજ્ઞાચક્રની ઉપર આ સાતેલોકનો અનુભવ યોગની સાધના દ્વારા કરી શકાય છે. કબીરસાહેબ સત્યલોક વિશે આ પ્રમાણે સમજ આપે છે :

ચૌદહ લોક બસૈ ચૌદહ, તહં લગ કાલ પસારા
તાકે આગે જ્યોતિ નિરંજન, બૈઠે સુન્ન મંઝારા     (‘કબીર વચનાવલી’, પૃષ્ઠ-૧૮૪)

અર્થાત્ જેમ બ્રહ્માંડમાં ચૌદ લોક છે તેમ પિંડમાં પણ ચૌદ લોક છે. આ ચૌદ લોકમાં યમની સત્તા ચાલે છે. તેનાથી આગળ શૂન્ય ચક્રમાં નિરંજન પ્રભુની પરમ જ્યોતિનાં દર્શન થાય છે. ઉપરના સાત લોકનો આપણે ઉલ્લેખ કરી ગયા ને બીજા નીચેના સાત લોક છે તે આ પ્રમાણે છે :  અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ, પાતાલ. આ પ્રમાણે ચૌદ લોકની કલ્પના થઈ. કબીર સાહેબ કહે છે કે :

તાકે ઉપર પરમ ધામ હૈ મરમ ન કોઈ પાયા
જો હમ કઈ નહીં કોઉ માનૈ, ના કોઈ દુસર આયા     (‘કબીર વચનાવલી’, પૃષ્ઠ-૧૮૪)

અર્થાત્ પરમાત્માનું ધામ તો એનાથી પણ ઉપર છે, જે વિશે કોઈ જાણતું નથી. હું કહું છું તે કોઈ માનતું નથી. આવું સત્ય કહેનારું બીજું કોઈ જન્મ્યું પણ નથી.

સત્વ, રજ ને તમ એ ત્રણ ગુણો માયાના ગણાય. તેની મોહિનીમાં જીવને કાયમ બાંધેલો રાખે છે તેથી જીવ પોતાના સ્વરૂપને ભૂલી જાય છે.

આત્મ સ્વરૂપને કોઈ નામ નથી કે કોઈ ગામ નથી. તેની કોઈ જાતિ પણ નથી. છતાં જીવનો તે સાચો સંગાથી ગણાય છે. પરંતુ જીવ તેને ભૂલી જતો હોવાથી સંસારમાં તેના સગા-સંબંધી-સાથી શોધ્યા કરે છે.

‘હૈ રે બટાવલું લોક’ શબ્દો અસ્પષ્ટ છે. એને બદલે “હૈ મરતુલોક મંઝાર” એવા શબ્દો હોવા જોઈએ.

કટોકટીના પ્રસંગે દરેક જણને પોતાની અંદરથી ચોક્કસ પ્રકારનું માર્ગદર્શન મળતું રહે છે. તે હંમેશા કલ્યાણકારી હોય છે. તે માર્ગદર્શન આપનાર આત્મા જ હોય છે. પરંતુ માયામાં મોહેલો જીવ તે માર્ગદર્શન ગણકારતો નથી, પરિણામે દુઃખના દરિયામાં ડૂબી જાય છે. તે આત્માનું દર્શન કરનાર જન્મમરણનાં દુઃખો પાર કરી જાય છે.

Related Link(s):
1. નાદબ્રહ્મ પદ-૮૦૦ : જીવ તું કહાંસે આયો (રાગ - મંગલ)